• Gujarati News
  • GTUના કોન્વોકેશનમાં વડાપ્રધાન, રાષ્ટ્રપતિને બોલાવવાની વિચારણા

GTUના કોન્વોકેશનમાં વડાપ્રધાન, રાષ્ટ્રપતિને બોલાવવાની વિચારણા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) દ્વારા જાન્યુઆરી મહિનામાં યોજાનારા પદવીદાન સમારોહમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી કે માનવ સંસાધન વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાની ચીફ ગેસ્ટ તરીકે બોલાવવા માટેની ગંભીરતાપૂર્વક વિચારણા હાથ ધરી છે. આગામી 22મી જાન્યુઆરીએ યોજાનારા પદવીદાન સમારોહમાં ચીફ ગેસ્ટ તરીકે ઉપરોક્ત ત્રણેય મહાનુભાવોને આમંિત્રત કરાશે.

જીટીયુ, ચાંદખેડા કેમ્પસ ખાતે 22મી જાન્યુઆરીએ સવારે 11.30 કલાકે પદવીદાન સમારોહ યોજવામાં આવ્યો છે, પદવીદાન સમારોહમાં ડિગ્રી, ડિપ્લોમા, પીજી, એન્જિનિયરિંગ, ફાર્મસી, એમબીએ, એમસીએના 43,741 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવનાર છે.

જીટીયુના ઈનચાર્જ રજિસ્ટ્રાર ડો.જી.પી.વડોદરિયાએ જણાવ્યું છે કે, ‘આ પદવીદાન સમારોહમાં ચીફ ગેસ્ટ તરીકે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બોલાવવાની જીટીયુ સત્તાવાળાઓએ ગંભીરતાપૂર્વક વિચારણા હાથ ધરી છે, જેના માટે તેમને આમંત્રણ પાઠવવામાં આવનાર છે. જો તેઓ અન્ય કોઈ કાર્યક્રમને કારણે વ્યસ્ત હશે અને સમારંભમાં હાજર રહેવાના આમંત્રણનો તેમના તરફથી સ્વીકાર કરાય તો પછીથી રાષ્ટ્રપતિ ડો. પ્રણવ મુખર્જી અથવા તો કેન્દ્રીય માનવ સંશાધન વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીને ચીફ ગેસ્ટ તરીકે ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ પાઠવાશે. અમને આશા છે કે તેઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.’

જીટીયુમાં ગ્લાસ ટેકનો.નો કોર્સ આરંભાશે

ગુજરાત ટેકનોલોજીકલયુનિવર્સિટી (જીટીયુ) દ્વારા આઠમી નવેમ્બરના રોજ ફ્રાન્સની ગ્લાસ કંપની સેન્ટ ગોબેન સાથે ગ્લાસ ટેકનોલોજીનો સર્ટીફિકેટ કોર્સ શરૂ કરવા માટે એમઓયુ કરવામાં આવનાર છે. જેના ભાગરૂપે 40થી 45 દિવસનો સર્ટીફિકેટ કોર્સ જીટીયુ કેમ્પસ કે સેન્ટ ગોબેન કંપનીના ભરૂચ-ઝઘડિયા ખાતે આવેલ ગ્લાસના પ્લાન્ટ આસપાસ આવેલી કોલેજમાં ગ્લાસ ટેકનોલોજી અંગેનો સર્ટીફિકેટ કોર્સ શરૂ કરાય તેવી પ્રબળ શક્યતા છે. કોર્સ અન્વયે ગ્લાસ પ્રોસેસિંગ સહિતના પાસાઓને આવરી લેવામાં આવનાર છે.