આસારામની ગેરહાજરીમાં જ કોર્ટે દુષ્કર્મ કેસ કમિટ કરી દીધો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- પાંચ વાર સમન્સ છતાં આસારામ હાજર ન રહેતા કોર્ટનો નિર્ણય

ગાંધીનગર કોર્ટે આસારામની ગેરહાજરીમાં જ તેમની સામે દુષ્કર્મનો કેસ કમિટ કરી દીધો છે. ચાંદખેડા પોલીસમાં નોંધાયેલા દુષ્કર્મ કેસની કમિટલ પ્રક્રિયા માટે હાજર રહેવા પાંચ વાર સમન્સ આપવા છતાં વિવિધ કારણો રજૂ કરી આસારામ હાજર ન રહેતા કોર્ટે આ નિર્ણય લીધો હોવાનું ખાસ સરકારી વકીલ આર. સી. કોડેકરે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, 'આસારામના વકીલે કોર્ટ સમક્ષ કરેલી અરજીમાં જણાવ્યું છે કે, મારી ગેરહાજરીમાં કેસ કમિટ થાય તો પણ હું ભવિષ્યમાં આ બાબતે વાંધો નહીં લઉ. તેથી આ અરજીને પગલે ગાંધીનગર કોર્ટે ભૂતકાળના એક ચુકાદાને આધાર બનાવી આસારામ સામે કેસ કમિટ કરી સેશન્સ કોર્ટમાં ટ્રાન્સફર કર્યો હતો.’ ઉલ્લેખનીય છે કે, દુષ્કર્મ કેસની તપાસ કરી રહેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (સીટ)એ થોડા સમય પહેલા ગાંધીનગર કોર્ટમાં ચાર્જશીટ કરી હતી.

રાજસ્થાનની સગીરા પર દુષ્કર્મના કેસમાં આસારામ જોધપુરની જેલમાં હોવાથી ગાંધીનગર કોર્ટે જોધપુર જેલ સત્તાધીશોને આસારામને હાજર કરવા છેલ્લા બે માસમાં પાંચ વાર સમન્સ પાઠવ્યા હતા છતાં તેમણે બીમારી તથા જાપ્તાનો અભાવ હોવાનું કહી આસારામને હાજર કરાયા નહીં. જોકે આસારામને ચાર્ટર્ડ પ્લેનમાં લાવવા માટે તેમણે ગાંધીનગર કોર્ટમાં અરજી કરી ત્યારે સીટે તેનો વાંધો ઉઠાવતાં આસારામને સામાન્ય આરોપીની જેમ રોડમાર્ગે જોધપુરથી ગાંધીનગર લાવવા સૂચવ્યું હતું. ગત ૨૨મી માર્ચે પણ આસારામને હાજર થવાનું હતું, પરંતુ જોધપુર પોલીસે ચૂંટણી બંદોબસ્તનું કારણ આપી તેમને રજૂ કર્યા નહોતા.

આગળ વાંચો અમૃત પ્રજાપતિને પોલીસ સુરક્ષા આપવામાં આવી