ભારે હિ‌ટવેવ વચ્ચે ૨૪ કલાકમાં રાજયભરમાં વરસાદી ઝાપટાંની આગાહી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- અમરેલીમાં સૌથી વધુ ૪૩.૪ ડિગ્રી ગરમી
-
ગરમીનો પારો ૪૨ ડિગ્રીને પાર કરી જતાં કાળઝાળ ગરમીનો અનુભવ
-
અમદાવાદ સહિ‌ત રાજયનાં ૧૦ શહેરોનું મહત્તમ તાપમાન ૪૧ ડિગ્રીને પાર કરી ગયું

રાજયમાં પવનની દિશા બદલાઇને પ‌શ્ચિ‌મી પવનો શરૂ થતાં દિવસ દરમિયાન અમદાવાદ સહિ‌ત રાજયનાં વિવિધ શહેરોમાં હિ‌ટવેવનું પ્રમાણ વધતાં લોકોએ ગરમી પ્રકોપનો અનુભવ કર્યો હતો. જો કે, સાંજ પડતાં વાતાવરણમાં અચાનક પલટો આવતાં આકાશમાં વાદળો ઘેરાયા બાદ શહેરનાં કેટલાંક વિસ્તારોમાં વરસાદી છાંટા કે ઝાપટું પડતાં ગરમીનું પ્રમાણ ઘટયું હતું. તેમજ આગામી ૨૪ કલાકમાં હળવાથી મધ્યમ વરસાદ કે વરસાદી છાંટા પડવાની સંભાવના હવામાન વિભાગે વ્યકત કરી છે.

હવામાન વિભાગનાં આંકડાઓ મુજબ,રવિવારે અમદાવાદનું મહત્તમ તાપમાન શનિવારે કરતાં ૧.૩ ડિગ્રી ગગડીને ૪૨.૦ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં ૧ ડિગ્રી વધીને ૨૮.૩ ડિગ્રી નોંધાયું હતું. જયારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ સવારે ૮.૩૦ કલાકે પ૯ ટકા અને સાંજે પ.૩૦ કલાકે ૩૯ ટકાએ પહોંચ્યું હતું.હિ‌ટવેવનું જોર વધતાં રવિવારે અમદાવાદમાં વહેલી સવારથી જ કાળઝાળ ગરમીનો લોકોએ અનુભવ કર્યો હતો. તેમજ સવારે ૯.૦૦ વાગ્યાથી જ બપોરે ૧૨ વાગ્યા પછી અનુભવાતી ગરમીને કારણે લોકો પરસેવે રીતસર ન્હાઇ ગયાં હતા. જેને પગલે શહેરમાં દિવસ દરમિયાન લોકોએ ગરમીથી બચવા માટે ઘરમાં પુરાઇ રહેવાનું પસંદ કરતાં શહેરનાં વિવિધ રસ્તાઓ પર કફ્ર્યુ જેવો માહોલ સર્જા‍યો હતો. જો કે, સાંજનાં ૬.૦૦ વાગ્યા બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો, તેમજ ગરમને બદલે ઠંડા પવનો શરૂ થવાની સાથે આકાશમાં વાદળો ઘેરાયા બાદ શહેરનાં કેટલાંક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં તો કયાંક વરસાદી છાંટા પડતાં ગરમીનું પ્રમાણ ઘટતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

હિ‌ટવેવને પગલે અમદાવાદ સહિ‌ત રાજયનાં ૧૦ શહેરોનું મહત્તમ તાપમાન ૪૧ ડિગ્રીને પાર કરી ગયું હતું, જેમાંથી છ શહેરોમાં ગરમીનો પારો ૪૨ ડિગ્રીને પાર કરી જતાં લોકોએ કાળઝાળ ગરમીનો અનુભવ કર્યો હતો. જેમાં ૪૩.૪ ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન સાથે અમરેલી રાજયનું સૌથી ગરમ શહેર બન્યું હતું. ત્યારબાદ સુરેન્દ્રનગર- ૪૨.૮, કંડલા એરપોર્ટ- ૪૨.૬, રાજકોટ- ૪૨.૩, અમદાવાદ અને ભુજ- ૪૨.૦, વડોદરા- ૪૧.૯, ગાંધીનગર- ૪૧.પ, ડીસા- ૪૧.૪ અને વલ્લભ વિધાનગરમાં ૪૧.૪ ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાયું હતું. જો કે, આગામી ૨૪ કલાકમાં અમદાવાદ સહિ‌ત રાજયનાં વિવિધ શહેરમાં હળવોથી મધ્યમ વરસાદ કે વરસાદી છાંટા પડવાની સંભાવના હવામાન વિભાગે વ્યકત કરી છે.

આગળ વાંચો વધુ વિગત