ગાંધીનગર જિલ્લાની ગ્રામ પંચાયતના નકલી રબર સ્ટેમ્પ કૌભાંડનો પર્દાફાશ

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

-વેપારીને શંકા જતા લીંબોદરા સરપંચ-તલાટીને જાણ કરી
-માણસા પોલીસ મથકમાં અજાણ્યા શખ્સ સામે ફરિયાદમાણસા તાલુકાના લીંબોદરા ગ્રામ પંચાયતના લેટરપેડ પર અન્ય પંચાયતનો સિક્કો મારી ગામનું નામ બદલીને તલાટી-કમ-મંત્રીનો અને ગ્રામ પંચાયતના મળી કુલ બે બોગસ રબર સ્ટેમ્પ બનાવડાવવા કોઇ શખ્સે કૌભાંડ આચર્યું હોવાનો પર્દાફાશ થયો છે. જેના આધારે લીંબોદરા ગામના તલાટીએ માણસા પોલીસ મથકમાં અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર માણસા શહેરમાં રબરના સિક્કા બનાવનાર નિલેશ ગજજર નાના વેપારીને ત્યાં લીંબોદરા ગ્રામ પંચાયતના લેટર પેડ ઉપર એક ગોળ અને બીજો તલાટી-કમ-મંત્રીનો સિક્કો (રબરસ્ટેમ્પ) બનાવવા માટેનું લખાણ કોઇ ઇસમ આપી ગયો હતો. વેપારીએઓર્ડર મુજબ સિક્કા બનાવી દીધા હતાં. દરમિયાન વેપારીની નજર લેટર પેડ પર મારેલા સિક્કા તરફ ગઇ હતી. તેમાં નીચેના ભાગે આ બનાવવાની મંજૂરી આપવા સિક્કામાં તલાટી-કમ-મંત્રી બાપુપુરા લખેલું હતું. તેમાં બાપુપુરા ચેકી (ભુસી) દઇ લીંબોદરા લખેલું હતું.આ ચેકચાકમાં કોઇ બાબત શંકાસ્પદ જણાતી હતી. જેથી વેપારીએ આ બાબતે લીંબોદરાના તલાટીને જાણ કરી હતી.જેથી તલાટી અને મહિલા સરપંચના પતિ કરણસિંહ વેપારીને મળતા તેણે આપેલી માહિતી જોઇ ચોંકી ઉઠ્યા હતાં અને આ લેટરપેડ પણ નકલી હોવાનું જણાતાં આ દસ્તાવેજ અને સિક્કાનો કોઇ શખ્સ દુરઉપયોગ ન કરી શકે તે હતુથી માણસા પોલીસમાં જઇ તલાટી રાજેશભાઇ લાધવા એ આ બાબતની ફરિયાદ નોંધાવી હતી. તેના આધારે પોલીસે સિક્કા બનાવવા લખાણ આપનારા શખ્સની તપાસ હાથ ધરી છે. સરકારી દસ્તાવેજો અને રબરસ્ટેમ્પ છેતરપીંડી દ્વારા બનાવવા આપનાર શખ્સની પોલીસે શોધખોળ હાથ ધરી છે.