નિરમામાં ભણતા દોહિત્રે જ શોખ પૂરા કરવા નાની પર હુમલો કરી દાગીના લૂંટ્યા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલાપીનગરમાં વૃદ્ધાના માથે ધોકો મારી લૂંટ ચલાવવાના કેસમાં બહાર આવ્યું
અમદાવાદ: તાજેતરમાં કલાપીનગરમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનમાં એકલાં રહેતાં 71 વર્ષીય શકુંતલાબહેન સોનાગ્રાના માથા પર ધોકો મારી અજાણ્યા યુવકે દાગીના લૂંટી લીધા હતા, જોકે આ યુવકે તેમનો દોહિત્ર જ હોવાનું ક્રાઇમ બ્રાંચની તપાસમાં બહાર આવ્યું છે. 21 વર્ષનો અજય ઉર્ફે અજુ ચૌહાણની ક્રાઇમ બ્રાંચે દાણાપીઠ ફાયરબ્રિગેડ પાસેથી સોનાના ચાર પાટલા, સોનાની ચેઇન, સોનાની બુટ્ટી, સોનાની કાનની સેર અને વીંટી મળી કુલ 1.57 લાખની કિંમતના છ તોલા સોનાના દાગીના સાથે ધરપકડ કરી છે. નિરમા યુનિવર્સિટીમાં ડિપ્લોમા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશનમાં અભિયાસ કરતા અજયે પૂછપરછમાં કેટલીક ચોંકાવનારા ખુલાસા કર્યા હતા.
તેણે કહ્યું હતું કે, તેનાં નાની શકુંતલાબહેન તેને નાની નાની વાતોમાં ઠપકો આપતા હતા, જે તેને પસંદ નહોતું. ઉપરાંત મોજશોખ પૂરા કરવા માટે પણ નાની રૂપિયા આપતાં ન હોવાથી તેને નાની પ્રત્યે અણગમો હતો. આ કારણથી તેણે દાગીના લૂંટવાનું નક્કી કર્યું હતું. ગુરુવારે બપોરે તેણે મોંએ રૂમાલ બાંધી નાનીના ઘરમાં ઘૂસી જઈ ધોકા વડે માથામાં ફટકા મારી તેમને બેભાન કરી લૂંટ ચલાવી હતી.