કસ્ટોડિયલ ડેથઃ PI બદલાયા, વહીવટદારનો હજુ 'વટ’

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- કસ્ટોડિયલ ડેથ બાર કલાક મોડી ફરિયાદ નોંધનાર પીઆઈ સામે ફરિયાદ નોંધવા માગણી
- રાજુના હત્યારા પોલીસકર્મીઓને મનોહરસિંહ વાઘેલાએ છુપાવ્યા હોવાનો સ્થાનિક લોકોનો આક્ષેપ


પોલીસમાં ચર્ચાનો વિષય બની રહેલા ગેરકાયદેસર કસ્ટોડિયલ ડેથ પ્રકરણમાં સરદારનગર પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર વનરાજસિંહ સરવૈયાની બદલી થઇ ગઇ છે પરંતુ વિવાદાસ્પદ વહીવટદાર હજુ અડીખમ છે. સ્થાનિક લોકોમાં એવી ચર્ચા સાંભળવા મળી રહી છે કે આ હત્યા કેસમાં સંડોવાયેલા પોલીસવાળાઓને પણ વહીવટદાર મનોહરસિંહ વાઘેલાએ જ છુપાવ્યા છે. બીજી તરફ રાજુના પરિવારજનોએ આ કેસમાં બાર કલાક મોડી ફરિયાદ નોંધી આરોપીઓને છાવરનાર પીઆઇ સરવૈયા સામે ફરિયાદ નોંધવાની માંગણી કરી હતી.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સરદારનગરના પીએસઆઇ બી.આર.પટેલે ઇન્સ્પેક્ટર સરવૈયાને જાણ કર્યા બાદ જ સ્થાનિક વિસ્તારના રાજુ ઠક્કરને પકડીને સેક્ટર-૨ના સ્કવોડને સોંપ્યો હતો. જ્યાં તેમની ગેરકાયદેસરની કસ્ટડીમાં રાજુનું મોત થયું હતું. એ પછી રાજુના મૃતદેહને પોલીસવાળાઓએ નદીના તટમાં અજાણી લાશ તરીકે મૂકી દીધી હતી. આ કેસમાં પીઆઇ સરવૈયાએ પહેલા તો મામલો થાળે પાડવા પ્રયાસો કર્યા. પરંતુ પોલીસ કમિશનરના આદેશના પગલે ૧૨ કલાક બાદ ફરિયાદ નોંધી હતી. આથી રાજુના પરિવારજનો તથા સ્થાનિક લોકોએ સરવૈયા વિરુદ્ધ પણ ફરિયાદ નોંધવાની માંગ કરી છે.

બીજી તરફ આ પ્રકરણમાં વિવાદાસ્પદ વહીવટદાર મનોહરસિંહ હજુ પોલીસ મથકમાં અડીખમ છે તેના વિરુદ્ધ પણ સ્થાનિક લોકોમાં ભારે રોષ છે. લઠ્ઠાકાંડથી વિવાદમાં આવેલા મનોહરિંસંહ વિરુદ્ધ ઘણી રજૂઆતો થઇ છે. તેમ છતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ એને ક્રાઇમ બ્રાંચના અધિકારીઓના માનીતા મનોહરસિંહ સરદારનગરમાંજ અડીખમ છે. લોકોમાં થતી ચર્ચા મુજબ, રાજુના હત્યારા પૈકી એક મનોહરસિંહનો સ્વજન હોવાથી તેણેજ તમામને સલામત સ્થળે છુપાવ્યા છે.

- સરવૈયાને આરોપી બનાવવા ACPને અરજી

રાજુ ઠક્કરની પત્ની આશાએ આ મામલે તપાસ કરી રહેલા ક્રાઇમ બ્રાન્ચના એસીપી મયૂર ચાવડાને અરજી કરી છે જેમાં જણાવ્યું છે કે, આ કેસમાં પી.આઇ. વી.એસ.સરવૈયાની રાહબરીમાં જ સમગ્ર ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે, આ ઉપરાંત, પીએસઆઇ બી આર પટેલની અરજી પણ જે વિગતો દર્શાવાઈ છે તે જોતા તેમની ભૂમિકા સ્પષ્ટ દેખાય છે, તેથી તેમને આરોપી બનાવા જોઇએ.

- પીઆઈ કે. કે. પટેલે ચાર્જ સંભાળ્યો

ગેરકાયદે કસ્ટોડીયલ ડેથમાં સરદારનગર પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર વનરાજસિંહ સરવૈયાની તાત્કાલિક અસરથી સ્પેશિયલ બ્રાંચમાં બદલી કરવામાં આવી છે ત્યારે તેમના સ્થાને પોલીસ ઇન્સ્પે. કે.કે.પટેલની નિયુક્તિ કરતાં તેમણે સરદારનગર પોલીસ મથકનો ચાર્જ સંભાળ્યો હતો.

- પોલીસે રાજુની ચેઇન, ૪પ હજાર લઈ લીધા

રાજુની પત્નીએ પોલીસ પર આક્ષેપ કરતી અન્ય એક અરજી પણ કરી છે કે, જ્યારે રાજુ ઘરેથી ગયો ત્યારે તેની પાસે ૪પ હજાર રોકડા હતા અને તેને ત્રણ તોલાની સોનાની ચેઇન પણ પહેરી હતી. પરંતુ જ્યારે તેમની લાશ મળી ત્યારે તેમની પાસેથી કશુ જ મળ્યું નથી, તેથી પોલીસે જ પૈસા અને સોનાની ચેઇન લઇ લીધી હોવી જોઈએ.