માસુમ બાળક લિફ્ટમાં રિબાતો રહ્યો, કોઇ બચાવી ન સક્યોઃજુઓ તસવીરો

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ચાંદલોડિયા વિસ્તારમાં આવેલા વિશ્વકર્મા મંદિર પાસેના સોહમા ફ્લેટની ઘટના

લિફ્ટનું પડખું તોડી બાળકની લાશને બહાર કઢાઈ

ચાંદલોડિયા વિસ્તારમાં આવેલા વિશ્વકર્મા મંદિર પાસેના સોહમ ફ્લેટની લિફ્ટમાં ફસાઈ જતાં એક ૧૨ વર્ષીય બાળકનું મોત થતાં ચકચાર મચી ગઈ છે. બાળક ફ્લેટના બીજા અને ત્રીજા માળની વચ્ચે માથું નીચે અને પગ ઉપર હોય તેવી હાલતમાં ફસાયો હતો. ફ્લેટના રહીશોએ બાળકની લાશને લિફ્ટનું પડખું તોડીને બહાર કાઢી હતી.

ફાયરબ્રિગડ પોલીસ અને એફએસએલએ આ બાળક કઇ રીતે લિફ્ટમાં ફસાયો તેની તપાસ હાથ ધરી છે, જ્યારે બનાવમાં એકનો એક દીકરો ગુમાવી દેતાં મૃતક બાળકની માતા બેભાન બની ગઈ હતી, જેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. આ અંગે સોલા પોલીસે અક્સ્માતે મોત નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પંદર દિવસ અગાઉ જ પાલડીમા લિફ્ટમા ફસાઈને એક બાળકનુ મોત નીપજ્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી.

આ બનાવની વિગત એવી છે કે ચાંદલોડિયા વિસ્તારમા આવેલા વિશ્વકર્મા મંદિર પાસેના સોહમ ફ્લેટમાં આજે સાંજે પથી પ:૩૦ વાગ્યાના અરસામાં ગોજારી ઘટના બની હતી.નવા બનેલા સોહમ ફ્લેટમાં ત્રીજા માળે ભાડે મકાન રાખીને મૂળ રાજસ્થાનના અજમેરના ગોકુલભાઈ ચોધરી છેલ્લા પાંચેક મહિ‌નાથી રહેવા આવ્યા હતા.

તેમના પરિવારમાં તેમની પત્ની સંતોષબહેન એક મોટી દીકરી અનીતા એને એક પુત્ર જિતુ ઉર્ફે જિતેન્દ્ર હતા. જિતુ ઉર્ફે જિતેન્દ્રનું એડ્મિશન સ્કૂલમાં નહીં થયું હોવાથી તે હાલ રાજસ્થાનમાં રહીને ધોરણ-૬માં અભ્યાસ કરતો હતો, જ્યારે ગોકુલભાઈ સોલા નજીક કાર્તિ‌ક માર્બલ નામનુ કારખાનું ધરાવે છે. વેકેશન હોવાથી જિતેન્દ્ર માતા-પિતા સાથે રહવા અમદાવાદ આવ્યો હતો.

સાંજના પથી પ.૩૦ વાગ્યાના અરસામાં સંતોષબહેન અને અનીતા ઘરની બહાર નીકળ્યાં ત્યારે લિફ્ટમાં જિતેન્દ્રને ફસાયેલો જોઈને જોરજોરથી ચીસો પાડવા લાગતાં સોહમ ફ્લેટમાં રહેતા લોકો ભેગા થઈ ગયા હતા.આ સમયે ફલેટની લિફ્ટ બીજા માળે ફસાઈ હતી.

લોકો લિફ્ટમાં અંદર જોતાં સમસમી ઊઠયા હતા.જિતેન્દ્રના પગ લિફ્ટની ઉપરની તરફ અને માથું અને ધડ લિફ્ટની નીચેની તરફ ફસાયું હતું. જિતેન્દ્રને બચાવવા સ્થાનિક રહીશોએ પ્રયત્નો શરૂ કરી દીધા હતા, પરંતુ કોઈ પણ રીતે જિતેન્દ્રને બહાર કાઢી શકાય તેમ ન હતો, જેથી સ્થાનિક લોકોએ ૧૦૮ ઇમરજન્સી સેવા અને ફાયરબ્રિગેડને જાણ કરી હતી.જેથી તાત્કાલિક ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને લિફ્ટની એક તરફનું પડખું કાપીને જિતેન્દ્રને બહાર કાઢયો હતો.જિતેન્દ્રને બહાર કઢાયો તે સમયે તેનું મોત નીપજી ચૂક્યું હતું.

આ વાતની જાણ થતાં જ જિતેન્દ્રની માતા સંતોષબહેન આઘાતમાં શરી પડયાં હતાં અને અચાનક બેભાન થઈ ગયા હતા. સંતોષબહેનની તબિયત ખરાબ થતાં તેમને તાત્કાલિક સારવારઅર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. આ ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચીને અકસ્માતે મોત નોંધી જિતેન્દ્ર કઈ રીતે લિફ્ટમાં ફસાયો તેની વિગતો મેળવવા પ્રયાસો હાથ ધર્યા છે.

પાલડીના પુષ્કર-૪માં ૧પ દિવસ પહેલા ૧૧ વર્ષના દેવમનું મોત નિપજ્યું હતું

પાલડીના પુષ્કર-૪ એપાર્ટમેન્ટમાં ૧૧ વર્ષનો દેવમ ૧૪ મે ના સોમવારે બપોરે એપાર્ટમેન્ટની લીફ્ટની બે જાળી વચ્ચે ફસાઇ ગયો હતો. દેવમ લીફ્ટની બે જાળીની વચ્ચે ફસાતા લીફ્ટની જાળી ખુલ્લી હતી તેમ છતાં લીફ્ટ ચાલવા લાગી હતી.જેથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા દેવમનું કરુણ મોત નિપજ્યું હતુ.આ ઘટનાને હજુ માંડ ૧પ દિવસ થયા છે ત્યારે ચાંદલોડિયા સોહમ ફલેટમાં રહેતા ૧૨ વર્ષના જીતેન્દ્રનું લીફ્ટમાં ફસાઇ જવાથી મોત નિપજ્યું છે.

તપાસ હાથ ધરાઈ

અત્યંત વીચીત્ર રીતે લીફ્ટમા માથુ નીચેની તરફ અને પગ ઉપરની તરફ હોય તેવી રીતે બાળકની લાશ મળી આવી છે.બાળક લીફ્ટમા કઇ રીતે ફસાયો તેની વિગતો મેળવવા અમે તપાસ હાથ ધરી છે. જે એમ ભરવાડ, પીઆઇ

બાળક કઈ રીતે ફસાયો તે જાણી શકાયું નથી

બાળક જે રીતે લીફ્ટમા ફસાયુ તે અકુદરતી લાગી રહ્યુ છે.બાળક ફસાયુ તેની ખાસ તપાસ કરાશે હવે જ્યારે લીફ્ટ ચાલુ થશે ત્યાર બાદ જ બાળક કઇ રીતે લીફ્ટમાં ફસાયુ તે જાણવા મળશે. રાજેશ ભટ્ટ, એડી.ચીફ ફાયર ઓફીસર

તમામ તસવીરો પંકજ શુકલા, અમદાવાદ

Related Articles:

સાવધાન! લિફ્ટનો ઉપયોગ કરતા હોવ તો આ ન્યૂઝ અચૂક વાંચો