• Gujarati News
  • ટોલનાકાનો કોન્ટ્રાક્ટ નીચા ભાવમાં આપી દેવા જબરું પ્લાનિંગ થયું હતું

ટોલનાકાનો કોન્ટ્રાક્ટ નીચા ભાવમાં આપી દેવા જબરું પ્લાનિંગ થયું હતું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ-અમદાવાદહાઇવે પર સરકાર અને કોન્ટ્રાક્ટરની મિલિભગતથી રૂ.7.34 કરોડના નીચા ભાવે કોન્ટ્રાક્ટ અાપ્યો હતો તે પહેલા સરકાર દ્વારા બન્ને ટોલનાકા પર ટોલની વસૂલાત કરવામાં આવતી હતી. દરમિયાન વાહનચાલકો પાસેથી ટોલટેક્સની વસૂલાત કર્યા વગર વાહનોને જવા દેવામાં આવતા હતા.

બામણબોર-બગોદરા ટોલ પ્લાઝાનો 27 ઓગસ્ટ, 2014 થી શિવા કોર્પોરેશન નામની પેઢીને રૂ.43.49 કરોડમાં કોન્ટ્રાક્ટ અપાયો છે. પહેલા 23 ઓક્ટોબર, 2013 થી 26 ઓગસ્ટ, 2014 સુધી માર્ગ-મકાન વિભાગ દ્વારા કોન્ટ્રાક્ટ અપાયા વગર ખાતાકીય રીતે ટોલટેક્સની વસૂલાત કરવામાં આવતી હતી.

સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ રાજ્ય સરકાર દ્વારા ટોલનાકામાંથી ઓછા વાહનો પસાર થતા હોવાનું કાગળ પર દેખાડવા માટે ખાતાકીય રીતે 10 માસ સુધી ટોલટેક્સની વસૂલાત કરી તે સમય દરમિયાન જે વાહનચાલકો સ્વૈચ્છિક રીતે ટોલની રકમ આપે તેની પાસેથી ટોલની વસૂલાત કરવામાં આવતી હતી. અન્ય વાહનચાલકોને મફતમાં ટોલનાકામાંથી ટોલટેક્સ લીધા વિના જવા દેવામાં આવતા હતા.

10 માસ સુધી સરકારે ખાતાકીય રીતે ટોલટેક્સની રૂ.32.44 કરોડની વસૂલાત કરી હતી. ટોલટેક્સ અંગે હાઇકોર્ટમાં ચાલતા કેસનો નિકાલ થતાં નવો કોન્ટ્રાક્ટ આપવા માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે. વર્તમાન કોન્ટ્રાક્ટ અપાયો તે પહેલા એટલે કે વર્ષ 2012-13માં આયુષ્ય અજય લી.(ઇન્ડોર)ને રૂ.50.83 કરોડમાં વાર્ષિક કોન્ટ્રાક્ટ આપવામાં અાવ્યો હતો. ત્યારબાદ ચાલુ વર્ષનો કોન્ટ્રાક્ટ સરકાર અને કોન્ટ્રાક્ટરની મિલિભગતથી રૂ.7.34 કરોડના નીચા ભાવે રૂ.43.49 કરોડમાં આપી દેવાયો છે. રૂપિયા સાત કરોડ જેટલી રકમથી નીચા ભાવે કોન્ટ્રાક્ટ અપાતા સરકારની આવક પર ફટકો પડશે.

વાહનોની સંખ્યા વધી છતાં ટોલનાકાનો કોન્ટ્રાક્ટ નીચા ભાવે શા માટે અપાયો, ઉઠતો વેધક સવાલ

રાજ્યમાં છેલ્લાએક દસકામાં કાર સહિતના કોમર્શિયલ વાહનોની સંખ્યામાં મોટો વધારો થયો છે. જે રાજ્ય સરકારના વાહન વ્યવહાર ખાતાના આંકડા પરથી સાબિત થાય છે. આમ છતાં રાજ્ય સરકાર દ્વારા નીચા ભાવે રાજકોટ -અમદાવાદ હાઇવે પર અાવેલા બામણબોર અને બગોદરા ટોલનાકાનો વાર્ષિક કોન્ટ્રાક્ટ નીચા ભાવે આપવામાં આવ્યો છે. છેલ્લા 5 વર્ષથી કોન્ટ્રાક્ટની રકમમાં સતત વધારો થતો હતો ત્યારે ચાલુ વર્ષે રૂ.7 કરોડના નીચા ભાવે કોન્ટ્રાક્ટ અપાતા સરકારની નીતિ સામે અનેક પ્રશ્નો ઊભા થઇ રહ્યા છે.