ઇશરત કેસ : તરુણ બારોટ, ભરત પટેલની ડિફોલ્ટ જામીન અરજી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- CBI કોર્ટમાં અગાઉ ગિરીશ સિંઘલ, જે. જી. પરમારે ડિફોલ્ટ અરજી કરી હતી

ઇશરત જહાં એન્કાઉન્ટર કેસમાં સીબીઆઈએ ચાર્જશીટ માટેની ૯૦ દિવસની મુદત પૂરી થઈ હોવા છતાં ચાર્જશીટ રજૂ ન કરતા આઇપીએસ અધિકારી ગિરીશ સિંઘલે સીબીઆઈ કોર્ટમાં ડિફોલ્ટ જામીન માટે અરજી કરી હતી. ત્યારબાદ પણ સીબીઆઇએ ચાર્જશીટ રજૂ ન કરતા જે. જી. પરમાર બાદ હવે પીઆઇ ભરત પટેલ અને એસીપી તરુણ બારોટે પણ ડિફોલ્ટ જામીન અરજી કરી છે, જેની સુનાવણી સોમવારે યોજવાનો આદેશ સ્પે. કોર્ટે કર્યો છે.

તરુણ બારોટ અને ભરત પટેલ તરફથી સિનિયર એડવોકેટ સંજય ઠક્કર, બ્રિજરાજસિંહ ઝાલા અને પ્રયેશ લિંબાચિયાએ શનિવારે સીબીઆઈ સ્પે. કોર્ટના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટના ઘરે જઈ કરેલી ડિફોલ્ટ જામીન અરજીમાં એવી રજૂઆત કરી છે કે, આ કેસમાં ચાર્જશીટ માટેની ૯૦ દિવસની મુદત ૨૩મી મેએ પૂરી થતી હતી. આવા સંજોગોમાં સીઆરપીસીની કલમ ૧૬૭ (૨) હેઠળ તેઓ જામીન માટે હકદાર બને છે, તેથી તેમને જામીન પર મુક્ત કરવા જોઈએ.

- ડિફોલ્ટ જામીન અરજી એટલે શું?

જે ગુનામાં ત્રણ વર્ષથી વધુ સજાની જોગવાઈ હોય (બિનજામીનપાત્ર) તેવા ગુના બે ભાગમાં કાયદાકીય રીતે વહેંચવામાં આવ્યા છે, જેમાં સાત વર્ષ સુધીની સજાની જોગવાઈ હોય તેવા ગુનામાં આરોપીની ધરપકડ કર્યાના ૬૦ દિવસ અને આજીવન કેદની સજાની જોગવાઈ હોય તેવા ગુનામાં આરોપીની ધરપકડના ૯૦ દિવસ દરમિયાન તપાસ એજન્સીએ આરોપી સામે કોર્ટમાં આરોપનામું(ચાર્જશીટ) મૂકવાનું હોય છે. જો આ સમયમર્યાદામાં ચાર્જશીટ ન રજૂ કરવામાં આવે તો આરોપીને સીઆરપીસીની કલમ ૧૬૭-૨ મુજબ જામીન મેળવવાનો અબાધિત અધિકાર મળે છે.

- સીબીઆઇને નોટિસની બજવણી થઈ

શુક્રવારે રજા હોવાને કારણે તરુણ બારોટ અને ભરત પટેલની જામીન અરજી અંગે નોટિસની જાણ એડવોકેટ જાતે જઇને ગાંધીનગર ખાતે કરી આવ્યા હતા, જેથી સોમવારે સીબીઆઇ જવાબ રજૂ કરે અથવા તો તપાસ અધિકારી જવાબ રજૂ કરે તેવી શક્યતાઓ છે.