• Gujarati News
  • ટેક્સ્ટાઈલ ઉદ્યોગના વિકાસ માટે સ્કિલ્ડ મેનપાવર જરૂરી : ગંગવાર

ટેક્સ્ટાઈલ ઉદ્યોગના વિકાસ માટે સ્કિલ્ડ મેનપાવર જરૂરી : ગંગવાર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત સહિત દેશમાં ટેક્સ્ટાઈલ અને ગારમેન્ટ ઉદ્યોગના વિકાસ માટે જરૂરી મેનપાવર તો છે પરંતુ સ્કિલ્ડ મેનપાવરની ખૂબ કમી છે. જો સ્કિલ્ડ મેનપાવર મળી રહે તો કાપડ ઉદ્યોગનો વિકાસ ખૂબ ઝડપી થઈ શકે છે. માહિતી આપતા કેન્દ્રના રાજ્યકક્ષાના ટેક્સ્ટાઈલ મંત્રી સંતોષકુમાર ગંગવારે વધુમાં જણાવ્યું કે, આજના સમયમાં જરૂરિયાત મુજબ વિદેશથી સ્કિલ્ડ મેનપાવર મંગાવવા પડે છે. પ્રસંગે તેમણે ગુજરાત ગાર્મેન્ટ મેન્યુફેક્ચર્સ એસો. દ્વારા ગારમેન્ટના ઓનલાઈન વેચાણને પ્રોત્સાહન માટે તૈયાર કરાયેલા મોબાઈલ એપ્સનું પણ લોન્ચિંગ કર્યું હતું.

ગંગવારે જણાવ્યું કે, આજે ટેક્સ્ટાઈલ પાર્કની બાબતમાં રાજ્ય દેશમાં આગળ છે અને ટેક્નિકલ ટેક્સ્ટાઈલ ઉદ્યોગને હવે પ્રોત્સાહન મળતા આગામી સમયમાં અમદાવાદ ફરી માન્ચેસ્ટર બનવા તરફ આગળ વધી રહ્યું છે.

રાજ્યના નાણામંત્રી સૌરભ પટેલે જણાવ્યું કે, જો કોઈ સંસ્થા કે વ્યક્તિ ટેક્સ્ટાઈલ પાર્ક કે તેને લગતા અન્ય પાર્ક બનાવવા માગતો હોય તો તેના માટે સરકાર પોઝિટિવ છે અને તેને સંપૂર્ણ મદદ કરવામાં આવશે. વધુમાં ઉદ્યોગને હવે મોર્ડનાઈઝેશનની જરૂર છે. પહેલા ગુજરાતમાં સ્પિનિંગ-પ્રોસેસિંગ કામગીરી થતી હતી પરંતુ હવે સુવિધાઓ મળી રહી છે. જોકે તેના માટે સ્કિલની જરૂરિયાત પર ભાર મૂકતા તેમણે જણાવ્યું કે જો મહિલાઓને વધુ ટ્રેન્ડ કરશો તો ઉદ્યોગમાં સ્થિરતા આવશે. ન્યુ ક્લોથ માર્કેટના મસ્કતી મહાજન હોલમાં યોજાયેલા કાર્યક્રમમાં ટેક્સ્ટાઈલ ઉદ્યોગ સાથે સંકળાયેલા મસ્કતી કાપડ માર્કેટ મહાજન, પાંચ કૂવા કાપડ માર્કેટ મહાજન, ન્યુ ક્લોથ માર્કેટ, અમદાવાદ ટેક્સ્ટાઈલ પ્રોસેસર એસો., પાવરલુમ ડેવલપમેન્ટ એન્ડ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ ગુજરાત, શટલલેસ લુમ્સ એસો. અને ધી ગુજરાત ગારમેન્ટ મેન્યુફેક્ચરર્સ એસો.ના સહયોગથી યોજાયેલા કાર્યક્રમમાં તમામ એસો.ના પ્રમુખોએ ઉદ્યોગને લગતી સમસ્યાઓ અંગે કાપડ મંત્રીને આવેદનપત્ર પણ આપ્યું હતું.