• Gujarati News
  • GPS System To Every Train TT Officer : This Machine Usefull For Train Blank Seat Detail

તમામ ટ્રેનના ટીટીને GPS સિસ્ટમ મળશે, ખાલી સીટની પેસેન્જરને ફાળવણી કરાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
-આ મશીનની મદદથી ખાલી સીટની માહિતી મેળવી તેની પેસેન્જરને ફાળવણી કરાશે

અમદાવાદ : તમે ટ્રેનની ટિકિટ અગાઉથી કન્ફર્મ બુક કરાવી નથી અને તેમને અચાનક પ્રવાસ કરવાની જરૂરિયાત ઊભી થઈ છે તો હવે તમે ટ્રેન ઉપડવાના સમયે જ સ્ટેશને પહોંચી જનરલ ટિકિટ લઈ રિઝર્વેશન કોચમાં બેસી શકો છો અને ત્યાં ટીટી પાસેથી જો ટ્રેનમાં સીટ ખાલી હોય તો તે કન્ફર્મ કરાવી શકો છો. આ સુવિધા માટે હવે ટ્રેનના તમામ ટીટીને હેન્ડ હેલ્ડ જીપીએસ મશીન આપવામાં આવશે. આ મશીન રેલવે સર્વર સાથે જોડાયેલી હોવાથી ટ્રેન ઊપડ્યા બાદ પણ ક્યા કોચમાં કેટલી સીટ ખાલી છે તેની માહિતી ટીટીને મળી રહેશે અને તે જરૂરિયાત મુજબના પ્રવાસીઓને સીટ ફાળવી શકશે.

અત્યારે દરેક ટ્રેનના ટીટીને રિઝર્વેશન ચાર્ટ આપવામાં આવે છે. ટ્રેન ઊપડ્યા બાદ ક્યા કોચમાં કઈ સીટ ખાલી થઈ તેની માહિતી ટીટીને હોતી નથી. કોચમાં ટિકિટ ચેક કર્યા બાદ ટીટી મેન્યુઅલી ચાર્ટમાં ટીક માર્ક કરી જે તે સીટ પર પેસેન્જર હાજર છે તેની ખાતરી કરે છે. આ પ્રક્રિયામાં સમય પણ વધુ લાગે છે અને ક્યા કોચમાં સીટ ખાલી છે તેની માહિતી તત્કાલ મળતી નથી.

પરંતુ હવે ટીટીઈને રેલવે સર્વર સાથે જોડાયેલા હેન્ડ હેલ્ડ મશીન અપાતા તેમાં તમામ માહિતી અપડેટ થતી રહેશે તેમજ તમામ કોચની માહિતી હોવાથી ક્યા કોચમાં સીટ ખાલી છે તેની માહિતી તરત જ મળી રહેશે. જેના કારણે નિયમાનુસાર ટીટીઈ વેઈટિંગ લિસ્ટવાળા પ્રવાસીઓની સીટ કન્ફર્મ કરવાની સાથે જો વધુ સીટ ખાલી હશે તો જનરલ ટિકિટ લઈને રિઝર્વેશન કરાવવા કોચમાં આવતા પ્રવાસીઓને પણ તે કન્ફર્મ સીટ આપી શકશે.

હાલ ત્રણ ટ્રેનમાં ટીટીને હેન્ડ હેલ્ડ મશીન અપાયા

પશ્ચિમ રેલવેમાં હાલ દિલ્હી મુંબઈ રાજધાની એક્સપ્રેસ, શતાબ્દી એક્સપ્રેસ તેમજ ઓગસ્ટ ક્રાંતિ રાજધાની એક્સપ્રેસના ટીટીને આ હેન્ડ હેલ્ડ મશીન પ્રાયોગિક ધોરણે આપવામાં આવ્યા છે અને તેમાં સફળતા મળતા ક્રમશ: અન્ય એક્સપ્રેસ ટ્રેનોમાં પણ ટીટીઈને આ મશીન આપવામાં આવશે. આગળ જતાં વધુ ટ્રેનના ટીટીને આવા મશીન અપાશે.