વિશ્વ પ્રસિદ્ધ જાદુગર કે.લાલનું નિધન

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- મગજની ગાંઠની ગંભીર બીમારી બાદ અમદાવાદમાં અંતિમ શ્વાસ લીધાજાદુકલાને લોકભોગ્ય અને મનોરંજક બનાવી ગુજરાત અને ભારતનો દુનિયાભરમાં ડંકો વગાડનાર મહાન જાદુગર કે. લાલે અમદાવાદમાં આશ્રમ રોડ ખાતે દિનેશ હોલ નજીક આવેલા રિવર વ્યૂ એપાર્ટમેન્ટમાં રવિવારની પરોઢે ૬.૪૫ વાગ્યે અંતિમ શ્વાસ લીધા ત્યારે ખુદ જાદુકલાએ પણ જાણે આંચકો અનુભવ્યો હશે કે જાજરમાન સ્ટેજ પર ભોળા કબૂતર, ખુંમાર સિંહ - અજગરથી માંડી ખૂબસુરત યુવતીને પોતાના ફેલાયેલા પંજાના એક જ ઈશારે ગણતરીની સેકંડોમાં ગૂમ કરી દેનારા મહાન જાદુગરે આખરી એકિ્ઝટ લઈ લીધી. ભલભલી ચીજોને અર્દશ્ય કરી દેનાર જાદુસમ્રાટનો આત્મા અર્દશ્ય થઈ ગયો. તેમનું સાચું નામ કાંતિલાલ વોરા હતું અને કે. લાલના ટૂંકા નામથી તેઓ જાણીતા થયા હતા.છેલ્લા કેટલાક સમયથી કે. લાલ મગજની ગાંઠોની બીમારીથી પીડાતા હતા. બાદમાં આ ગાંઠે કેન્સરની હોવાનું નિદાન થયું હતું. એ પછી ઇન્ફેક્શન વધુ વકરતા ફેફસાં અને કિડની પર પણ અસર થઈ હતી. કિડની પણ કામ કરતી બંધ થઈ જતાં છેવટે તબીબોએ સુધારો થવાની આશા છોડી દીધી હતી.પરિણામે તેમના નિવાસસ્થાને ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેઓનું અવસાન થયું હતું. ૮૮ વર્ષના કે. લાલે જાદુની દુનિયામાંથી છેલ્લા કેટલાક સમય પહેલા વિદાય લઈ લીધી હતી. તેમના સુપુત્ર જુનિયર કે. લાલ ઉર્ફે હસુભાઈ પોતાના પિતાની અમર વિરાસતને આગળ ધપાવી રહ્યા છે.તા.૧-૧-૧૯૨૪ના રોજ અમરેલી જિલ્લાના બગસરા ખાતે જૈન પરિવારમાં જન્મેલા કે. લાલ કલકત્તામાં કાપડનો વેપાર કરતા હતા. નાના-મોટા જાદુ કરવાનો શોખ પહેલેથી જ હતો. મુંબઈની વિખ્યાત નાટ્યસંસ્થા આઈએનટીના સંચાલક પ્રવીણ જોશી કલકત્તામાં પોતાના નાટ્ય-શો માટે કાપડ લેવા કે. લાલને ત્યાં ગયા ત્યારે તેમણે બતાવેલા કેટલાક જાદુના ચાલાકીભર્યા પ્રયોગોથી પ્રવીણ જોષી ખુશ થઈ ગયા હતા અને આ જાદુકલાને સ્ટેજ પર વિસ્તારીને તેને વધુ મનોરંજક બનાવવાની દીક્ષા તેમણે કે. લાલને આપી હતી.બસ, તે પછી તો કે. લાલે જાદુવિદ્યાની સાથે અધ્યતન પ્રકાશ-મંચસજજા અન્ય આધુનિક ર્દશ્ય-શ્રાવ્ય ટેક્નિકો, સંગીત વગેરેને જોડીને જાદુ કલાને ખૂબ મનોરંજક બનાવી હતી. દુનિયાભરમાં તેમણે સેંકડો શો કરીને જાદુકલાનો ફેલાવો કર્યો હતો. એટલું જ નહીં, વ્યક્તિગત રીતે પરગજુ સ્વભાવ ધરાવતા કે. લાલે અનેક નાના-મોટા જાદુગરોને-કલાકારોને મદદ કરી હતી.