હાઇકોર્ટની સુરક્ષા મુદ્દે ખુલાસો કરવા આદેશ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હાઇકોર્ટમાં બોમ્બ મૂકનારા સસ્પેન્ડેડ પીઆઇ કુરેશીની જામીન અરજીનો મુદ્દો

અતિ સંવેદનશીલ ગણાતા ગુજરાત હાઇકોર્ટની સુરક્ષાના મુદ્દે ગંભીરતા પૂર્વકનું વલણ અપનાવતા હાઇકોર્ટના સીંગલ જજની બેંચે રાજ્ય સરકારનો ખુલાસો માંગ્યો હતો કે હાઇકોર્ટની સુરક્ષા અને સલામતી માટેની શું જોગવાઇ છે. તેની સુરક્ષા વધુ સુદ્રઢ બનાવવા શું કરી શકાય. હાઇકોર્ટમાં બોમ્બ મૂકવાનું કાવતરૂં કરનારા સસ્પેન્ડેડ પીઆઇ ફારૂક કુરેશીની જામીન અરજીના કેસમાં જસ્ટિસ એ.એસ.દવેએ રાજ્ય સરકારના રોડ અને બિલ્ડિંગ વિભાગને નોટિસ પાઠવી છે અને હાઇકોર્ટની સુરક્ષાના મુદ્દે ખુલાસો કરવાની તાકીદ કરી છે. કેસની વધુ સુનાવમી ૧ એપ્રિલના રોજ રાખવામાં આવી છે.

હાઇકોર્ટમાં બોમ્બ મૂકવાના કેસમાં આરોપી તરીકે સામે આવેલા સસ્પેન્ડેડ પીઆઇ કુરેશીની જામીન અરજીના કેસની બુધવારે સુનાવણી હતી. જેમાં રાજ્ય સરકાર વતી એક રિપોર્ટ કોર્ટ સમક્ષ મૂકાયો હતો. જેમાં સરકારે કોર્ટને એ બાબતની બાંયધરી આપી હતી કે,તેઓ હાઇકોર્ટની સુરક્ષા અને સલામતીનું પુન:મૂલ્યાંકન કરશે. એટલું જ નહીં ખૂબ જ ગંભીર એવા આ મુદ્દે નવેસરથી સુરક્ષાની વ્યવસ્થા ઊભી કરવાની કટિબદ્ધતા પણ દર્શાવી હતી. આ કામગીરી અસરકારક અને જડબેસલાક રીતે પાર પાડવા માટે રાજ્ય સરકાર તરફથી એક મહિ‌નાનો સમય પણ માંગવામાં આવ્યો હતો. રાજ્ય તરફથી રજૂ કરવામાં આવેલા રિપોર્ટને ધ્યાને લેતાં જસ્ટિસ એ.એસ.દવેએ સરકારને હાઇકોર્ટની સુરક્ષા મુદ્દે સવાલો કરી રાજ્ય સરકારે પહેલી એપ્રિલ સુધી ખુલાસો કરવાનો આદેશ કર્યો હતો.

હાઇકોર્ટે આ મુદ્દે માંગ્યો ખુલાસો
હાઇકોર્ટની સુરક્ષા અને સલામતીની શું જોગવાઇ છે. સુરક્ષા વ્યવસ્થા માટે મૂકાયેલી વ્યક્તિઓનું મોનિટરિંગ કઇ રીતે થાય છે. સુરક્ષા વધુ સુદ્રઢ બનાવવા શું કરી શકાય. હાઇકોર્ટની બહાર પાસ લેવા ઊભેલી વ્યક્તિઓ પર સૌથી વધુ જોખમ હોય છે, તેમની સુરક્ષાનું શું હાઇકોર્ટના સંકુલની અંદર શેડ બાંધીને પાસ આપવવાની વ્યવસ્થા કરી શકાય કે કેમ જામીન અરજીનો શું મુદ્દો છે

ગુજરાત હાઇકોર્ટમાં પીઆઇ તરીકે ફરજ બજાવતા ફારૂક કુરેશી પર ૩૭૬,૪૦૬ સહિ‌તની કલમ હેઠળ ગુનો નોંધાવાની શક્યતા હોવાથી તેણે તમામનું ધ્યાન અન્યત્ર કેન્દ્રિ‌ત કરવા હાઇકોર્ટમાં બોમ્બ મૂકવાની ઘટના ઘડી નાંખી હતી. જેમાં એવુ જણાવ્યું હતું કે, ૨૦-૧૨-૧૨ના રોજ અ હાઇકોર્ટમાં પેટ્રોલિંગ કરતો હતો ત્યારે તેને ૩ વાગ્યાના અરસામાં પબ્લિક પાકિગ અને સર્વિ‌સ રોડ વચ્ચેથી ગુલાબી રંગની કોથળી મળી આવી હતી.

જેમાં બે ટીન હતા. તેથી તેણે કંટ્રોલને જાળ કરતા બોમ્બ સ્કવોડ અને એફએસએલને બોલાવી લેવામાં આવી હતી. ત્યાર પછી તપાસ કરતાં ટીનમાં દારૂખાનામાં વપરાતું પાવડર, લીડ્સ, લોખંડના છરા, બોલ વગેરે મળી આવ્યા હતા. જો કે ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરતાં આ બોમ્બ મૂકવાની ઘટના કુરેશીએ જ ઘડી કાઢી હોવાનું સામે આવ્યું હતું. જો કે, તે પોતે નિર્દોષ હોવાથી તેને જામીન મળવા જોઇએ તેવી માંગ સાથે તેણે હાઇકોર્ટમાં અરજી કરી છે.