તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આગામી બે દિવસમાં હળવા વરસાદની આગાહી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પ‌શ્ચિ‌મી રાજસ્થાન અને કચ્છના વિસ્તારમાં દરિયાકિનારાથી ઉપરના વાતાવરણમાં ૧.પ થી પ.૮ કિમીની ઝડપે અપર એર સરક્યુલેશન સર્જા‍વાને કારણે વરસાદનું જોર ઘટયું છે. તેમ છતાં આગામી બે દિવસો દરમિયાન શહેરમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવા વરસાદ ઝાપટાંની જ્યારે સૌરાષ્ટ્ર, કચ્છ અને રાજ્યનાં દરિયા કિનારાનાં વિસ્તારમાં હળવા-મધ્યમ વરસાદી ઝાપટાં પડવાની શકયતા હવામાન વિભાગે કરી છે.

રવિવારે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ડિગ્રી વધીને ૩૩.૭ અને લઘુતમ તાપમાન સામાન્ય કરતાં ૧ ડિગ્રી ઘટીને ૨પ.૬ ડિગ્રી નોંધાયું હતું. જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ સવારે ૮.૩૦ કલાકે ૯૨ ટકા અને સાંજે પ.૩૦ કલાકે ૭૧ ટકાએ પહોંચ્યું હતું. જો કે, વરસાદની ગેરહાજરીમાં શહેરનું તાપમાન એક ડિગ્રી વધ્યું હતું. તેમજ છતાં વહેલી સવારથી વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધવાની સાથે દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આગામી ચાર દિવસોમાં અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે, તેમજ ૮મી અને ૯મીએ હળવા ઝાપટાં અને ૧૦મી અને ૧૧મી જુલાઇનાં રોજ મધ્યમ વરસાદી ઝાપટાં પડવાની સંભાવના હવામાન વિભાગે વ્યકત કરી છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને રાજ્યનાં દરિયા કિનારાનાં વિસ્તારોમાં પણ હળવા- મધ્યમ વરસાદી ઝાપટાં પડવાની સંભાવના છે.

રાજયમાં સરેરાશ ૩૪ ટકા વરસાદ: જળાશયો અડધાં ભરાયાં
ગાંધીનગર : આ વર્ષે જુનના પહેલા સપ્તાહથી જ વરસાદનો આરંભ થઇ જતા રાજયના ૨૦૩ સિંચાઇ યોજનાના જળાશયોમાં પાણીની આવક સરેરાશ પ૩.૩૦ ટકા થઇ છે. સામાન્યરીતે સરેરાશ ૭૯૮ મિ.મિ. વરસાદ નોંધાવવો જોઇએ તેની સામે આજે સવારે સાત વાગ્યા સુધીમાં સરેરાશ ૨૭૪.૧પ મિ.મિ. સાથે ૩૪.૩પ ટકા વરસાદ નોંધાયો છે. જેનાપગલે જળાશયોમાં ૧૧૨૯૨.૮૮ મિલીયન કયુબિક મિટર પાણીનો સંગ્રહ થયો છે. એકંદરે ગયા વર્ષ કરતા જળાશયોમાં ૧૯૧૮.૧૬ એમ.સી.એમ. વધારાના પાણીનો સંગ્રહ થયો છે.

નર્મદા ડેમ ૯૧.૧૭ ટકા ભરાઈ ગયો
નર્મદા ડેમમાં ૪૮૦૦.૮૮ એમ.સી.એમ.(મિલીયન કયુબિક મિટર્સ) સાથે ૯૧.૧૭ ટકા પાણીનો સંગ્રહ થયો છે. ઉત્તર ગુજરાતના જળાશયોમાં ૩૬૯.૧૪ એમસીએમ પાણી ભરાતા ૧૯.૦૭ ટકા પાણી, મધ્ય ગુજરાતના જળાશયોમાં ૧૬૭૪.૭૩ એમ.સી.એમ. પાણીની આવક થતા ૬૬.૪૧ ટકા પાણી, કચ્છના જળાશયોમાં ૩પ.પ૮ એમ.સી.એમ.પાણીનો સંગ્રહ થતા ૧૦.૭૬ ટકા પાણી, સૌરાષ્ટ્રના જળાશયોમાં ૪૨૯ એમ.સી.એમ. પાણીનો સંગ્રહ થતા ૧૭.૧પ ટકા પાણી જમા થયું છે.