મેડિકલની DNB-CETની પરીક્ષા અચાનક રદ કરાઈ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિદ્યાર્થીઓને માત્ર SMS-મેઇલથી માહિતી અપાઈ
અમદાવાદઃ દેશભરમાં આવેલી માન્ય પ્રાઈવેટ હોસ્પિટલોમાં રેસિડેન્સી મેળવવા માંગતા તબીબી વિદ્યાર્થીઓ માટેની ડીએનબી(ડિપ્લોમેટ ઓફ નેશનલ બોર્ડ)-સીઈટી (કોમન એન્ટ્રન્સ ટેસ્ટ) શનિવારે એલ.જે કોલેજમાં ટેકનિકલ કારણોસર રદ કરતા ભારે રોષ-અસંતોષ ફેલાયો હતો. નારાજ થયેલા ઉમેદવારોએ રાતોરાત આ ટેસ્ટ રદ કરી દેવાના વિરોધમાં હોબાળો મચાવીને સત્વરે આ ડીએનબી-સીઈટી ટેસ્ટની અન્ય તારીખની જાહેરાત કરવાની માંગણી કરી હતી.
નેશનલ બોર્ડ અોફ એક્ઝામિનેશને 27 નવેમ્બરથી 29મી સુધી એમબીબીએસ પછીના મેડિસિન-સર્જરી- ઈએનટી, સ્કીન સહિતની 10થી વધુ શાખાઓમાં પોસ્ટ ગ્રેજ્યુએટ લેવલનું પ્રશિક્ષણ તેમજ માન્ય પ્રાઈવેટ હોસ્પિટલમાં રેસિડેન્સી મેળવવા ઈચ્છતા તબીબો માટે ડીએનબી-સીઈટી યોજાઈ હતી. આ દરમિયાન શનિવારે સવારે 10થી 1 કલાક દરમિયાન ટેસ્ટ હતી, તે પહેલા શુક્રવારે રાત્રે તબીબી વિદ્યાર્થીઓને એસએમએસ-ઈમેલથી જાણકારી અપાઈ હતી કે ટેકનિકલ ફોલ્ટના કારણે આ એકઝામ કેન્સલ કરાઈ છે. વિદ્યાર્થીઓને પરીક્ષા રદ થયાની જાણકારી ન હોવાથી તેઓ શનિવારે સવારે એલ.જે. કોલેજ પહોંચી ગયા હતા.
નવી તારીખ જલદી જાહેર થવી જોઈએ

ટેસ્ટ રદ થવાને કારણે તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને માનસિક-ફાઈનાન્સિયલ નુકસાન થયું છે, પરેશાની વધી છે. હવે મે મહિનામાં બીજી ટેસ્ટ થવાની છે, ત્યારે ડીએનબી-સીઈટી ટેસ્ટની તારીખની સત્વરે જાહેરાત કરવામાં આવે. ડો. સહજ ત્રાંબડિયા, રેસિડેન્ટ ડોક્ટર, ગુજરાત કેન્સર સોસાયટી હોસ્પિટલ