પેપર તપાસવા સેન્ટ્રલાઈઝ એસેસમેન્ટ સિસ્ટમ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- આયોજન ડિપ્લોમા ઈજનેરીના છઠ્ઠા સેમેસ્ટરના પેપર ચકાસવા જીટીયુ દ્વારા નવી સિસ્ટમ દાખલ કરવા નિર્ણય
- પરિણામ વહેલા જાહેર કરવા માટે હાથ ધરવામાં આવેલી આ કવાયત


ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિ‌ટી (જીટીયુ)દ્વારા ડિપ્લોમા ઈજનેરી શાખાના છઠ્ઠા સેમેસ્ટરના આશરે ૩૦,૦૦૦ વિદ્યાર્થીઓની પરીક્ષાની ઉત્તરવહીની ચકાસણી માટે સેન્ટ્રલાઈઝ એસેસમેન્ટ સિસ્ટમ દાખલ કરવાનો નિર્ણય કરાયો છે. ડિપ્લોમા છઠ્ઠા સેમેસ્ટરની પરીક્ષાનું પરિણામ વહેલા જાહેર કરીને ડિપ્લોમા ટુ ડિગ્રી ઈજનેરી શાખાની કોલેજોમાં પ્રવેશ મેળવવામાં સરળતા રહે તે હેતુસર પરીક્ષા વિભાગ દ્વારા સેન્ટ્રલાઈઝ ઉત્તરવહી એસેસમેન્ટ સિ‌સ્ટમ કાર્યરત કરવા માટેના ચક્રો ગતિમાન કરાયા છે. જે અંતર્ગત સેન્ટ્રલ એસેસમેન્ટ સિસ્ટમના આધારે ઉત્તરવહીઓની ચકાસણી બાદ ૧પમી જૂન પહેલા પરિણામની જાહેરાત કરવાનુ નક્કી કરાયું છે.

અમદાવાદ, ગાંધીનગર, સુરત, રાજકોટ, વલ્લભ વિદ્યાનગર એમ કુલ પાંચ ઝોનની પાંચ કોલેજોમાં કુલ ૩૦૦ જેટલા અધ્યાપકો દ્વારા ઉત્તરવહીની ચકાસણી કરાશે. જીટીયુ સાથે સંકળાયેલ આશરે ૮૦ જેટલી ડિપ્લોમા ઈજનેરી કોલેજોમાં અભ્યાસ કરતાં છઠ્ઠા સેમેસ્ટરના આશરે ૩૦,૦૦૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ વિદ્યાર્થીઓની પરીક્ષાનો નવમી મે,ગુરુવારથી પ્રારંભ થયો છે. જે અંતર્ગત વિવિધ વિદ્યાશાખાની લેખિત પરીક્ષા ૧૭મી મેના રોજ પૂર્ણ થશે. જ્યારે તેમની પ્રેક્ટિકલ પરીક્ષા મે મહિ‌નાના અંતમાં પૂર્ણ થનાર છે.

- સેન્ટ્રલાઈઝ એસેસમેન્ટ સિસ્ટમ કેવી રહેશે?

ડિપ્લોમા ઈજનેરી શાખામાં છઠ્ઠા સેમેસ્ટરમાં સેન્ટ્રલાઈઝ એસેસમેન્ટ સિસ્ટમ લાગુ કરાઈ છે. જે મુજબ અમદાવાદ, ગાંધીનગર, સુરત, વલ્લભ વિદ્યાનગર, રાજકોટનું કુલ પાંચ ઝોનમાં વિભાજન કરી ઝોન દીઠ એક- એક કોલેજ પસંદ કરી ઉત્તરવહીઓનું એસેસમેન્ટ કરાશે.

- અગાઉ કઈ સિસ્ટમથી ઉત્તરવહી ચકાસાતી હતી ?

અગાઉ કોલેજોના અધ્યાપકોને જે તે કોલેજોમાં ઉત્તરવહી ચકાસણીનું કામ સોંપાતું હતું. અધ્યાપકો ઘરે લઈ જઈ ઉત્તરવહીઓ ચકાસતા હતા.

- પાંચ ઝોન પ્રમાણે પસંદગીની કોલેજની વિગતો

અમદાવાદ: આર.સી.ટેક્નિકલ
વલ્લભ વિદ્યાનગર: બી એન્ડ બી પોલિટેક્નિક
રાજકોટ: એવીપીટીઆઈ પોલિટેક્નિક
સુરત: ગર્લ્સ પોલિટેક્નિક