નારાજ કમિશનરે હેલ્થ ખાતાના અધિકારીઓને ખખડાવ્યા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખુલ્લા પ્લોટમાં ભરાઇ રહેલાં પાણી મચ્છરની ઉત્પત્તિ માટે સ્વર્ગ સમાન : નવા પ‌શ્ચિ‌મ ઝોનના વસ્ત્રાપુર તથા સોલામાં ખુલ્લા પ્લોટમાં પાણીના ખાબોચિયામાં મચ્છરોના બ્રીડિંગ જોવા મળ્યા. શહેરમાં મચ્છરજન્ય રોગચાળો અંકુશમાં આવી ગયાના દાવા વચ્ચે મેલેરિયા અને અન્ય તાવના કેસમાં વધારો નોંધાઇ રહ્યો છે, ત્યારે મચ્છરની ઉત્પત્તિ રોકવાને બદલે હપ્તા સિસ્ટમમાં જોડાઇ ગયેલાં હેલ્થ ખાતાના કેટલાક અધિકારીઓને તેમના વિસ્તારમાં ખુલ્લા પ્લોટમાં ભરાઇ રહેલાં પાણીમાં પેદા થતાં મચ્છર દેખાતા નથી. શહેરમાં ચાલુ વર્ષે મેલેરિયાનો તાવ જીવલેણ બન્યો છે અને તાવના કેસમાં ઘટાડો નોંધાતો નથી તેની ગંભીરતાથી નોંધ લઇ મ્યુનિ.કમિશનર ડો.ગુરુપ્રસાદ મહાપાત્રાએ શુક્રવારે સાંજે તમામ ઝોનના ડે.કમિશનર, એડિશનલ ઇજનેર, હેલ્થ અને એસ્ટેટ-ટીડીઓના અધિકારીઓની રિવ્યૂ મિટિંગમાં પોતાની નારાજગી વ્યક્ત કરતાં એવું કહ્યું હતું કે, હેલ્થ ખાતા માટે દવા, મશીન સહિ‌તની સાધનસામગ્રી તથા મલ્ટિપરપઝ હેલ્થ વર્કર સહિ‌તની જરૂરિયાત પૂરી કરવામાં આવી છે ત્યારે કામગીરીમાં કોઇ પણ પ્રકારની ઢીલાશ ચલાવી લેવાશે નહિ‌. જોકે શહેરમાં સપ્તાહ સુધી પડેલા વરસાદના પાણી જુદા જુદા વિસ્તારમાં આવેલા ખુલ્લા પ્લોટમાં ભરાઇ રહ્યા છે અને તેમાં મચ્છરની ભરપૂર ઉત્પત્તિ થઇ ગઇ છે, તેમ છતાં જે તે વિસ્તારના હેલ્થ ખાતા દ્વારા તકેદારીના પગલાં લેવાયા નથી અને કેટલીક જગ્યાએ વિશાળ પ્લોટના કિનારે દવા છાંટીને કામગીરી કર્યાનો સંતોષ લેવાયો છે. શહેરના પ‌શ્ચિ‌મ અને નવા પ‌શ્ચિ‌મ ઝોનમાં સોલારોડ તથા વસ્ત્રાપુર વગેરે વિસ્તારમાં આવા કેટલાય ખુલ્લા પ્લોટ આવેલા છે અને તેમાં હજુય અંદર સાઇડે પાણીના ખાબોચિયાં અને તેમાં મચ્છરના બ્રિડિંગ જોવા મળી રહ્યા છે. ખુલ્લા પ્લોટના માલિકો સામે પગલાં લેવાતાં નથી શહેરમાં આવેલા ખુલ્લા પ્લોટ્સમાં લોકો કચરો ઠાલવી જાય છે અને વરસાદી પાણી ભરાતાં મચ્છરનો ઉપદ્રવ થાય છે તે બાબતે તત્કાલીન કમિશનર આઇ.પી.ગૌતમે આવા પ્લોટ માલિકો સામે પગલાં લેવા જણાવ્યું હતું, પરંતુ મ્યુનિ.તંત્ર દ્વારા કોઇનીય સામે કડક પગલાં લેવાયાનું જાણવા મળ્યું નથી. આ મામલે પૂછતાં ડે.કમિશનર આઇ.કે.પટેલે જણાવ્યું હતું કે, ખુલ્લા પ્લોટના માલિકોને નોટિસ આપવામાં આવે છે, તેની સાથે સાથે જાહેર આરોગ્યના હિ‌તમાં મ્યુનિ. દ્વારા પંપ મૂકી પાણી ઉલેચવાની તથા દવા છંટકાવની કામગીરી કરવામાં આવે છે. શહેરમાં આવેલા ખુલ્લા પ્લોટના રોડ રિસરફેસની કામગીરી શરૂ કરાવો શહેરના તમામ વિસ્તારમાં આવેલા રસ્તાઓની હાલત ખરાબ થઇ ગઇ છે અને એક પણ રોડ ધોવાયો ન હોય તેવું બન્યું નથી, તેનાથી નારાજ મ્યુનિ. કમિશનરે રિવ્યૂ મિટિંગમાં રોડ રિસરફેસની કામગીરી શરૂ કરાવી દેવા અધિકારીઓને સૂચના આપી હતી. જોકે બે દિવસથી ફરી વરસાદી માહોલ જામ્યો છે, તે જોતાં રોડ બનાવવાની કામગીરીમાં વિલંબ થશે.