અમદાવાદ : 17000 પોલીસ કર્મચારીઓની ભરતી માટે હાલમાં ફોર્મ ભરવાની કાર્યવાહી ચાલી રહી છે.જેમાં 10 લાખ ફોર્મ ભરાવવાનો અંદાજ છે.જો કે પોલીસ કર્મચારીઓની ભરતી પ્રક્રિયા સરળ રીતે અને જલદી પૂરી થાય તે માટે હવેથી ફિઝિકલ ટેસ્ટ પહેલા લેખિત પરીક્ષા લેવાનો નિર્ણય લેવાયો છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા 7500 પોલીસ કર્મચારીઓ માટે યોજાયેલી ભરતી પ્રક્રિયામાં 6 લાખ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા.
લેખિત પરીક્ષા પાસ કરનારનો જ ફિઝિકલ ટેસ્ટ લેવાશે, 17 હજારની ભરતી થવાની છે
હાલમાં ચાલી રહેલી 17000 પોલીસ કર્મચારીઓની ભરતીમાં 10 લાખ ફોર્મ ભરાય તેવી શક્યતા છે.આ તમામની ફિઝિકલ ટેસ્ટ લેવામાં 6 મહિના લાગે તેમ છે.જેથી ભરતીના નિયયોમાં થોડો ફેરફાર કરીને પહેલા લેખિત પરીક્ષાનો નિર્ણય લેવાયો છે.લેખિત પરીક્ષા પાસ કરનાર ઉમેદરવારોની જ ફિઝિકલ પરીક્ષા લેવાશે.લેખિત પરીક્ષામાં સરેરાશ 15 થી 20 ટકા ઉમેદરવાર પાસ થાય તેવી સંભાવના છે.જેથી પાસ થનારા 1.50 થી 2 લાખ ઉમેદવારોની ફિઝિકલ પરીક્ષા લેવાશે.
મહિલા ઉમેદવારે 9.30 મિનિટમાં 1600 મીટર દોડવું પડશે
મહિલા ઉમેદવારોએ 1600 મીટરની દોડ 9.30 મિનિટમાં પૂરી કરવાની રહેશે.જે મહિલા 7 મિનિટમાં દોડ પૂરી કરશે તેને 25 માર્ક.7.00 થી 7.30 મિનિટમાં દોડ પૂરી કરશે તેને 23 માર્ક,7.30 થી 8.00 મિનિટમાં પૂરી કરનારને 21 માર્ક,8.00 થી 8.30 મિનિટમાં પૂરી કરનારને 18 માર્ક,8.30 થી 9.00 મિનિટમાં પૂરી કરનારને 15 માર્ક અને 9 થી 9.30 મિનિટમાં પૂરી કરનારને 10 માર્ક મળશે.
પુરુષ માટે 25 મિનિટમાં 5 કિમી દોડ
પુરુષ ઉમેદવારોએ 25 મિનિટમાં 5 કિલોમીટર દોડવું પડશે,નહીં તો તે ફેલ ગણાશે.જ્યારે 30-30 સેકન્ડ જલદી દોડ પૂરી કરનાર ઉમેદવારને 5-5 માર્ક વધારે આપવામાં આવશે.જો કે અગાઉની પરીક્ષાઓમાં દોડ જલદી પૂરી કરનાર ઉમેદરવાને આ રીતે વધારાના માર્ક આપવામાં આવતા ન હતા.
ઝડપી ભરતી માટે નિર્ણય કરાયો છે
ભરતી પ્રક્રિયા જલદી પૂરી થાય તે માટે જ લેખિત પરીક્ષા પહેલા લેવાનો નિર્ણય લેવાયો છે.આનાથી પરીક્ષાની કામગીરીમાં જોડાયેલા પોલીસ અધિકારીઓ તેમજ ઉમેદવારો બંનેનો સમય બચશે. ભરતી પ્રક્રિયામાં આજદિન સુધીમાં 4 લાખ ઉમેદવારોના ફોર્મ ભરાયા છે.જ્યારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 30 જુલાઇ છે. -જી. એસ. મલેક,પોલીસ કર્મચારીની ભરતી બોર્ડના ચેરમેન