કોડનાની-બજરંગીને ફાંસીની અપીલ પર બ્રેક, રાજકારણમાં ગરમાવો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- નરોડા પાટિયા કેસ: રાજ્ય સરકારના કાયદા વિભાગે મુખ્ય સરકારી વકીલને નિર્ણયની જાણ કરી

૨૦૦૨ના કોમી રમખાણોમાં સર્જા‍યેલા ગમખ્વાર નરોડા પાટિયા હત્યાકાંડમાં, ભાજપના પૂર્વ મંત્રી માયાબહેન કોડનાની અને બજરંગદળના બાબુ બજરંગી સહિ‌ત ૧૦ આરોપીઓની ફાંસીની સજા માટે સીટને ગુજરાત સરકાર દ્વારા અપાયેલી અપીલની પરવાનગી પરત ખેંચાઈ છે. અચાનક જ આવેલા આ ઘટનાક્રમથી સીટના અધિકારીઓ મૂંઝવણમાં પડી ગયા છે. સીટના સૂત્રોનું કહેવું છે કે ગુજરાત સરકારનું આ પગલું કાયદાના દાયરાની બહાર છે અને તેઓ આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારશે. બીજી બાજુ નરેન્દ્ર મોદી સરકારના આ નિર્ણયથી કેન્દ્રના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

નરોડા પાટિયા હત્યાકાંડનો ચુકાદો ૩૦મી ઓગસ્ટ ૨૦૧૨ના રોજ આપતા એડિશનલ પ્રિન્સિપાલ જજ જ્યોત્સ્નાબહેન યાજ્ઞિકે ભાજપ સરકારની પૂર્વ મંત્રી માયાબહેન કોડનાની અને બાબુ બજરંગી સહિ‌ત ૩૨ આરોપીઓને દોષી ઠેરવ્યા હતા. જ્યારે ૨૯ને શંકાનો લાભ આપી મુકત કર્યા હતા. માયાબહેન કોડનાનીને ૨૮ વર્ષની અને બાબુ બજરંગીને આજીવન કેદની સજા ફરમાવવામાં આવી હતી જ્યારે ૭ આરોપીઓને આઈ પી સીની કલમ ૩૨૬ હેઠળ ૧૦-૧૦ વર્ષ અને તે સજા પૂરી કર્યા બાદ જન્મટીપની બીજી સજા આપી હતી. ૨૨ આરોપીઓને ૧૪ વર્ષની કેદની સજા ફટકારવામાં આવી હતી.