રૂપિયા ૬૩ લાખનું ટેનીમ કાપડ બારોબાર ચોરી જનાર ચોર ટુકડી ઝડપાઇ

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- કન્ટેઇનરના ચાલકને રૂપિયા ૩ લાખ આપી રવાના કરી દીધો હતો ચીરીપાલ ગૃપની નંદન એક્ઝીમ લીમીટેડ કંપનીનું રૂપિયા ૬૩.૩૪ લાખના ૬૫૦૫૭ મીટર કાપડના જથ્થાને ચોરી જનાર ચોર ટોળકીના ચાર સભ્યોને સોલા પોલીસે ઝડપી લીધા હતા. તપાસ દરમિયાન કન્ટેઇનરમાં કાપડ લઇને જનાર ચાલકને કચ્છના ધુળરાજ જાડેજા નામના ઠગે રૂપિયા ૩ લાખ આપી ભગાડ્યો હતો જ્યારે તે માલ તેણે ચોર ટોળકીને રૂપીયા ૧૫ લાખમાં વેચી દીધો હતો. પોલીસે ચાર જણની ધરપકડ કરી રૂપીયા ૫૦ લાખનું કાપડ કબજે કર્યું છે જ્યારે આ ષડયંત્રના મુખ્ય સાગરીત ધુળરાજ અને કન્ટેઇનરના ચાલકને ઝડપી લેવા માટે પોલીસે ચક્રો ગતીમાન કર્યા છે. બનાવ સંદર્ભે જાણવા મળતી માહિતી મુજબ ચીરીપાલ ગૃપની નારોલમાં આવેલી નંદન એક્ઝીમ લીમીટેડ કેપનીનું ટેનીમનું કપડું મુદ્રા પોર્ટ પરથી ઇજીપ્તના એલેકઝાન્ડ્રીયા ખાતે મોકલવાનું હોતું. કંપનીના મેનેજર રાકેશ શાહે કન્ટેઇનરમાં રૂપીયા ૬૩.૩૪ લાખની કીમતનું ૬૫૦૫૭ મીટર ડેનીમ કપડું મુંદ્રા રવાના કર્યું હતું જે કન્ટેઇનરનો ચાલક હતો સુરેન્દ્ર બેઠા. સુરેન્દ્ર કન્ટેઇનરમાં લાખો રૂપિયાનું કપડું લઇને નીકળ્યા બાદ ભાડજ સર્કલ નજીક પોતાનું કન્ટેઇનર મુકીને ચાલ્યો ગયો હતો. જે અંગે કંપનીને જાણ થતાં તેમણે આ બાબતે કન્ટેઇનરને ખોડિયાર ખાતેના તેના ગેરેજ ખાતે મોકલાવ્યું હતું. જોકે ત્યારે કન્ટેઈનરનું વજન ચેક કરતાં તેમાંથી માલ ગુમ હોવાનુ ફલીત થયું હતું. રૂપિયા ૬૩.૫૭ લાખનું કાપડ ચોરાઇ જતાં આ મુદ્દે ૨૫-૫-૨૦૧૨ નંદન એક્ઝીમના મેનેજરે સોલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે આ પ્રકરણની તપાસ આદરી હતી. પોલીસ ઇન્સપેક્ટર જે.એમ.ભરવાડના માર્ગદર્શન હેઠળ પોસઇ અપુર્વ પટેલે તપાસ શરૂ કરી ડ્રાઇવર સુરેન્દ્ર બેઠાના કોલ ડીટેઇલ ચેક કરતાં તેની સાથે વારંવાર સંપર્કમાં આવેલ મહાઠગ ઐયુબ મંગુક ભીસ્તી( ઉં.વ. ૪૬) રહે. રામ રહીમનો ટેકરો, બહેરામપુરા, ફીરોઝ સત્તાર મલકાણી (ઉં.વ ૪૦ રહે. દાણીલીમડા) આમીરખાન સરજમીનખાન પઠાણ(ઉં.વ. ૧૯, રહે. વટવા) તથા નાસીર અહેમદ વસીમ અહેમદ શેખ(ઉં.વ.૫૨, દાણીલીમડા)ની અટક કરી પુછપરછ કરતાં તેમણે આ કપડું સસ્તામાં લીધું હોવાનું કબલ્યું હતું. પોલીસે તેની ધરપકડ કરી નરોડા, દાણી લીમડા, રખીયાલ તથા સુખરામનગરના ગોડાઉનમાં ચેક કરતાં તેમાંથી રૂપિયા ૫૦ લાખનું કપડું મળી આવ્યું હતું. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે કચ્છ આદિપુરના ધુળરાજ જાડેજાએ કન્ટેઇનરના ચાલકને રૂપિયા ૩ લાખ આપી કન્ટેઇનર મુકીને જવા કહ્યું હતું. અને આ માલ તેણે ચાર ઠગ ની ટુકડીને રૂપિયા ૧૫ લાખમાં વેચી દીધો હતો. પોલીસે માલનો કબજો લઇને ચોર ટુકડી પાસેથી માલ ખરીદનાર વેપારીઓની પણ પુછપરછ આદરી છે.