અમદાવાદમાં દીકરીઓએ માતાનો અગ્નિ‌સંસ્કાર કર્યો

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છેલ્લા શ્વાસ સુધી સેવા કરનારી દીકરીઓએ ધર્યો દીકરાનો ભેખ માતા-પિતા પર વહાલ વરસાવતી દીકરીઓ જરૂર પડે મોટી જવાબદારીનો ભાર પણ પોતાના ખભે ઉપાડી લેવા સજ્જ થઈ જતી હોય છે. ઘડપણ અને મૃત્યુ સુધારવા માટે દીકરો જ જોઇએ તેવી પ્રચલિત માન્યતાને ખોટી ઠેરવતી એક ઘટના શહેરમાં બની છે, જેમાં ત્રણ દીકરીઓએ વૃદ્ધ માતાની આખરી શ્વાસ સુધી સેવા કરી અને મૃત્યુ બાદ તેમના અંતિમસંસ્કાર પણ પોતાના હાથે કર્યા. જોકે કોઇક કારણોસર અંતિમ સમયે આ સદ્ગતને ખભો આપવા માટે બેમાંથી એક પણ દીકરો ઉપસ્થિત રહ્યો નહોતો. નવરંગપુરામાં રહેતાં ૮૯ વર્ષનાં હીરાબેન હરગોવનદાસ પંચાલને સંતાનમાં ત્રણ પુત્રી તેમજ બે સાવકા પુત્ર હતાં. સાવકા પુત્રોને પણ તેઓએ ભણાવીગણાવી મોટા કરી પરણાવ્યા પણ હતા. તેમજ મોટી બે પુત્રી નીરુબેન ચંદ્રાકાંત પંચાલ અને પ્રવીણાબેન દીપકકુમાર પંચાલને પણ તેઓએ ભણાવીગણાવી સાસરે વળાવી હતી. પિતાના મૃત્યુ બાદ બંને પુત્રો અલગ રહેતા હતા પરંતુ હીરાબેનની નાની પુત્રી વર્ષાબેન હરગોવનદાસ પંચાલે આજીવન કુંવારા રહીને વૃદ્ધ માતાની દેખરેખ રાખતાં હતાં અને તેમના અંતિમશ્વાસ સુધી દીકરાની જેમ પોતાની માતાની સેવા કરી. ગુરુવારે હીરાબેન પંચાલે અંતિમ શ્વાસ લીધો. માતાની અંતિમક્રિયા માટે પડોશી, સગાંવહાલાં ઊમટયાં. દીકરા વગર મૃતકના અગ્નિ‌સંસ્કાર કોણ કરશે તેવો પ્રશ્ન ઊભો થયો ત્યારે આ ત્રણેય બહેનોએ પોતાની માને અગ્નિ‌સંસ્કાર આપવાનો નિર્ણય કર્યો. વાડજના સ્માશનગૃહ ખાતે જ્યારે આ ત્રણેય બહેનોએ શુક્રવારે હીરાબેનના પાર્થિ‌વદેહને અગ્નિ‌સંસ્કાર કર્યા ત્યારે ઉપસ્થિત મોટા ભાગના લોકોની આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં હતાં.