મુંબઈ-રાજસ્થાન વચ્ચે આજની મેચમાં ગુજરાત પોલીસ એલર્ટ પર

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ઈડન ગાર્ડન પરની મેચમાં ગુજરાત પોલીસને બુકીઓ પર ત્રાટકવા ગુપ્ત આદેશ અપાયા છે

શ્રીસંત સહિ‌ત રાજસ્થાન રોયલ્સના ત્રણ ખેલાડીના સ્પોટ ફિક્સિંગકાંડમાં દિલ્હી પોલીસ તરફથી ચાર દિવસ પહેલા મળેલા બે બુકીઓના ચાર સેલ નંબરોની માહિ‌તી પર ક્રાઈમ બ્રાન્ચ એક્શનમાં આવી ગઈ છે. એટલું જ નહીં પરંતુ જીતેન્દ્રકુમાર જૈન ઉર્ફે જીતુ થરાદ અને ચિરાગ ઠક્કર સ્પોટ ફિક્સિંગકાંડ પછી પણ આઈ પી એલ પર સટ્ટો રમાડતા હોવાની માહિ‌તી મળતા શુક્રવારે ઈડન ગાર્ડન પર રમાનારી રાજસ્થાન રોયલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની મેચમાં સમગ્ર ગુજરાતની પોલીસને બુકીઓ પર ત્રાટકવા ગુપ્ત આદેશ જારી કરાયા છે.

બીજી બાજુ બુધવારે રાત્રે રમાયેલી રાજસ્થાન રોયલ્સ અને હૈદરાબાદ સનરાઈઝર્સ વચ્ચેની મેચમાં અમદાવાદની બહાર એક બુકી સટ્ટો રમાડી રહ્યો છે તેવા મેસેજ મળતા ક્રાઈમ બ્રાન્ચે તેનો સેલ નંબર ખાનગી સીડીએમએ સર્વિ‌સ પ્રોવાઈડરને લોકેશન માટે મોકલ્યો હતો. જો કે લોકેશન આવતા રાતના ૧૨ વાગી જતા આ બુકી તેના સ્થળેથી ભાગી ગયો હતો.

ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોએ જણાવ્યું હતું કે ગત શનિવારના રોજ દિલ્હી સ્પેશિયલ તરફથી તેમને જીતુ થરાદ, નરેશ ગાંધીધામ, પીન્ટુ ડીસા, નીર અને તેના ભાઈ ચિરાગ ઠક્કર, ટોમી ઊંઝા અને વિક્રમ નામના બુકીઓની માહિ‌તી આપી હતી. દિલ્હી સ્પેશિયલ સેલ તે પૈકી બે બુકીના ચાર સેલ નંબર પણ ક્રાઈમ બ્રાન્ચને આપ્યા હતા. આ માહિ‌તી પર તપાસ કરતા ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે તે બુકી અમદાવાદની બહાર પૂરજોશમાં રાજસ્થાન રોયલ્સ અને હૈદરાબાદ સનરાઈઝર્સ વચ્ચેની મેચ પર સટ્ટો રમાડી રહ્યો છે.

ક્રાઈમ બ્રાન્ચે તેના નંબરનું લોકેશન કાઢવા ખાનગી સર્વિ‌સ પ્રોવાઈડરને તેનો નંબર ફોરવર્ડ કર્યો હતો પરંતુ લોકેશન મોડું મળતાં બુકી સ્થળ છોડી જતો રહ્યો હતો. આ દરમિયાન દિલ્હી પોલીસ તરફથી માહિ‌તી મળ્યા બાદ તેમણે બુકીઓ પર ત્રાટકવા અલગ અલગ ટીમો બનાવી છે, જે ખાનગી બાતમીદારો અને નંબર લોકેશન દ્વારા બુકીઓનો પત્તો લગાવી બુકી નેટવર્કનો પર્દાફાશ કરશે.

- ગુજરાત ATSએ ગિરીશ જૈનનો ફોન ટ્રેસ કર્યો હતો

મુંબઈના ગિરીશ જૈન અને તેનો ભાઈ સતીશ જૈન ક્રિકેટ પર સટ્ટામાં સંડોવાયેલા છે તેવી મનીષ જૈન નામના માણસની અરજી ૨૦૧૦માં ગુજરાત એટીએસને મળી હતી. તે અરજીમાં આ બંને ભાઈઓ પાકિસ્તાની અમ્પાયર અરશદ રઉફ સાથે મળી સ્પોટ ફિક્સિંગ કરતા હોવાનો પણ આક્ષેપ હતો. જેમાં તપાસ કરતા એટીએસને જાણવા મળ્યું હતું કે ૨૦૦૮માં અમદાવાદમાં રમાયેલી એક ટેસ્ટ મેચ દરમિયાન બંને ભાઈઓની હાજરી અમદાવાદમાં હતી. તદુપરાંત ૨૦૧૧માં રમાયેલી વિશ્વ કપની એક મેચના ચાર દિવસ અગાઉ બંને ભાઈઓના કોલ લોકેશન અમદાવાદ હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ ગિરીશ જૈન અને સતીશ જૈન સામે કોઈ ઠોસ પુરાવા ગુજરાત એટીએસને ન મળતા તપાસ બંધ કરી દેવાઈ હતી. બાદમાં ગુજરાત એટીએસને જાણવા મળ્યું હતું કે ગિરીશ જૈનની કાનપુર પોલીસ સટ્ટાના એક કેસમાં ધરપકડ કરી હતી.