ડો.રાજમલ જૈનને લાઇફ ટાઇમ અચિવમેન્ટ એવોર્ડ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી અમદાવાદના વૈજ્ઞાનિક ડો રાજમલ જૈનને મધ્ય પ્રદેશની પી જી કોલેજ સતના દ્વારા ૨૩ માર્ચ, શનિવારના રોજ લાઇફ ટાઇમ અચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. ડો જૈનને તેમના સ્પેસ રિસર્ચના ક્ષેત્રમાં કરેલા 'સોક્સ’ની શોધ તેમજ સ્પેસ સાયન્સની વિવિધ શોધો અને પ્રયોગોને સરળ ભાષામાં ગામડાઓ સુધી પહોંચાડવા બદલ આ એવોર્ડ એનાયત કરવામાં આવશે.

ડો.જૈન છેલ્લા ૪૦ વર્ષથી મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રના ગામડાઓના વિદ્યાર્થીઓને વિજ્ઞાન અને તેની શોધો પ્રત્યે આકર્ષિ‌ત કરવાનું કાર્ય કરે છે. હાલ તેઓ પીઆરએલમાં વૈજ્ઞાનિક અને સૂર્ય તથા આંતરગ્રહીય વિષયના નિષ્ણાત છે. તેમની વિવિધ મૌલિક શોધોમાંની એક સૌર જ્વાળા છે. સૂર્યની સપાટી પર દેખાતા સન સ્પોટ્સ, જેને સૂર્ય કલંક કહે છે, તેની નજીક વિશાળ વિસ્ફોટ થતા રહે છે, તેને સૌર જ્વાળા કહે છે.

પોતાની આ શોધ વિશે તેઓ કહે છે કે, સૂર્યના પ્રકાશના કારણે ધરતી પર માત્ર જીવન જ શક્ય નથી, પરતું સૂર્યની સપાટી પર થનારી દરેક નાની મોટી ઘટનાઓને કારણે આપણી પૃથ્વીના વાયુમંડળ, જલવાયુ અને વાતાવરણ પર અસર કરે છે. તેઓ જણાવે છે કે, ગ્લોબલ વોર્મિંગ પણ કદાચ એનો જ એક ભાગ છે.

ડો જૈન સૂર્ય અને પૃથ્વીના સંબંધ પર એક પુસ્તક પણ લખી ચૂક્યા છે. જૈન પોતાની 'સોક્સ’ની શોધ માટે વિશ્વ કક્ષાએ જાણીતા છે. આ સોક્સ બનાવવાનો હેતુ સૂર્યની આસપાસ થતાં વિસ્ફોટો અને તેની તીવ્રતા માપવાના હેતુથી બનાવવામાં આવ્યું છે. આ ઉપકરણ દરેક ૧૦૦ મિલી સેકન્ડે સૂર્યના આંકડા લેતું રહે છે. છેલ્લા આઠ વર્ષમાં સોક્સ પ૦૦થી પણ વધુ જ્વાળાઓનું પરિક્ષણ કરીને આંકડાઓ મોકલી ચૂક્યું છે.