આજે ભાસ્કર ઉત્સવમાં શાહબુદ્દીનનો હાસ્ય દરબાર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- વનેચંદનો વરઘોડો હાસ્યરચનાથી શાહબુદ્દીન હસાવશે

લોકડાયરાઓમાં હાસ્યને એક ચોક્કસ સ્થાન અપાવનાર શાહબુદ્દીન રાઠોડના હાસ્ય દરબાર અને ડાયરાનું ભાસ્કર ઉત્સવ અંતર્ગત આયોજન કરવામાં આવ્યું છે. આજથી ચાલીસ વર્ષ પહેલાં લોક ડાયરાઓમાં હાસ્ય કલાકારો માત્ર બે કલાકારોની રજૂઆતની વચ્ચેના અંતરાલમાં લોકોને મનોરંજન આપવાનું કામ કરતાં. હાસ્ય કલાકારોનો સ્વતંત્ર દરજ્જો નહોતો. ૧૪ નવેમ્બર,૧૯૬૯ના રોજ શાહબુદ્દિન રાઠોડે હાસ્ય કલાકાર તરીકે પહેલો કાર્યક્રમ આપ્યો અને તેમની રસિક રજૂઆતે હાસ્ય કલાકારોને લોકડાયરામાં સ્વતંત્ર દરજ્જો અપાવ્યો, અને સમયાંતરે હાસ્ય દરબારો યોજાતા થયા.

જે શાળામાં અભ્યાસ કર્યો તેમાં જ શિક્ષક અને પાછળથી આચાર્ય બનેલાં શાહબુદ્દીન રાઠોડની હાસ્ય રચના 'વનેચંદ નો વરઘોડો’ એ તેમની સૌથી લોકપ્રિય થયેલી અને પુસ્તક રૂપે સૌથી વધુ વેચાયેલી હાસ્ય રચના છે. તેમની આ રચનાની પ્રસિદ્ધિથી તેના આંશિક ઉપયોગ દ્વારા ટીવી ચેનલ પર 'પાપડ પોળ’ સિરીયલ બની.

આ વનેચંદનના લગ્ન માટે છોકરી પસંદ કરવાની પ્રક્રિયા હોય કે, તેના વરઘોડામાં ઘોડાનું વર્ણન હોય કે, તેની જાનનું વર્ણન, કે તેના બાળપણના કિસ્સાઓ દરેક પ્રસંગનું એટલું રસપ્રદ રીતે વર્ણન કરવામાં આવે કે કોઇ પણ ઉંમરની કે કોઇ પણ વર્ગની વ્યક્તિ પોતાનું ખુલ્લું અને ખડખડાટ હાસ્ય રોકી ન શકે. ત્યાર બાદ તેમણે હાસ્ય લેખન ક્ષેત્રે ઝંપલાવ્યું અને ૧૦ જેટલા પુસ્તકો લખ્યા.

આ કાર્યક્રમમાં બિહારી હેમુ ગઢવી, દમયંતી બરડાઇ, સંગીતા લાબડિયા, હરેશદાન ગઢવી જેવા લોક ગાયકો અમદાવાદીઓને સોરઠી લોક સાહિ‌ત્યનો આસ્વાદ કરાવશે. આ ભાસ્કર ઉત્સવનો ડાયરો ૬ જુલાઇ, શનિવારે, યુનિવર્સિ‌ટી કન્વેન્શન હોલ ખાતે યોજાશે. જેમાં વહેલા તે પહેલાના ધોરણે સ્થાન મેળવી લેવું જરૂરી છે. આ કાર્યક્રમ માટે કન્વેન્શન હોલના પ નંબરના ગેટથી પ્રવેશ મેળવવાનો રહેશે.