અમદાવાદ બ્લાસ્ટ કેસની ૨૩મીથી સાબરમતી જેલમાં સુનાવણી

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેરમાં વર્ષ ૨૦૦૮માં થયેલા શ્રેણીબદ્ધ બ્લાસ્ટ કેસની ટ્રાયલ શરૂ થઇ ચૂકી છે. જેમાં હાલના તબક્કે ફરિયાદી અને પીએસઓની જુબાની પૂર્ણ થઇ છે જેથી આગામી દિવસોમાં સાક્ષીઓની જુબાની લેવાની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. આ કેસની વધુ સુનવણી ૨૩ ઓકટો.ના રોજ સ્પે. કોર્ટમાં હાથ ધરવામાં આવશે.

શહેરમાં થયેલા શ્રેણીબદ્ધ બ્લાસ્ટમાં ૫૭ લોકોનાં મોત અને સંખ્યાબંધ લોકો ઘાયલ થયા હતા. આ મામલે અમદાવાદમાં કુલ ૨૦ જ્યારે સુરતમાં બોમ્બ મૂકી બ્લાસ્ટ કરવાના ષડ્યંત્ર મામલે ૧૫ ફરિયાદ થઇ હતી. આમ કુલ ૩૫ કેસો એક સાથે ભેગા કરી દેવામાં આવ્યા છે. ત્યાર બાદ પોલીસે તબક્કાવાર કુલ ૭૩ જેટલા આતંકવાદીઓને ઝડપી લીધા હતા. જોકે, ત્યાર બાદ આ કેસ પર ૧૫ ફ્રેબ્રુ. ૨૦૧૦ના રોજ સુપ્રીમ કોર્ટનો સ્ટે આવી ગયો હતો જેના કારણે ટ્રાયલ શરૂ થઇ શકી ન હતી. પરંતુ સ્ટે ઊઠતા જ જુલાઇ મહિનાથી સ્પે. કોર્ટમાં ટ્રાયલ શરૂ થઇ ચૂકી છે. ઝડપાયેલા પૈકી હાલ ૬૪ આરોપીઓ સામે સ્પે. કોર્ટમાં ચાર્જફ્રેમ કરી કેસ ચલાવવામાં આવી રહ્યો છે.

જ્યારે બાકીના આરોપીઓ સામે આગામી દિવસોમાં કેસ ચલાવવામાં આવશે. આ કેસમાં હાલના તબક્કે ફરિયાદી અને પીએસઓ સહિત કુલ ૨૬ સાક્ષીઓની જુબાની પૂરી થઇ છે. આ કેસના તમામ આરોપીઓ ગુજરાત સરકારે ૨૭ ઓક્ટોબર ૨૦૦૯ના રોજ જેલમાંથી બહાર કાઢવા પર પ્રતિબંધ છે જેના કારણે આ કેસની સુનવણી માટે જેલમાં જ સ્પે. કોર્ટની વ્યવસ્થા કરવામાં આવી છે.

નોંધનીય છે કે, ગોધરા ટ્રેનકાંડ અંગેની સુનવણી પણ જેલમાં રહેલી ખાસ અદાલમાં થઇ હતી. ઐતિહાસિક ચુકાદો આપનાર જજ કેસ ચલાવી રહ્યા છે. નરોડા પાટિયા હત્યાકાંડનો ઐતિહાસિક ચુકાદો આપનાર જજ ડૉ. જયોત્સનાબહેન યાજ્ઞિક બોમ્બ બ્લાસ્ટ કેસ પણ ચલાવી રહ્યાં છે. ડૉ. જયોત્સનાબહેન યાજ્ઞિકે આ પહેલા બીજલ જોષી હત્યાકેસ સહિતના મહત્વના ચુકાદા આપ્યા છે. ત્યાર બાદ ગુજરાત હાઇકોર્ટે ડૉ.જયોત્સનાબહેન યાજ્ઞિકની ખાસ જજ તરીકે બ્લાસ્ટ કેસમાં નિમણુંક કરી હતી. આ કેસમાં ખાસ સરકારી વકીલ તરીકે સુધીર બ્રહ્નભટ્ટ, અમિત પટેલ, એચ.એમ.ધ્રુવ અને મિતેષ અમીનની નિમણુંક સરકાર દ્વારા કરવામાં આવી છે.

હાઇકોર્ટે કેસ એક વર્ષમાં પૂરો કરવાનો નિર્દેશ કર્યો હતો

બ્લાસ્ટ કેસના એક આરોપીએ જામીન મેળવવા માટે હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેમાં કેસની ટ્રાયલ ન ચાલતી હોવાની રજૂઆત કરી જામીન માગ્યા હતા.તે સમયે જસ્ટિસ એમ.ડી.શાહે આ કેસની ટ્રાયલ એક જ વર્ષમાં પૂરી કરવાનો નિર્દેશ કર્યો હતો જેના કારણે કેસ ઝડપી ચાલે તેવી પણ શક્યતાઓ છે.

ફેક્ટ ફિગર

૨૦ જગ્યાએ બ્લાસ્ટ થયા ૫૭ લોકોનાં મોત ૭૩ આરોપીઓ ઝડપાયા ૬૪ સામે ટ્રાયલ શરૂ ૨૮૪ જેટલી ચાર્જશીટ ૨૬ સાક્ષીઓની જુબાની પૂર્ણ