વિરમગામ રમખાણકેસમાં પાંચને આજીવન કેદ

11 વર્ષ પહેલા
  • કૉપી લિંક

૨૮ આરોપીઓ દોષમુક્ત કરાયા: અમદાવાદ ગ્રામ્ય એડિશનલ સેશન્સ કોર્ટે ચુકાદો આપ્યો : ૨૦૦૩માં ક્રિકેટના ઝઘડામાં બેનાં મોત અને ૨૬ને ઈજા થઈ હતી.

વિરમગામ શહેરના કુંભારવાડા અને ચાંદફળી વિસ્તારમાં ૨-૧૧-ર૦૦૩ના રોજ ક્રિકેટ રમવાની બાબતે બાળકો સાથે તકરાર થતાં હિ‌ન્દુ-મુસ્લિમ ટોળા સામ-સામે આવી ગયા હતા. જેમાં હિ‌ન્દુ તરફી ગોળીબાર કરાતાં મુસ્લિમ સમાજના ર૬થી વધુ લોકોને નાની-મોટી ઇજાઓ થઇ હતી. જ્યારે બે મુસ્લિમ સમાજના યુવાનોનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

જે અંગેની પોલીસ ફરિયાદ વિરમગામ શહેર પો.સ્ટે.માં સુલેમાન દાઉદભાઇએ ૩૯ આરોપીઓ વિરુદ્ધ નોંધાવી હતી. આ અંગેનો ચુકાદો શુક્રવારના રોજ અમદાવાદ ગ્રામ્ય એડિશન સેશન્સ જજ ડી.બી. પટેલે આપ્યો હતો. ૩૯ આરોપીઓ પૈકી પાંચ આરોપીઓને આજીવન કેદની સજા કોર્ટે ફટકારી હતી.

જ્યારે ર૮ આરોપીઓને દોષ મુક્ત જાહેર કર્યા હતા. જેમાં ચાર આરોપીઓ મરણ પામેલ છે અને બે આરોપીઓ સગીર વયના હોઇ અલગ ચાર્જશીટ કરવામાં આવેલ છે. વિરમગામ શહેરના ભરવાડી દરવાજા અંદર કુંભારવાડો અને વાંદફળી વિસ્તાર આવેલા છે. આ બંને વિસ્તારમાં હિ‌ન્દુ-મુસ્લિમ પરિવાર રહે છે.

તા.ર.૧૧.૦૩ના રોજ સવારના આઠ વાગ્યાની આસપાસ આ વિસ્તારમાં કેટલાંક મુસ્લિમ છોકરાઓ તેઓના ઘરના આગળના ચોકમાં ક્રિકેટ રમતાં હતાં તે દરમિયાન ચાંદફળીમાં રહેતા પરસોત્તમભાઇ વશરામભાઇ જાદવે મુસ્લિમ બાળકોને બોલાચાલી કરીને ત્યાંથી કાઢી મુક્યા હતાં.

ત્યારબાદ સામાન્ય બોલાચાલીના બનાવે મોટું સ્વરૂપ ધારણ કરતાં હિ‌ન્દુ-મુસ્લિમના ટોળાઓ સામ-સામે આવી જઇ એકબીજા પર પથ્થર મારો થયો હતો. આ દરમ્યાન ચાંદફળીમાં રહેતા પરસોત્તમભાઇ વશરામભાઇ જાદવ તથા ચંદુભાઇ વિઠ્ઠલભાઇએ બંદૂક લઇ આડેધડ મુસ્લિમના ટોળા પર ૬૦થી ૬પ જેટલ ગોળીબાર કર્યા હતા. ગોળીબારમાં બે જણાના મોત થયા હતા.

આજીવન કેદની સજા થયેલાં આરોપીઓનાં નામ

(૧) પરસોત્તમ વશરામ જાદવ (ર) કુમાર વિઠ્ઠલ જાદવ (૩) ચંદુ વિઠ્ઠલ જાદવ (૪) નાગરભાઇ જગજીવન મિસ્ત્રી (પ) મહેશ દેવેન્દ્ર પટેલ

આજીવન કેદની સજા ઉપરાંત પરસોત્તમ વશરામ જાદવને રૂ.૭પ૦૦ નો દંડ અને બાકીના ચાર જણને રૂ.પ૦૦૦ નો દંડ ફટકારવામાં આવ્યો છે.