અમદાવાદ : ‘પૉકેમોન ગૉ’ ક્રેઝી યુવાનો પૉકેમોનને શોધી રહ્યાં છે ત્યારે સિટી ભાસ્કરે એક્સપર્ટની મદદથી જાણ્યું કે સિટીમાં 196 પૉકેસ્ટેશન અને 53 પૉકેજિમ છે. કોમ્પ્યુ. એન્જિ. અને બ્લોગર-વેબડિઝાઈનર દિવ્યરાજ ઝાલાએ ટેકનોલોજીની મદદથી અને વિવિધ સ્થળોએ ફરીને પૉકેમેપ તૈયાર કર્યો છે જેમાં પૉકેસ્પોટ દર્શાવાયા છે. તેમના જ શબ્દોમાં જાણીએ કે તેમણે આ કેવી રીતે કર્યુ. તેઓ પૉકેમોન શોધી તેને તાકાતવર બનાવવાની ટીપ્સ પણ આપે છે.
મોન્સ્ટર હન્ટ: સિટીભાસ્કરે એક્સપર્ટ પાસેથી જાણ્યા પૉકેમોનના ઠામ-ઠેકાણા
‘પૉકેમોન ગૉ’ જેણે બનાવી છે તે જ જાપાની કંપની નિઆન્ટિકે અગાઉ ઈન્ગ્રેસ નામની જીપીએસ બેઈઝ્ડ ગેમ બનાવી હતી. જેમાં ગૂગલ મેપના આધારે વિવિધ સ્થળોએ પોર્ટલ રાખવામાં આવ્યા હતા. ઈન્ગ્રેસમાં આ પોર્ટલ મેળવવા માટે એનલાઈટેન્ડ અને રેસિસ્ટેન્સ એ બે ટીમો વચ્ચે ફાઈટ કરાવામાં આવતી. જે જીતે તેને પોર્ટલની માલિકી મળતી. એ ગેમ બહુ ચાલી નહોતી. પૉકેમોન પણ જીપીએસ બેઈઝ્ડ ગેમ હોવાથી મને ઈન્ગ્રેસ યાદ આવી. મેં એ ગેમની વેબ પરથી એ મેપ મેળવ્યો જેમાં પોર્ટલ્સનું સ્થાન દર્શાવેલુ હતુ. એ મેપ અમદાવાદના નકશા પર પ્લેસ કર્યો.
એ મુજબના કેટલાક સ્થળોએ ફર્યો એટલે તરત જ અંદાજ આવ્યો કે જ્યાં જ્યાં અગાઉ ઈન્ગ્રેસના પોર્ટલ્સ હતા ત્યાં ત્યાં ‘પૉકેમોન ગૉ’ના પોકેજિમ અથવા પૉકેસ્ટોપ હતા. હવે માત્ર એ જ જોવાનું બાકી હતું કે નકશામાં જ્યાં પોર્ટલના સ્પોટ દર્શાવેલા છે ત્યાં પૉકેજિમ છે કે પૉકેસ્ટોપ? હું ‘પૉકેમોન ગૉ’ ઓન કરીને અમદાવાદના વિવિધ સ્થળો પર જ્યાં પોર્ટલ્સ હતા ત્યાં ફરવા લાગ્યો અને પૉકેજિમ અને પૉકેસ્ટોપ માર્ક કરતો ગયો. આ કામમાં મિત્રોની પણ મદદ લીધી અને સિટીના પૉકેજિમ અને પૉકેસ્ટોપનો ડેટા તૈયાર કર્યો. આ માહિતી ભેગી કરી તેનું મેપમાં માર્કિંગ કર્યુ.
પોકેજિમ એટલે શું?
જ્યાં પૉકેમોન્સની ફાઈટ થાય છે તે પૉકેજિમ તરીકે ઓળખાય છે. જીપીએસ ઓન કરતા તમારા ડેસ્ટિનેશનની નજીકના સ્થળ પર એ જોવા મળે છે. જિમમાં ફાઈટમાં જે જીતે તે પૉકેમોન્સ શક્તિશાળી મળી છે. મંદિર, પાર્ક અને મોલ જેવા પબ્લિક પ્લેસ પર પૉકેજિમ વધારે જોવા મળે છે.
પોકેસ્ટોપ એટલે શું?
પૉકેસ્ટોપને આ ગેમ માટેનું મુખ્ય સ્ટેશન માનવામાં આવે છે. આ સ્ટોપ પર જવાથી તમને પૉકેમોન્સને આકર્ષિત કરવાના મોડ્યુલ્સ ફ્રીમાં મળે છે. જે સામાન્ય રીતે ખરીદવા પડે છે. પૉકેસ્ટોપ પરથી ફ્રીમાં મળતા લ્યોર મોડ્યુલની મદદથી 30 મિનિટ સુધી પૉકેમોન્સને આકર્ષી શકાય છે.
કેવી રીતે નક્કી થયુ છે પૉકેમોન્સનું પ્લેસમેન્ટ
જે સ્થળોએ લોકોનો ધસારો વધારે હોય તે સ્થળોને જીપીએસના આધારે લૉકેટ કરીને ત્યાં અલગોરિધમના આધારે પૉકેમોન્સ પ્લેસ કરવામાં આવ્યા છે.
‘પૉકેમોન ગૉ’ ટીપ્સ
-પૉકેમોન પકડવા ફરતા રહેવું ખુબ જરૂરી છે. કારણ કે પૉકેમોન્સ પણ ફરતા રહે છે.
-રાત્રિના સમયે, દિવસના સમયે અને વરસાદના સમયે પૉકેમોન્સ અલગ અલગ હોય છે. વાતાવરણ પ્રમાણે તેમના રંગ-રૂપ બદલતા રહે છે.
-પૉકેમોન જે પ્રકારના હોય તે જ પ્રકારના પૉકેમોન સામે લડાવવા. જેમ કે તમારું પૉકેમોન પાણીનું પૉકેમોન હોય તો તેને પાણીના પૉકેમોન સાથે જ લડાવો.
-તમારું પૉકેમોન કમજોર હોય તો હાઈપાવરના પૉકેમોન સામે લડાવવું નહીં.
-તમારી પાસે વધારે પૉકેમોન હોય તો જ ફાઈટ કરાવવાનું પસંદ કરો.