• Gujarati News
  • Five Suspect Bail Application To Highcourt For Swine Flu, Dengue

સ્વાઈન ફ્લૂ, ડેન્ગ્યુના લીધે પાંચ કેદીની હાઈકોર્ટમાં જામીન અરજી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રોગચાળાને ડામવા સરકારે શું પગલાં લીધાં ? : હાઇકોર્ટ
પૂર્વમાં રોગચાળો વધતા સરકાર-ર્કોપો.ને પ્રતિવાદી પક્ષકાર બનાવવા આદેશ


એક જ દિવસમાં કાચા કામના પાંચ કેદીઓ દ્વારા જામીન માટે કરાયેલી વિવિધ અરજીઓમાં તેમના સ્વજનો વિવિધ બીમારીઓમાં સપડાયા હોવાનું કારણ રજૂ કરાતાં ચોંકી ઉઠેલી હાઈકોર્ટે રાજ્ય સરકાર અને ર્કોપોરેશનના સ્વાસ્થ્ય વિભાગને પક્ષકાર બનાવી વકરતી રોગચાળાની સ્થિતિ અંગે લેવાયેલાં પગલાં અંગે ૨૧મી માર્ચ સુધીમાં અહેવાલ રજૂ કરવાનો આદેશ કર્યો છે.

પત્નીને ડેંગ્યૂ થયો હોવાના આધારે લઠ્ઠાકાંડના એક આરોપીએ હાઇકોર્ટ સમક્ષ કરેલી જામીન અરજીમાં જસ્ટિસ અનંત એસ. દવેએ ઉક્ત આદેશ કર્યો હતો. શહેરમાં સ્વાઇન ફ્લૂ અને ડેંગ્યૂ જેવા ભયંકર રોગોના લીધે રોજેરોજ દર્દીઓ મૃત્યુના મુખમાં ધકેલાઇ રહ્યાં છે, ત્યારે હાઈકોર્ટનો આ આદેશ અત્યંત મહત્ત્વનો છે.

અરજદાર નાસીર શેખે તેની દીકરી મારફતે કરેલી જામીન અરજીમાં પત્ની ગંભીર હાલતમાં હોસ્પિટલમાં હોવાથી તેને ૩૦ દિવસના જામીન આપવામાં આવે તેવી રજૂઆત કરી હતી. હાઇકોર્ટે આ અરજીમાં અરજદારને ૧૦ દિવસના જામીન આપ્યા હતા. પરંતુ તેની સાથે ખૂબ જ મહત્ત્વનો આદેશ કરતાં નોંધ્યું હતું કે, \'એક જ દિવસમાં કાચા કામમાં પાંચ કેદીઓએ એવા આધારે જામીન મેળવવાની માગ કરી છે, કે તેમના કોઇ નજીકના સગાંસંબંધીને ડેંગ્યૂ કે અન્ય કોઇ ગંભીર પ્રકારના રોગ થયો છે. એટલું જ નહીં આ રોગો શહેરના પૂર્વ વિસ્તારમાં વધુ પ્રમાણમાં વકર્યા હોવાનું પણ જણાય છે. તે ઉપરાંત ડેંગ્યૂ, ફાલ્સીપારમ કે (એચ૧એન૧) સ્વાઇન ફ્લૂ જેવા રોગોમાં સપડાયેલા દર્દીઓ સમાજના ગરીબ વર્ગમાંથી આવે છે.’

વધુમાં આદેશ કરતા એમ પણ નોંધ્યું હતું કે, શુક્રવારે એક જ દિવસના ર્બોડ પર કાચા કામના કેદીઓની પાંચ જેટલી એવી અરજીઓ સામે આવી છે, જેમના નજીકનાં સગાંઓ કોઇને કોઇ ગંભીર પ્રકારના તાવમાં સપડાયા હોય. તેથી અમદાવાદ મ્યુ.કમિશનર(સ્વાસ્થ્ય વિભાગ) અને રાજ્ય સરકારના સ્વાસ્થ્ય વિભાગના સચીવને પ્રતિવાદી તરીકે જોડવા અને તેમણે ૨૧ માર્ચ સુધીમાં આ પ્રકારના રોગો સંદર્ભે શું અસરકારક પગલાં લીધાં છે તેનો રિપોર્ટ રજૂ કરવાનો રહેશે.’