ભાજપે ૬૪ વોર્ડ પ્રમુખોના નામ જાહેર કર્યા: કાર્યકરોમાં કચવાટ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભારતીય જનતા પાર્ટીએ કેટલાય દિવસોની કવાયત બાદ આખરે શહેર સંગઠનના મહત્ત્વના ભાગ ગણાતાં વોર્ડ પ્રમુખોના નામોની યાદી જાહેર કરી દીધી છે અને તેના પગલે કેટલાય વોર્ડમાં દુભાયેલાં કાર્યકરોએ કચવાટની લાગણી વ્યકત કરતાં ગોઠવણ મુજબ જ થયું તેવા આક્ષેપો પણ કર્યા છે. ભાજપના શહેર સંગઠનની પુનર્રચનાની કામગીરીના ભાગરૂપે વોર્ડ પ્રમુખોની વરણીની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. વોર્ડ પ્રમુખ તરીકે માનીતાઓને જ બેસાડી દેવાનું ચાલતું હોવાથી પ્રભારીમંત્રી આનંદીબેન પટેલે ભાજપની મિટિંગમાં સ્પષ્ટ સૂચનાઓ આપી હતી. ત્યારબાદ દરેક વોર્ડમાંથી ત્રણથી પાંચ નામો સૂચવવામાં આવ્યા હતા, જોકે કેટલાક વોર્ડમાંથી તો ૧૦-૧પ નામો પણ સૂચવાયા હતા.

વોર્ડ પ્રમુખ તરીકે સૂચવાયેલા નામો અંગે શહેર ભાજપના હોદ્દેદારોએ જે તે વોર્ડમાં પૃચ્છા પણ કરી હતી. ત્યારબાદ સ્ક્રૂટીની કરીને શહેર પ્રભારી આનંદીબેન પટેલ તથા કૌશિક પટેલ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા અને તેમણે મંજૂરીની મહોર મારી તે પછી વિધાનસભા પ્રભારીઓએ ગઇકાલે રાતે જ દરેક વોર્ડમાં જઇ પ્રમુખના નામો જાહેર કર્યા હતા. વોર્ડ પ્રમુખના નામો જાહેર થતાં કેટલાક વોર્ડમાં કાર્યકરોમાં કચવાટની લાગણી ફેલાઇ હતી.

હવે વોર્ડ સંગઠન અને શહેર સંગઠનની રચના કરાશે
શહેરના ૬૪ વોર્ડ પ્રમુખોની વરણી બાદ હવે સૌ પ્રથમ વોર્ડ સંગઠનની રચના કરાશે અને તેમાં વોર્ડ પ્રમુખ અને ર્કોપોરેટર મળીને ૬ ઉપપ્રમુખ, ૬ મંત્રી, બે મહામંત્રી, એક કોષાધ્યક્ષની વરણી કરશે. ત્યારબાદ શહેર પ્રમુખની પસંદગી હાથ ધરાશે અને હાલના તબક્કે રાકેશ શાહની જગ્યાએ મહેશ કસવાલા, અમિતભાઇ શાહ, દુષ્યંત પંડયા, ભૂપેન્દ્રભાઇ પટેલ વગેરેના નામ ચાલી રહ્યા હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે. આગામી ૬ઠ્ઠી એપ્રિલે ભાજપના સ્થાપના દિને રાષ્ટ્રીય પ્રમુખ રાજનાથસિંહ આવે તે પહેલાં શહેર પ્રમુખ અને શહેર સંગઠનના હોદ્દેદારોના નામો જાહેર કરાય તેવી પૂરેપૂરી શક્યતા છે.