• Gujarati News
  • અમદાવાદ બ્લાસ્ટના 21 આતંકીની જેલમાં ભૂખહડતાળ

અમદાવાદ બ્લાસ્ટના 21 આતંકીની જેલમાં ભૂખહડતાળ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદસિરિયલ બ્લાસ્ટના સાબરમતી જેલમાં બંધ 21 આતંકીઓ છેલ્લા પાંચ દિવસથી સામૂહિક ભૂખ હડતા‌ળ ઉપર ઉતરી જઈ જેલર સમક્ષ આત્મહત્યા કરી લેવાની ચીમકી ઉચ્ચારતા તમામ સામે રાણીપ પોલીસમાં ફરિયાદ થઈ હતી. જેલની બસો ખોલીમાં બંધ રહેલા આતંકવાદીઓએ સનલાઈટ મેળવવા માટે અને બેેરેકની બહાર ખુલ્લામાં તેમને ફરવા દેવામાં આવે તેવી જેલ સત્તાધીશો સમક્ષ માંગ કરી છે. માંગ પૂરી કરવા માટે તેઓ ભૂખ હડતાળ પર ઉતર્યા છે.

જુલાઈ 2008માં થયેલા અમદાવાદ સિરિયલ બ્લાસ્ટમાં સંડોવાયેલા 47 આતંકવાદીઓ સાબરમતી જેલમાં કારાવાસ ભોગવી રહ્યા છે. સાબરમતી જેલમાં અગાઉ તેમને અભ્યાસ સહિતની છૂટછાટો મળી હતી પરંતુ તેમણે સુરંગકાંડ ખોદી ભાગી જવાનું સુવ્યવસ્થિત કાવતરું રચ્યું હતું. જે પકડાઈ જતા તેમને મળતી તમામ છૂટછાટ પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો હતો.

સુરંગકાંડ પછી તમામ 47 આતંકવાદીઓને બસો ખોલીની અંદર ચાર ખોલીમાં રાખવામાં આવે છે. ખોલીમાં સૂર્યપ્રકાશ નહીંવત મળતો હોવાથી અને તેમને બેરેકની બહાર કાઢવામાં નહીં આવતા ગઈ તા.15 ઓકટોબરથી સામૂહિક રીતે ભૂખ હડતાળ ઉપર ઉતરી ગયા છે.

દરમિયાનમાં મંગળવારે ગ્રુપ નંબર-2ના જેલર પી.કે.પલાતની જેલમાં વિઝિટ હતી. તેઓ જ્યારે આતંકીઓની ખોલી પાસે પહોંચ્યા ત્યારે મોહમંદ સમી બાગવાડા નામના એક આંતકીએ પુન: બેરેકની બહાર ફરવા દેવાની માગણી દોહરાવી હતી અને અમારામાંથી કોઈ એક આત્મહત્યા કરી લેશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. જેથી જેલર પી.કે.પલાતે ભૂખ હડતાળ ઉપર ઉતરી પોતાની જાનનું જોખમ ઊભું કરી તેમજ આત્મહત્યાનો પ્રયાસ કરવા બદલ તમામ 21 સામે રાણીપ પોલીસમાં ફરિયાદ કરી હતી.

21 પૈકીમાં સફદર નાગોરીનો પણ સમાવેશ થતો હોવાનું પોલીસે જણાવ્યું હતું. રાણીપ પોલીસના પીઆઈ કે.ડી.ચંપાવતે કહ્યું કે, ‘ફરિયાદ નોંધવામાં આવી છે અને તપાસ ચાલુ છે.

આતંકીઓને ભૂખ હડતાળ સમેટવા સમજાવાયા

આતંકીઓને ભૂખહડતાળ સમેટવા માટે જેલ સત્તાધીશોએ સમજાવટના પ્રયાસો કર્યા હતા. બ્લાસ્ટ જેવા ગંભીર ગુના અને ઉપરાંત સુરંગકાંડની ઘટનાને ધ્યાને લઈને આવા કેદીને છૂટછાટ આપી શકાય નહીં તેમ જેલ સૂત્રો કહે છે. જેલ સુપરિન્ટેન્ડન્ટ આર.એસ.ભગોરાએ કહ્યું કે, ગઈ તા.15 ઓકટોબરથી 21 આતંકીઓએ ભૂખ હડતાળ કરી છે.’

{ સાબરમતી જેલમાં સુરંગકાંડ બાદ છૂટછાટો પાછી ખેંચાઈ હતી