સ્પોટ ફિક્સિંગઃ બુકી જિતુ અને દિનેશ ભાગેડુ જાહેર

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- આઈપીએલ સ્પોટ ફિક્સિંગ પ્રકરણમાં દિલ્હી પોલીસ દ્વારા ભાગેડુ જાહેર
- બંનેને પકડવા દિલ્હી પોલીસની ટીમ અમદાવાદમાં, ક્રાઈમ બ્રાંચની મદદ માગી
- નરેશ ગાંધીધામ સહિ‌ત બે બુકીની પણ ફિક્સિંગમાં સંડોવણીની આશંકા


રાજસ્થાન રોયલ્સના સ્પોટ ફિક્સિંગ પ્રકરણમાં દિલ્હી પોલીસે અમદાવાદના બે બુકીઓ જીતેન્દ્રકુમાર જૈન ઉર્ફે જીતુ થરાદ અને દિનેશ ખંભાતને સત્તાવાર ભાગેડુ દર્શાવ્યા છે. આ બંનેને પકડવા માટે દિલ્હી પોલીસની ટીમ અમદાવાદમાં છે અને ક્રાઈમ બ્રાન્ચની મદદ પણ લઈ રહી છે. ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોએ જણાવ્યું હતું કે હાલમાં આ બંને અમદાવાદ બહાર ભાગી ગયા હોવાની આશંકા છે પરંતુ તેમના નજીકની વ્યકિતઓ તથા કેટલાક પરિવારજનોની પૂછપરછ થઈ છે.

નોંધનીય છે કે દિલ્હી પોલીસે રાજસ્થાન રોયલ્સના એસ શ્રીસંત, અજિત ચંડિલા અને અંકિત ચવાણને સ્પોટ ફિક્સિંગમાં પકડયા હતા. તેમની સાથે ગુજરાતનો પૂર્વ ખેલાડી અને બુકી અમિત સિંઘ તથા ગુજરાતથી કેરળ સ્થળાંતર કરી ગયેલો ક્રિકટરમાંથી બુકી બનેલા જીજુ જનાર્દનનો સમાવશે થાય છે. બીજી બાજુ ક્રાઈમ બ્રાન્ચ નરેશ ગાંધીધામ અને મધ્ય ગુજરાતના એક વધુ બુકીની પણ સ્પોટ ફિક્સિંગમાં સંડોવાયેલાની આશંકાના આધારે તપાસ કરી રહી છે.

- બુકી વિનોદના લેપટોપની મિરર ઈમેજ કઢાવાશે

પ્રહ્લાદનગર ગાર્ડન નજીકના ઈન્દ્રપ્રસ્થ પમાંથી પકડાયેલા બુકી વિનોદ મૂલચંદાણીના લેપટોપની મિરર ઈમેજ કઢાવવા માટે ક્રાઈમ બ્રાન્ચે એફ એસ એલનો સંપર્ક સાધ્યો છે. મિરર ઈમેજથી લેપટોપનો તમામ ડેટા અલગ ડ્રાઈવ પર સેવ કરી તેનું વિસ્તૃત એનાલિસિસ કરાશે.આ પૃથક્કરણમાંથી ક્રાઈમ બ્રાન્ચને વિનોદના બુકી નેટવર્કની સંપૂર્ણ માહિ‌તી મળી જશે.

- જીતુ અને દિનેશે ફિક્સિંગ માટે પૈસા આપ્યા હતા

અજિત ચંડિલાને સ્પોટ ફિક્સ કરવા અમિત સિંહ અને જીજુ જનાર્દનના કહેવાથી જીતુ થરાદ અને દિનેશે પૈસા આપ્યા હતા. પરંતુ તે મેચમાં ચંડિલા સિગ્નલ આપવાનું ભૂલી જતા બુકીઓને ભારે નુકસાન થતાં જીતુ અને અમિત વચ્ચે તકરાર થતા અજિત પાસેથી પૈસા પર મેળવવા અમિતે જીજુને અમદાવાદ આવી પતાવટ કરવા કહ્યું હતું.

- બંને સિંગાપોર ભાગી ગયા હોવાની શંકા

સ્પોટ ફિક્સિંગ પ્રકરણ બહાર આવતા ગુજરાતના મોટાભાગના બુકીઓ વેકેશન માણવા માટે સિંગાપોર ભાગી ગયા છે. તેથી જીતુ થરાદ અને દિનેશ પણ ત્યાં જતા રહ્યા હોવાની શંકા છે.

- નહીં પકડાય તો લુક આઉટ નોટિસ

દિલ્હી પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોએ જણાવ્યું હતું કે જો જીતુ થરાદ અને દિનેશ ખંભાત ટૂંક સમયમાં નહીં પકડાય તો તેઓ બંનેની સામે લુક આઉટ નોટિસ જારી કરશે.