તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

GPSCની પરીક્ષાની તારીખ લંબાવવાની માગ ફગાવાઇ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- વર્ગ 1-2ની પરીક્ષામાં રાહત માટે હાઇકોર્ટનો ઇનકાર
અમદાવાદ : ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા આગામી રવિવારને 12મી ઓક્ટોબરના રોજ યોજાનારી વર્ગ -1 અને વર્ગ-2ની પરીક્ષાની તારીખ લંબાવવા માટે દાદ માગતી જાહેરહિતની રિટને કાર્યકારી ચીફ જસ્ટિસ વી.એમ.સહાય અને જસ્ટિસ આર.પી. ધોલરિયાની ખંડપીઠે ફગાવી દીધી છે. આ કેસની વિગત એવી છેકે, અજય સોમાણીની પીઆઇએલમાં રજૂઆત કરાઇ હતી કે રાજ્ય સરકારે 8 વર્ષ બાદ વર્ગ-1 અને વર્ગ-2ના પદ માટે આરંભેલી ભરતી પ્રક્રિયા માટેનો અભ્યાસક્રમ બદલી નાખ્યો છે. સાયન્સના વિદ્યાર્થીને જ લાભ થાય તેવો કોર્સ તૈયાર કરાયો છે. બીજી સ્ટ્રીમમાંથી આવતા વિદ્યાર્થીઓને ગણિત અને વિજ્ઞાનના અભ્યાસક્રમને તૈયાર કરવાનો પૂરતો સમય મળી રહે તે માટે પરીક્ષાની તારીખ લંબાવી આપવામાં આવવી જોઇએ.

મહારાષ્ટ્રમાં ભરતી દરમિયાન કુલ ખાલી પડેલી જગ્યાના 15 ઘણા ઉમેદવારોને પ્રિલિમિનરી પરીક્ષામાં પાસ કરવામાં આવે છે. ગુજરાતમાં પણ અગાઉ 9 ઘણા ઉમેદવારોને પાસ કરવામાં આવતા હતા. જોકે હવે નવા નિયમ પ્રમાણે માત્ર 6 ઘણા ઉમેદવારોને જ પાસ કરવાનું ઠરાવવામાં આવ્યું છે. તેને કારણે યોગ્ય ઉમેદવાર મેળ‌વવાની સ્પર્ધા નહીં રહે. જેથી રાજ્ય સરકારે આ બાબતે 31મી ડિસેમ્બર 2012ના રોજ જાહેર કરેલા પરીપત્રને રદ કરવો જોઇએ. ખંડપીઠે પિટિશન ફગાવતા નોંધ્યું હતુંકે સરકારે ભરતી માટેની જાહેરખબર 10મી જૂન 2014ના રોજ બહાર પાડી હતી. જોકે તેના પહેલા જ અભ્યાસક્રમમાં ફેરફાર કર્યો હતો. જેથી તમામ ઉમેદવારો નવા અભ્યાસક્રમ મારફત જ પરીક્ષાની તૈયારી કરે તે સ્પષ્ટ છે.