અમદાવાદ : મહિલા પોલીસ મથકમાં રૂ. 7 લાખની લાંચ લેવાના કેસમાં એડ્વૉકેટ નોટરી ઉમા પંચાલને કાયમી જામીન ન આપવા એન્ટિ કરપ્શન બ્યુરો (એસીબી)એ બુધવારે સ્પેશિયલ કોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું હતું. લાંચની ચલણી નોટો પર ઉમા પંચાલના ફિંગર પ્રિન્ટ મળી આવ્યા હોવાથી પ્રથમ દર્શનીય સંડોવણી જણાઈ આવતી હોવાનો સોગંદનામામાં ઉલ્લેખ કરાયો છે. સોગંદનામાને પગલે એડ્વૉકેટની કાયમી જામીન અરજી પરનો ચુકાદો સ્પેશિયલ કોર્ટના ન્યાયાધીશ એ. આઇ. શેખે અનામત રાખ્યો છે.
લાંચકેસમાં જામીન ન આપવા ACBનું સોગંદનામું
મહિલા પોલીસ મથકમાં 12મી જુલાઈએ એસીબીએ છટકું ગોઠવી એડ્વોકેટ નોટરી ઉમા પંચાલ સહિત બે મહિલા પોલીસ કોન્સ્ટેબલને રૂ. 7 લાખની લાંચ લેતાં રંગેહાથ ઝડપી લીધાં હતાં. ઉમા પંચાલે કાયમી જામીન મેળવવા કરેલી અરજીની સુનાવણીમાં એસીબીએ સોંગદનામું કરી રજૂઆત કરી છે કે લાંચ લેતાં સમયે સોડિયમ કાર્બોનેટના દ્વાવણથી હાથ ધોવડાવતાં તેમના હાથ પરથી લાંચની રકમ પર લગાવેલા ફિનોથેલિન પાઉડરની હાજરી મળી આવી છે. આરોપી તપાસમાં સહકાર આપતાં નહોતાં. આરોપી અને ફરિયાદીની વાતચીતના રેકોર્ડની વોઈસ સેમ્પલની મેળવી ચકાસણી અર્થે મોકલી આપવાના છે. રજૂઆત બાદ ચુકાદો અનામત રખાયો છે.