દેશમાં પશુઓના મોતિયાના ઓપરેશનની પહેલ કરતું ગુજરાત

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગર તાલુકાના સરઢવ ગામ ખાતે કૃષિ મહોત્સવ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મુખ્ય મહેમાન પદે સામાજિક શૈક્ષણિક પછાત વર્ગો કલ્યાણ રાજ્ય મંત્રી વાસણ આહીર ઉપસ્થિત રહ્યાં હતા. તેના હસ્તે કૃષિ, બાગાયત અને પશુપાલન કિટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મંત્રી વાસણ આહીરે જણાવ્યું હતું કે, વર્ષ-૨૦૦૫થી રાજ્યમાં મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ કૃષિ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. સતત આઠ વર્ષથી યોજાતા કૃષિ મહોત્સવ થકી આજે ગુજરાતના ખેડૂત વૈજ્ઞાનિક ઢબે ખેતી કરતા થયા છે. જેના પરિણામે રાજ્યમાં એક દાયકાના ટુંકા સમયમાં કૃષિક્ષેત્રે ઉત્પાદન વઘ્યું છે. રાજ્યનો કૃષિ વિકાસ દર ૧૦.૮૦ ટકાએ પહોચી ગયો છે.

વધુમાં મંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યએ સૌ પ્રથમવાર પશુ આરોગ્ય મેળા શરૂ કર્યા છે. તેના દ્વારા ગુજરાતે દેશમાં પશુઓના મોતિયાના ઓપરેશન કરવાની પહેલ કરી છે. તે ઉપરાંત રાજ્યમાં કન્યા કેળવણીને પ્રોત્સાહિત કરવા રાજ્યના મુખ્યમંત્રીએ પોતાને મળેલ ભેટ-સોગાદ તોષા ખાનામાં જમા કરાવીને તેમાંથી મળેલ રૂ. ૬૦ કરોડની રકમ કન્યા કેળવણી નિધિમાં અર્પણ કરી છે. ઉપસ્થિત સર્વે લોકોને આજથી બેટી બચાવો અભિયાનમાં જોડાઇ જવા માટે હાંકલ કરી હતી.

આ પ્રસંગે ગુજરાત ખાદી ગ્રામોધ્યોગ બોર્ડના ચેરમેન વાડીભાઇ પટેલ, જિલ્લા કલેક્ટર પી. સ્વરૂપ, પ્રાંત અધિકારી પ્રકાશભાઇ મકવાણા, જિલ્લા ખેતીવાડી અધિકારી કે. કે. પટેલ, જિલ્લા પશુપાલન અધિકારી ડો.બી. કે. પટેલ, ગાંધીનગર મામલતદાર એમ. એસ. પંચાલ, તાલુકા વિકાસ અધિકારી જયેશભાઇ તુવેર, સરઢવ ગામના સરપંચ અરવિંદભાઇ પટેલ, ગામના અગ્રણી રમણભાઇ પટેલ, બળદેવભાઇ પટેલ, વકીલ જયંતીભાઇ પટેલ સહિત મોટી સંખ્યામાં ગામની મહિલાઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.