ઇશરત કેસ: અમિત શાહ, કે.આર.કૌશિકને આરોપી બનાવવા અરજી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- સીબીઆઇ, અમિત શાહ અને કૌશિકને નોટિસ, ૨૬મીએ સુનાવણી

ઇશરત જહાં એન્કાઉન્ટરની તપાસ કરી રહેલી સીબીઆઇની તપાસ પર સવાલ ખડા કરી ગોપીનાથ પિલ્લાઇ સીબીઆઇ કોર્ટને તત્કાલીન ગૃહમંત્રી અમિત શાહ અને પૂર્વ પોલીસ કમિશનર કે.આર.કૌશિકને આરોપી બનાવવા અરજી કરી છે. આ અરજીના પગલે સ્પેશિયલ સીબીઆઇ કોર્ટના જજ ગીતાગોપીએ સીબીઆઇ, અમિત શાહ અને કે.આર.કૌશિકને નોટિસ જારી કરી આ અંગેની વધુ સુનાવણી ૨૬મી માર્ચના રોજ નિયત કરી છે.

ઇશરત જહાં એન્કાઉન્ટર કેસની તપાસ કરી રહેલી સીબીઆઇની તપાસ પર સવાલ ખડા કરી ચાર ત્રાસવાદીઓ પૈકીના જાવેદના પિતા ગોપીનાથ પિલ્લાઇએ સીબીઆઇ કોર્ટમાં કરેલી અરજીમાં એડવોકેટ અમરીશ પટેલે રજૂઆત કરી છે કે, સમગ્ર મામલે તપાસ એજન્સીએ બે ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી છે. કેસની તપાસ દરમ્યાન પૂર્વ પોલીસ કમિશનર કે.આર.કૌશિક અને તત્કાલીન ગૃહમંત્રી અમિત શાહની સ્પષ્ટ સંડોવણી બહાર આવી છે.

સીબીઆઇની તપાસમાં ડી.જી.વણઝારાએ એન્કાઉન્ટરના સમયગાળામાં કૌશિક સાથે ૭ વખત, પૂર્વ કમિશનર કૌશિકે પી.પી.પાંડે સાથે ૬ વખત અને વણઝારાએ અમિત શાહ સાથે ૧ જૂનથી એન્કાઉન્ટરના દિવસ એટલે કે ૧પમી જૂન સુધી ૧પ કોલ કર્યા છે. સફેદ દાઢી અને કાળી દાઢીએ ઇશરતને મારી નાંખવા સંમતી આપી હોવાનું પણ સીબીઆઇ સમક્ષ પોલીસ અધિકારીઓએ નિવેદન આપ્યા છે. આ હકીકતો એજન્સીએ ચાર્જશીટમાં રજૂ કરી છે. આ પુરાવાને ધ્યાને લઇને બંનેને આરોપી બનાવવાની રજૂઆત કરાઈ છે. સ્પે.સીબીઆઇ જજ ગીતા ગોપીએ પૂર્વ પોલીસ કમિશનર કે.આર.કૌશિક, તત્કાલીન ગૃહમંત્રી અમિત શાહને નોટિસ જારી કરી આ અંગેની વધુ સુનાવણી ૨૬મી માર્ચે નિયત કરી છે.

હત્યા પાછળનો હેતુ સ્પષ્ટ થયો નથી

સીબીઆઇએ તપાસ બાદ તબક્કાવાર બે ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી છે. જેમાં તપાસ એજન્સી એન્કાઉન્ટરના કાવતરું પુરવાર કરે છે. પરંતુ ચારેયના એન્કાઉન્ટર પાછળનો હેતુ કયો છે તે સ્પષ્ટ થઇ શક્યો નથી. કોર્ટમાં રજૂ કરાયેલી ચાર્જશીટમાં રજૂ કરાયેલા પુરાવા સીઆરપીસીની સેકશન ૩૧૯નો આધાર લઇને બંને આરોપી બનાવી શકે છે.