• Gujarati News
  • Documents Of 2002 Is Secret, Can Not Give Anyone: High Court

૨૦૦૨નાં રમખાણોના દસ્તાવેજો ગુપ્ત, કોઈને આપી શકાય નહીં: હાઈકોર્ટ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અગાઉ આ દસ્તાવેજોનો નાશ કરાયો હોવાની રજૂઆતથી વિવાદ થયો હતો

૨૦૦૨ના ગોધરાકાંડ સંબંધિત કેટલાક અગત્યના દસ્તાવેજો નષ્ટ કરી દેવાના વિવાદાસ્પદ મુદ્દે રાજ્ય સરકારે હાઇકોર્ટ સમક્ષ કરેલી ક્લેરિફિકેશનની અરજીમાં સોગંદનામું કરી એવી રજૂઆત કરી હતી કે,'આ કેસથી સંલગ્ન ૯ જેટલા દસ્તાવેજો ગુપ્તચર વિભાગના ગુપ્ત દસ્તાવેજો હોવાથી તે કોઇને પણ વ્યક્તિગત સ્તરે ચકાસવા આપી શકાય નહીં. તેથી નામદાર અદાલતને વિનંતી છે કે આ અંગે થયેલા અગાઉના આદેશમાં સુધારો કરી આપવામાં આવે.’ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ ભાસ્કર ભટ્ટાચાર્ય અને જસ્ટિસ જે.બી.પારડીવાલાની ખંડપીઠે પ્રતિવાદીને પ્રત્યુત્તર આપવા એક અઠવાડિયાનો સમય આપ્યો હતો.

રાજ્ય સરકારના ઇન્ટેલિજન્સ વિભાગના ડીઆઇજી જે.કે.ભટ્ટે મુખ્ય સરકારી વકીલ પ્રકાશભાઇ જાની મારફતે સોગંદનામું કરીને એવી રજૂઆત કરી હતી કે,'૨૦૦૨થી સંબંધિત મોટાભાગના દસ્તાવેજો પંચ સમક્ષ રજૂ કરી દેવામાં આવ્યા છે. આ દસ્તાવેજો ગુપ્ત હોવાથી તેની કોઇ ફોટો કોપી પણ કરવામાં આવતી નથી. રાષ્ટ્રીય સુરક્ષાના હેતુસર પણ તેને જાહેર કરવામાં આવતાં નથી અને તે ઓફિશિયલ સિક્રેટ્સ એક્ટ હેઠળ સંરક્ષિત અને ગુપ્ત કહેવાય. તે ઉપરાંત રાઇટ ટૂ ઇન્ફોર્મેશન એક્ટમાંથી પણ આવા દસ્તાવેજોને બાકાત રાખવામાં આવ્યા છે. જો કે આ કેસમાં જે દસ્તાવેજોની વાત છે, તે ગુપ્તચર વિભાગથી સંબંધિત દસ્તાવેજો હોવાથી તે કોઇને પણ જોવા દેવાય નહીં.’

આ સોગંદનામામાં વધુમાં એવા મુદ્દા પણ રજૂ કરાયા હતા કે,'કોઇ પણ પ્રકારના દસ્તાવેજો સંબંધિત બ્રાન્ચની પરવાનગી લઇને જ નષ્ટ કરવામાં આવે છે. દસ્તાવેજોનો નાશ કરવા વિભાગના સક્ષમ અધિકારી સમક્ષ જ તેને બાળી કાઢવામાં આવે છે અને રજિસ્ટરમાંથી તેની નોંધ હટાવી દેવાય છે. આ પ્રકારની પરવાનગી મળ્યા બાદ ૨૦૧૦માં ૨પ૪ અને ૨૦૦૬માં ૮૨ દસ્તાવેજો નષ્ટ કરવામાં આવ્યા હતા, જેમાં સંબંધિત કેસના ૯ દસ્તાવેજો પણ સામેલ હતા. જો કે તેમાંથી કોઇ પણ દસ્તાવેજો તોફાનોથી સંબંધિત નહોતા, મોટાભાગના વહીવટી વિભાગના દસ્તાવેજો હતા.’

રાજ્ય સરકારે આ ક્લેરિફિકેશન અરજીમાં એવા મુદ્દા ઉપસ્થિત કર્યા છે કે,'આ મામલે થયેલી જાહેરહિ‌તની અરજીમાં અગાઉ હાઇકોર્ટે જે આદેશ કર્યો હતો, ત્યારે એડ્વોકેટ જનરલ અને સરકારી વકીલને ગૃહવિભાગના અધિકારીઓએ જે માહિ‌તી આપી હતી એના આધારે કરાયેલા નિવેદનને રેર્કોડ પર લેવામાં આવ્યા હતા. જો કે, આ માહિ‌તીઓ સ્ટેટ ઇન્ટેલિજન્સ બ્યૂરો(એસઇબી) પાસે હોવાથી ગૃહવિભાગના અધિકારીઓ એ બાબતથી અજાણ હતા કે, આ કેસમાં જે દસ્તાવેજોનો ઉલ્લેખ છે તે ૨૦૦૬ અને ૨૦૧૦ના વર્ષમાં નષ્ટ કરી દેવામાં આવ્યા હતા. તેથી તેમાં સુધારો કરી આપવામાં આવે.’

અગાઉ રાજ્ય સરકારે શું કહ્યું હતું?

આ મામલે થયેલી જાહેરહિ‌તની અરજીમાં રાજ્ય સરકારે કહ્યું હતું કે,તેમણે તમામ દસ્તાવેજો નાણાવટી પંચ સમક્ષ મૂકી દીધા છે અને જો આ દસ્તાવેજો રજૂ નહીં કરાયા હોય તો તેમને રજૂ કરી દેવામાં આવશે. આ નિવેદન રેર્કોડ પર લઇ ચીફ જસ્ટિસની ખંડપીઠે આદેશમાં નોંધ્યું હતું કે, 'એડ્વોકેટ જનરલના જણાવ્યા મુજબ સંબંધિત દસ્તાવેજો નષ્ટ કરાયા નથી અને તે પંચ સમક્ષ મોકલી દેવાયા છે. જો કોઇ દસ્તાવેજો ન મોકલાયા હોય તો તે સાત દિવસમાં પંચને પહોંચાડી દેવામાં આવશે.’