ચાલુ કારમાં મહેફિલ માણતા ૪ નબીરા ઝડપાયા

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામથી અમદાવાદ ફરવા આવેલા નબીરાઓને ચાલુ કારમાં દારૂની ચુસ્કીઓ મારવી ભારે પડી હતી. ચાલુ કારે દારૂ ઢીંચી રહેલા ચાર નબીરાઓને પોલીસે ઝડપી લઇ તેમની કાર તથા દારૂની બોટલ કબજે લીધી હતી. વસ્ત્રાપુરમાં રહેતા પ્રકાશ ભગવાનભાઇ લખવીજા(ઉં. ૨૧)ના ગાંધીધામમાં રહેતા મિત્રો મનીષ દિલીપભાઇ દવે(ઉં. ૩૨), કમલેશ જાગવાની(ઉં. ૨૩) તથા કપિલકુમાર નંદવાની(ઉં.૨૩, તમામ રહે ગાંધીધામ) ચારેક દિવસથી અમદાવાદમાં ફરવા માટે પ્રકાશના ઘરે આવ્યા હતા. જોકે ગાંધીધામના ધનિક પરિવારના ત્રણે નબીરાઓ દારૂના શોખીન હોવાથી તેમણે શનિવારે રાત્રે પણ દારૂ પીવાનો પ્રોગ્રામ ઘડ્યો હતો. પ્રકાશના ઘરે દારૂ ઢીંચીને પોલો કારમાં ફરવા નીકળેલા આ નબીરાઓ વસ્ત્રાપુર પોલીસ મથક આગળથી પસાર થઇ રહ્યા હતા ત્યારે ચાલુ કારમાં પણ દારૂની ચુસ્કીઓ લગાવતા હતા. રાત્રિ પેટ્રોલિંગમાં ઊભી રહેલી વસ્ત્રાપુર પોલીસે કારને ચેકિંગ માટે અટકાવી હતી અને તેની તપાસ કરતાં કારમાં બેઠેલા ચારે નબીરાઓના હાથમાં દારૂના પેગ હતા અને તેઓ નશામાં ચૂર હોવાથી પોલીસે તેમને ઝડપી લઇ કાર તથા દારૂની બોટલ કબજે લીધી હતી.