નીંભર તંત્ર: પેન્શન માટે લડાઈ લડનાર ડૉ.. સોની છેવટે ICUમાં

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- શનિવારે રાત્રે જીવરાજ મહેતા હોસ્પિ.માં દાખલ
- ડૉ.. સોની ચાલી શકતા નથી અને હોસ્પિટલના અધિકારી પાસે તેમના માટે સમય નથી

વર્ષો સુધી બી.જે. મેડિકલ કોલેજમાં સેવા આપનાર અને એનેસ્થેસિયા વિભાગના વડા તરીકે નિવૃત્ત થનાર ડૉ.. નિરંજન સોની અગિયાર વર્ષથી પેન્શન માટેની લડાઈ લડી રહ્યા, શારીરિક રીતે અત્યંત અશકત થઈ ગયેલા ડૉ.. સોનીની સ્થિતિ અત્યંત દયાજનક છે. છેલ્લા કેટલાય સમયથી તેઓ લાલ દરવાજા પાસે આવેલી ગુજરાત ક્લબમાં મજૂરો સાથે સૂઈ જાય છે. શનિવારની રાતે તેમની તબિયત અત્યંત લથડી હતી. જે અંગે તેમના પરિચિતોને જાણ
થતાં તેમને જીવરાજ મહેતા હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં દાખલ કરવા પડ્યા છે.

૨૦૦૩માં નિવૃત્ત થનાર ડૉ.. નિરંજન સોનીએ તેમની કારકિર્દીમાં દરમિયાન અનેક ડૉ..ને તૈયાર કર્યા હતા. પરંતુ કોલેજ સાથેની કાયદાકીય લડાઈમાં તેમના પેન્શન સહિતના લેણા અટકાવી દેવામાં આવ્યા હતા. છેલ્લાં ૧૧ વર્ષથી બી જે મેડિકલ કોલેજ સહિત મુખ્યમંત્રી કાર્યાલય સુધી તેમણે પત્ર વ્યવહાર કર્યો હતો, પણ નીંભર તંત્ર તેમની નોંધ સુધ્ધાં લીધી નહીં.


એકાકી જીવન જીવતા ડૉ.. સોનીની સ્થિતિ બગડવા લાગી હતી અને લાંબા સમયથી તેમણે ગુજરાત ક્લબને પોતાનું રહેઠાણ બનાવ્યું હતું. જ્યાં તેઓ પોતે એકલા દસ ડગલાં પણ ચાલી શકતા ન્હોતા. બીજી તરફ કોલેજ સત્તાવાળાઓનો દાવો હતો, હવે તેઓ અમારો સંપર્ક કરતા નથી, જેથી તેમના પડતર કાગળોને કારણે તેમના પ્રશ્નનો ઉકેલ આવતો નથી.

ડૉ.. સોની કોલેજ સુધી પહોંચી શકે તેવી તેમની શારીરિક સ્થિતિ જ રહી નથી. ત્યારે કોલેજના અધિકારીઓએ પણ માનવતાના ધોરણે સામે ચાલી તેમનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો નહીં. પેન્શનની રાહ જોતા ડૉ.. સોનીને પગમાં સોજા આવવાની શરૂઆત થઈ હતી. ત્યારે શનિવારના રોજ તેમની હાલત લથડતા તેમને જીવરાજ મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે.ફરજ ઉપરના ડૉ..ના જણાવ્યા પ્રમાણે તેમની કિડની સહિત મહત્વના અંગોનું ફંકશન યોગ્ય રીતે થઈ રહ્યું નથી. જેથી તેમની દેખરેખ માટે તેમને આઈસીયુ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે.