• Gujarati News
  • Congress Slams Modi Government Over Its Education Policy

શૈક્ષણિક કારકિર્દીને જોખમમાં મૂકવાની સરકારની નીતિઃ કોંગ્રેસનો આક્ષેપ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સરકારની મિલિભગતથી ખાનગી કોલેજોમાં ઉઘરાવાતું ૩૦૦ કરોડનું ડોનેશન: કોંગ્રેસ

રાજ્યના ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓની શૈક્ષણિક કારકિર્દીને જોખમમાં મૂકવાની રાજ્યની ભાજપ સરકારની નીતિ હોવાનો આક્ષેપ પ્રદેશ કોંગ્રેસે કર્યો છે. ખાનગી કોલેજોને લાભ કરાવવા માટે રાજ્ય સરકારે સરકારી ગ્રાન્ટેડ કોલેજોનું માળખું તોડી નાખ્યું છે, જેને કારણે ગુજરાતની ૧૬ સરકારી ઇજનેરી કોલેજમાંથી માત્ર ૪ કોલેજમાં કાયમી આચાર્ય છે. ખાનગી કોલેજોના સંચાલકો સાથે સરકારની મીલીભગત કારણે વિદ્યાર્થીઓ પાસેથી દર વર્ષે રૂ. ૩૦૦ કરોડ જેટલું ડોનેશન ઉઘરાવાતું હોવાનો આક્ષેપ કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા ડો. મનિષ દોશીએ કર્યો છે.

ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ પછીની પ્રવેશ કાર્યવાહીમાં રાજ્ય સરકાર હસ્તકના ઇજનેરી અને મેડિકલ-ફિઝિયોથેરાપી-નર્સિંગ એમ બે સમિતિ અલગ કરી દેવાયા હોવાનું જણાવી ડો. દોશીએ ઉમેર્યું હતું કે આ બંને સમિતિના નિયમોમાં છેલ્લે સુધીના ફેરફારો અને વિસંગતતાને કારણે રાજ્યના ૭૦ હજારથી વધુ વિદ્યાર્થીએ પ્રવેશ સમયે મુશ્કેલી અનુભવી હતી. ખાનગી કોલેજોને લાભ કરાવવા માટે સરકારી ગ્રાન્ટેડ કોલેજોનું માળખું તોડી નાખવા માટે ૧૬ સરકારી ઇજનેરી કોલેજમાં ૧૨ વર્ષથી માત્ર ૩પથી ૪૦ ટકા જ અધ્યાપકોથી શિક્ષણકાર્ય ચલાવાય છે. ૧૬ પૈકીની માત્ર ૪ કોલેજમાં જ કાયમી આચાર્ય છે જ્યારે ૨૬ સરકારી પોલિટેક્નિકમાં ૬૭ ટકા હેડ ઓફ ડિપાર્ટમેન્ટની જગ્યા લાંબા સમયથી ખાલી છે.

ભાજપ સરકારના અનેક આગેવાનો ખાનગી કોલેજો સાથે ભાગીદાર હોવાનો અને ડોનેશન ઉઘરાવવા, અન્ય ખોટાં કામો સામે રક્ષણ આપવા નાણાકીય લાભ મેળવતા હોવાનો આક્ષેપ પણ તેમણે કર્યો છે. ચોક્કસ અધિકારીઓનાં સંતાનોને ફાયદો કરાવવા માટે ભાજપ સરકારે રાતોરાત સેન્ટ્રલ ર્બોડ અને ગુજરાત ર્બોડનું મેરિટ લિસ્ટ એક કરી દીધું હતું, જેને કારણે અનેક વિદ્યાર્થીઓને અન્ય વિદ્યાશાખામાં પ્રવેશ લેવાની ફરજ પડી હતી. વ્યાપક ઊહાપોહ બાદ રચાયેલી સમિતિનો અહેવાલ આજ સુધી આવ્યો નથી.