• Gujarati News
  • Crop Insurance Has Been Locked Due To The Carelessness Of Congress

રાજ્યની બેદરકારીને લીધે પાક વીમો અટવાઈ ગયો છે: કોંગ્રેસ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગુજરાતમાં એક તરફ સૌરાષ્ટ્ર સહિ‌તના અન્ય વિસ્તારોમાં પાણીની તંગી છે તો, બીજી તરફ પાક વીમાની રાહ જોઈને બેઠેલાં ખેડૂતોનો પાક વીમો અટવાયો છે. ત્યારે આ અંગે કોંગ્રેસના અગ્રણી નેતા શક્તિસિંહ ગોહિ‌લે જણાવ્યું હતુંકે, ગુજરાતની ભાજપ સરકારની ગુનાહિ‌ત બેદરકારીના કારણે રાજ્યના ખેડૂતોને પાક વીમો હજુ સુધી મળી શક્યો નથી.

કમનસીબે ગુજરાત સરકારના તખલખી નિર્ણયોના કારણે રાજ્યના મોટાભાગના ગામોમાં પાણી પત્રક તૈયાર જ થયાં નથી. ચાલુ વર્ષે ગુજરાત સરકારની ગુનાહિ‌ત બેદરકારીના કારણે વાવેતર અંગેના સદંતર જુઠ્ઠા આંકડા સરકારે વીમાની અમલીકરણ એજન્સી એગ્રીકલ્ચર ઈન્શ્યોરન્સ કંપની ઓફ ઈન્ડિયા લિમીટેડ (એઆઈસી)ને મોકલ્યા હતાં. આ ગંભીર ભૂલના કારણે જે ખેડૂતોએ વીમો ઉતરાવેલ છે તેમના પાકના વીમાની જમીનનું કુલ ક્ષેત્રફળએ સરકારે બતાવેલા કુલ વાવેતરના આંકડાઓ કરતા વધી જાય છે. આમ સરકારે દર્શાવેલું કુલ વાવેતર કરતા ખેડૂતોએ ઉતરાવેલા પાકના વીમાનું વાવેતરનું ક્ષેત્રફળ વધારે થતું હોય તો સ્વાભાવિક રીતે વીમા કંપની વાંધો ઉઠાવે. જેને કારણે રાજ્યના ખેડૂતોને મળવા પાત્ર વીમાની રકમ અટવાઈ પડી છે.

તાત્કાલિક કલેઈમ સેટલ કરવા તાકીદ

કેન્દ્ર સરકારે એઆઈસીને તાત્કાલિક કલેઈમ સેટલ કરવા તાકિદ કરી છે. તમામ વિસંગતતાઓ છતાં કેન્દ્ર સરકાર ગુજરાતના ખેડૂતોને મદદ કરવા માટે આ પ્રયાસ કરી રહી છે.

કેટલાં પાક માટે કલેઈમ કર્યો છે?

ખેડૂતોએ ૧૧ જાતના જુદાં-જુદાં પાકના વીમા માટેના કલેઈમની રકમ ૩૧૦૭ કરોડ રૂપિયા અંકાઈ છે.

જુઠ્ઠાણાં ચલાવતા હોવાનો આક્ષેપ

થોડા સમય પહેલા ગુજરાત સરકારના એક મંત્રીએ નિવેદન કર્યુ' હતુંકે, ખેડૂતોને પાક વીમાની રકમ એટલે નથી મળી કે કેન્દ્ર સરકારે પોતાના હિ‌સ્સાની રકમ વીમા કંપનીમાં જમા કરાવી નથી. આ રીતે ગુજરાત સરકાર પાક વીમા મુદ્દે જુઠ્ઠાણાં ચલાવતી હોવાનો કોંગ્રેસ દ્વારા આક્ષપ કરાયો છે.

કેન્દ્રએ ૭૦૦ કરોડ આપ્યા છે

ગુજરાતમાં ખરીફ ૨૦૧૨ના પાક વીમા માટે કેન્દ્ર સરકારે વીમા કંપની એઆઈસીને રૂપિયા ૭૦૦ કરોડ એડવાન્સમાં ચૂકવ્યા છે અને જરૂર પડે તો વધારે રકમ પણ આપવા તૈયારી બતાવી છે. છતાં હજુ સુધી ખેડૂતોને પાક વીમાની રકમ મળી નથી. - શક્તિસિંહ ગોહિ‌લ, અગ્રણી નેતા,કોંગ્રેસ