તપોવનમાં દિવાળી વેકેશનમાં ૧૦૦ બાળકની ઉપધાન તપની આરાધના

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોબામાં બાળકોએ દિવાળીને અલગ રીતે ઊજવી ટ્રેન્ડ શરૂ કર્યો
સૌપ્રથમવાર મોટી સંખ્યામાં બાળકો કરી રહ્યાં છે ઉપધાન તપની આરાધના

કોબા સર્કલ પાસે તપોવનમાં હાલમાં ચાલી રહેલા દિવાળી વેકેશન દરમિયાન ૧૦૦ બાળકો ઉપધાન તપની આરાધના કરી રહ્યાં છે. દિવાળીમાં ફટાકડા ફોડવાનું અને મીઠાઇ ખાવાનું છોડીને બાળકોએ ધાર્મિક તપ કરીને નવો ટ્રેન્ડ શરૂ કર્યો છે. બાળકો સારા નાગરિક બને અને જીવનમાં સકારાત્મક અભિગમ લાવે તેવો આ ઉપધાન તપ કરાવવાનો હેતુ છે. આ તપ દરમિયાન બાળકોએ ઘરથી દૂર ૨૦ દિવસ સુધી તપોવન ખાતે જ રહીને સાધુ જેવું જીવન જીવવાનું હોય છે. તમામ તપસ્વીઓની ઉંમર ૧૮ વર્ષથી નાની છે.

૧ નવેમ્બરથી શરૂ થયેલું આ તપ ૨૦ નવે. સુધી ચાલનારૂં છે. જેમાં બાળકો ૧૮ દિવસ ઉપધાન તપની આરાધના કરશે. ઉપધાન તપ ૪૫ દિવસના હોય છે પરંતુ બાળકોનો અભ્યાસ ચાલતો હોવાથી આટલો સમય મળતો નથી તેને કારણે ત્રણ તબક્કામાં આ તપની આરાધના કરાવવામાં આવે છે.
તપોવન ખાતે પંન્યાસ ભુવનસુંદરવિજયજી તથા મુનિરાજ હંસકીતિgવિજયજી મ.સા.ની નિશ્રામાં ચાલતી આ તપશ્વર્યાના દિવસો દરમિયાન તપસ્વી બાળકોને સાધુ-સાધ્વીજી સાથે ઉપાશ્રયમાં જ રહેવાનું હોય છે. તે દિવસો દરમિયાન કોઇપણ ઇલેકટ્રોનિક ઉપકરણોનો વપરાશ કરી શકાતો નથી. કોઇ વાહનનો ઉપયોગ પણ કરી શકાતો નથી. જ્યાં પણ ચાલવું હોય ત્યાં પગપાળા જ જવાનું રહે છે. કાચા પાણીનો વપરાશ નહિ કરવાનો અને સ્નાન પણ કરી શકાતું નથી.

પંન્યાસ ભુવનસુંદરવિજયજી મ.સા.એ જણાવ્યું હતું કે ઉપધાન તપ કરવાથી બાળકોના વ્યક્તિત્વનો વિકાસ થાય છે, તે જીવનમાં તમામ દૂષણોથી દૂર રહે છે. સાધુ જેવું જીવન જીવી ચૂક્યા બાદ નાની ઉંમરે જીવનનું મહત્વ સમજી શકે છે અને સાચી રીતે જીવન જીવી શકે છે. દરેક વ્યક્તિએ જીવનમાં એક વખત ઉપધાન તપની આરાધના કરવી જોઇએ. ઉપધાન તપ કરવાથી પંચપરમેષ્ઠી નવકાર મહામંત્ર ગણવાનો પાક્કો અને સાચો અધિકાર મેળવી શકે છે. આ ઉપધાન તપ કર્યા બાદ વ્યક્તિ સાચો જૈન શ્રાવક બને છે.