ગુજરાત પરથી ટળ્યો ‘ઓખી’નો ખતરો, સામાન્ય વરસાદની સંભાવના

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઓખી વાવાઝોડું સમુદ્રમાં જ વિખેરાઈ ગયું હતું - Divya Bhaskar
ઓખી વાવાઝોડું સમુદ્રમાં જ વિખેરાઈ ગયું હતું

અમદાવાદ: વાવાઝોડું ઓખી સમુદ્રમાં જ સમાઈ ગયું છે, પંરતુ તેની અસર તળે રાજ્યભરમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી હતી. ઓખી વાવાઝોડું મંગળવારે સાંજે 7 કલાકે સુરતથી 270 કિમી દૂર પહોંચ્યું હતું. વાવાઝોડાને કારણે દરિયામાં પવનની ગતિ 50થી 60 કિમી પ્રતિ કલાકની છે. વાવાઝોડું ડીપ ડિપ્રેશનના સ્વરૂપમાં હોવાથી રાજ્યમાં હજુ પણ બે દિવસ હળવાથી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આ સાથે જ રાજ્યમાં 60થી 80 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે. રાજ્યમાં 115 વર્ષમાં પહેલી વાર વાવાઝોડાને કારણે ડિસેમ્બરમાં વરસાદ પડ્યો છે.
 

કાલે જ નબળું પડ્યું હતું ઓખી

વાવાઝોડું નબળું પડ્યું હોવાના સમાચાર મળ્યા હતાં અને મોડી રાત્રે તે દરિયામાં સમાય તેવી શક્યતા હતી. મંગળવારે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં અડધાથી 2 ઈંચ સુધીનો વરસાદ નોંધાયો હતો. સુરત પર સૌથી વધુ અસર હોવાને કારણે મુખ્યમંત્રી વિજય રૂપાણી મુખ્ય સચિવ જે.એન. સિંઘ સાથે સુરત પહોંચ્યા હતા અને તાકીદની બેઠક બોલાવી પરિસ્થિતિની ચર્ચા કરી હતી. સમુદ્રમાં માછીમારી માટે ગયેલી 13 હજાર જેટલી બોટને પાછી બોલાવી લેવાઈ છે. જ્યારે હજુ પણ દરિયામાં રહેલી 1 હજાર જેટલી બોટને પરત લાવવાના પ્રયાસ ચાલુ છે.
 

ગેસ કાઢવાનું બંધ કરાયું હતું

સુરતના હજીરા પાસે દરિયામાંથી ગેસ કાઢવાના 5 બેઝિનનું કામકાજ તાત્કાલિક ધોરણે બંધ કરાવાયું છે. સુરત શહેરમાં જનજાગૃતિ માટે 13 લાખથી વધુ એસએમએસ કરાયા છે. સુરતના દરિયાકાંઠે આવેલા 29 ગામના 3,360 લોકોનું સ્થળાંતર કરાયું છે. ભરૂચ અને વલસાડ જિલ્લાના 7 હજાર જેટલા અગરિયાઓને સલામત સ્થળે ખસેડાયા છે. ઓખી વાવાઝોડાંની અસરને પગલે દક્ષિણ સૌરાષ્ટ્રનાં અમરેલી, ગિર-સોમનાથ, જૂનાગઢ અને પોરબંદર જિલ્લાનાં સમુદ્રતટે માછીમારી પ્રવૃત્તિને ભારે અસર પહોંચી છે. તમામ ફિશરીઝ હાર્બરમાં બોટોનો ખડકલો થઇ જતાં ટ્રાફિક જામ જેવી સ્થિતી સર્જાઇ છે. સોમનાથ તીર્થમાં પણ યાત્રિકોની સંખ્યા સાવ પાંખી થઇ ગઇ છે.

અમરેલી, વેરાવળ, પોરબંદર સહિતના માછીમારોને નુકસાન
 
ઓખી વાવાઝોડાને પગલે માછીમારી કરવા ગયેલી દક્ષિણ સૌરાષ્ટ્રની બોટોને પરત ફરવું પડ્યું છે. ભર સીઝને અંદાજે 13,000થી વધુ બોટો પરત આવીને કિનારે લંગરવામાં આવી છે. દરિયામાં ઉઠતા લોઢ જેવા મોજાઓને કારણે કિનારે લંગરાયેલી આ બોટો એક-બીજા સાથે અથડાઈ રહી છે, જેના કારણે બોટોને પણ મોટું નુકસાન થવાની સંભાવના છે. અન્ય રાજ્યનાં માછીમારોએ નજીકના બંદરોએ આશરો લીધો છે.

બંદરોએ 2 અને 3 નંબરનું સિગ્નલ

રાજ્યના તમામ બંદરો પર 2 અને 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે. સમુદ્રમાં ફસાયેલા માછીમારોને રેસ્ક્યુ કરવા માટો કોસ્ટગાર્ડ કામગીરી કરી રહ્યું છે. દરિયાકિનારે વસેલા માછીમારોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

આગળની સ્લાઈડ્સ વાવાઝોડાની અસર અને આફત

અન્ય સમાચારો પણ છે...