ગીરના સિંહ માટે દેશમાં પ્રથમ વખત ૧૦૮ જેવી ઇમર્જન્સી સેવાઓ

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ફોરેસ્ટ ઇન્ફર્મેશન મેનેજમેન્ટ સિસ્ટમ અંતર્ગત ૩પ કરોડના ખર્ચે આ સેવાઓ ત્રણ મહિ‌નામાં શરૂ થઈ જશે

દેશમાં ૧૦૮ તાત્કાલિક સેવાની જેમ ગુજરાતમાં વિશ્વવિખ્યાત ગીરના સિંહો માટે સૌપ્રથમ ઇમર્જન્સી સેવા શરૂ કરવામાં આવશે. સિંહોને લગતી કોઈ પણ ઘટના કે સમસ્યા આ ઇમર્જન્સી નંબર ઉપર આપતાં જ વનવિભાગના ચુનંદા અધિકારીઓ ઘટનાસ્થળ ઉપર ગણતરીના સમયમાં પહોંચી જશે.

વનવિભાગના ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું છે કે, ફોરેસ્ટ ઇન્ફર્મેશન મેનેજમેન્ટ સિસ્ટમ અંતર્ગત રૂ.૩પ કરોડના ખર્ચ બાદ આ સેવાઓ ત્રણ મહિ‌નામાં શરૂ થઈ જશે, દેશમાં કોઈ વન્યજીવ માટે આ પ્રકારની સેવાઓ ગુજરાતમાં પહેલી વખત શરૂ થશે. અધિકારીઓએ એ પણ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર સિંહ મધ્યપ્રદેશને આપવા ન પડે તે માટે પોતે કેટલી સજાગ છે એ સાબિત કરવા તમામ પ્રયાસ કરી રહી છે.

ઇમર્જન્સી સેવાઓ વિશે માહિ‌તી આપતાં વન વિભાગનાં સૂત્રોએ જણાવ્યું હતું કે, જેમ ૧૦૮ નંબર ડાયલ કરવાથી ગણતરીની મિનિટોમાં એમ્બ્યુલન્સ હાજર થઈ જાય છે, તે જ રીતે ગીર અને ગીરમાં સમાઈ જતા આસપાસના વિસ્તારમાં કોઈ વ્યક્તિ સિંહને કોઈને થતું નુકસાન અથવા તેને લગતી માહિ‌તી આપવા માગતી હોય તો તેમને ફક્ત આ ઇમર્જન્સી નંબર ડાયલ કરવાનો રહેશે.

આ નંબર તરત જ વનખાતાના હેડક્વાર્ટરમાં રિસીવ થશે અને તેને આજુબાજુના તમામ જંગલ ખાતાના અધિકારીઓને આપવામાં આવેલ પર્સનલ ડિજિટલ સિસ્ટમમાં ફ્લેશ કરવામાં આવશે. માહિ‌તી મળતાં જ નજીકના વિસ્તારમાં રહેલ ફોરેસ્ટ ઓફિસર માહિ‌તી આપેલ સ્થળ ઉપર પહોંચી જશે. વન વિભાગનાં સૂત્રોએ જણાવ્યું છે કે, આખા પ્રોજેક્ટ માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા મળીને કુલ રૂ.૩પ કરોડ ખર્ચ કરવામાં આવશે.

એક વખતે ગીરમાં આ પાયલોટ પ્રોજેક્ટ સફળ થયા બાદ રાજ્યના અન્ય અભયારણ્યોમાં આ ઇમર્જન્સી નંબર શરૂ કરી દેવામાં આવશે.

વન કર્મીઓને કમાન્ડો ડ્રેસ

લઘરવઘર ખાખી યુનિફોર્મ અને પગમાં ચપ્પલ કે ઘસાયેલા શૂઝને બદલે હવે ગીર અભયારણના વન કર્મચારીઓ હવે કમાન્ડોનું રૂપ ધારણ કરશે. વન વિભાગના ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું છે કે બચ્ચન દ્વારા ગીરના સિંહોની પ્રસિદ્ધિ બાદ સહેલાણીઓની સંખ્યા વધી છે. જ્યારે વનખાતાના અધિકારી-કર્મચારીઓ સારા યુનિફોર્મમાંના હોય તો તેની ખરાબ અસર પડે તેમ હતી.

આ બાબતને ધ્યાનમાં રાખીને વન ખાતાએ નવો યુનિફોર્મ નક્કી કર્યો છે. કેવા લાગશે વન કર્મચારીઓ હવે સિક્સ પોકેટ કાર્ગો પેન્ટ, વન્ય માહોલમાં અનુકુળ એવી કેમોફ્લાજ ઇફેક્ટ, ચામડાંના પાર્ટી‍ શૂઝ કે ચપ્પલને બદલે બૂટ્સ, ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ માટે પર્સનલ ડિજિટલ આસિસ્ટન્ટ

શું છે ઈમર્જન્સી સેવાઓ

શિકારીઓની ઉપસ્થિતિની તાત્કાલિક જાણ થઇ શકશે

પ્રવાસીઓ દ્વારા સિંહો ઉપર થતો રંજાડ તરત નજરે ચડશે

સિંહોનું કૂવામાં પડી જવું કે બીજા અકસ્માતોની જાણ તરત જ કરી શકાશે

પ્રતિબંધિત વિસ્તારમાં કોઈ પણ રીતની ગેરકાનૂની હરકતો ઉપર બાજ નજર રહેશે

કઈ રીતે પહોંચશે અધિકારી

ઇમર્જન્સી નંબરથી ફોન જતાં જ ઇન્ફર્મેશન હેડકવાર્ટરમાં સંદેશો લેવામાં આવશે

ઘટના સ્થળ વન ખાતાના કર્મચારીઓના જીપીએસ લોકેશન પરથી જણાવાશે

માહિ‌તીની ગંભીરતા નક્કી કરી અધિકારીઓ અને કર્મચારીઓની ટીમ રવાના થશે

શું તૈયારીઓ થઈ છે

ગાંધીનગર ખાતેના અરણ્ય ભવનમાં કંટ્રોલ રૂમની સ્થાપના

જીઆઇપીએલ દ્વારા વન વિભાગના કર્મચારીઓની ટ્રેનિંગ શરૂ

કયા વિસ્તારોમાં પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવાનો છે તે નક્કી

નવ જેટલા ટ્રાન્સમિશન ટાવર ઊભા કરાશે.