કોર્પોરેટરને મળવા 10 કિ.મી. લાંબા થવું પડશે, દરેક વોર્ડનો સરેરાશ વિસ્તાર વધ્યો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ: નવા વોર્ડ સીમાંકનમાં હવે નાગરિકોને પોતાના વિસ્તારની ગટર, પાણી, રસ્તાની સમસ્યા માટે કોર્પોરેટરને મળવા દૂરના સ્થળે જવું પડશે એનું કારણ એ છે કે 64 વોર્ડમાંથી 48 વોર્ડ થઈ જતાં દરેક વોર્ડનો એવરેજ વિસ્તાર 10 કિલોમીટરનો થઈ ગયો છે. અગાઉ 64 વોર્ડમાં એવરેજ વિસ્તાર સાત કિલોમીટરનો હતો.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નવા વોર્ડ સીમાંકનમાં કોંગ્રેસનો ગઢ ગણાતા વોર્ડ તો ભાજપે કાપી નાખ્યા તેની સાથોસાથ લઘુમતી નેતાગીરી અને લઘુમતી મતદારોનો છેદ ઉડાડવાનો પ્રયાસ કરાયો. લઘુમતી નેતાગીરીનું પ્રભુત્વ હોય તેવા વિસ્તારોને એ રીતે આસપાસના વોર્ડમાં વિભાજીત કરાયા કે કોઈ પણ ઉમેદવાર લઘુમતી મતોથી જીતી ન શકે અને લઘુમતી મતદારોનું જે તે વોર્ડમાં પ્રભુત્વ પણ ન રહે. નવા સીમાંકન પ્રમાણે લઘુમતીના વર્ચસ્વવાળા ઘણા ખરા વોર્ડ આખેઆખા કાપી નખાયા અને જે વોર્ડ રહ્યા છે તેમાં દલિત, અન્ય જ્ઞાતિ સમીકરણો, અનામત વગેરેનું વિઘ્ન હોવાના કારણે માંડ ગણ્યાગાંઠ્યા લઘુમતી ઉમેદવારોને ટિકિટ મળી શકે તેમ છે.
લઘુમતી મતદારો મહત્વના બની રહેતા હતા તેવા દરિયાપુર, રાયખડ, રખિયાલ, રાજપુર વોર્ડ આખેઆખા કાપી નાખી અન્ય આસપાસના વોર્ડમાં મર્જ કરી દીધા. અન્ય જે વોર્ડ રાખવામાં આવ્યા છે તેમાં જમાલપુર, સરખેજ, મક્તમપુરા, બહેરામપુરા, દાણીલીમડા અને ગોમતીપુરનો સમાવેશ થાય છે. પરંતુ આ દરેક વોર્ડમાં પ્રથમ બન્ને બેઠકો મહિલા અનામત ઉપરાંત બાકીની બેમાં અનસૂચિત જાતિ માટે પણ અનામત રખાઈ છે. જમાલપુર બેઠક પર કદાચ બે લઘુમતી ઉમેદવારોને ટિકિટ મળી શકે, સરખેજમાં ચાર પૈકીની બે મહિલા અનામત અને બાકીની બેમાં પછાત વર્ગ અને અનૂસૂચિત જાતિની છે. એટલે આ બેઠક પર એક લઘુમતી ઉમેદવારને મળી શકે. મક્તમપુરા નવો વોર્ડ છે એટલે અસમંજસની સ્થિતિ છે.
જયારે બહેરામપુરામાં બે સીટ છે પણ અહીં દલિત મતદારો પણ છે એટલે લઘુમતી ઉમેદવારને જ ટિકિટ અપાય એ સંભવત શક્ય નથી. દાણીલીમડામાં પણ કંઈક આવું જ ફેક્ટર કામ કરે છે. જ્યારે ગોમતીપુરમાં એક બેઠક પર ટિકિટ મળી શકે. આમ, ઉક્ત આ વોર્ડમાં વધુમાં વધુ નવ અને ઓછામાં ઓછા સાત લઘુમતી ઉમેદવારોને ટિકિટ મળી શકે. જેની સામે વર્તમાન સ્થિતિમાં 20 લઘુમતી સભ્યો છે.
આનંદીબહેન અને પ્રદીપસિંહ સહિત કુલ 4ના મતવિસ્તારમાં એક પણ વોર્ડ કપાયો નહીં
આખા વોર્ડ સીમાંકનમાં કેટલીક સ્થિતિ આંખે ઉડીને સામે આવે તેવી છે. જેમાં ખાસ કરીને, ચાર વિધાનસભા મતવિસ્તાર એવા છે કે જેમાં એક પણ વોર્ડ કપાયા નથી. તેમાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલનો ઘાટલોડિયા મતવિસ્તાર, પ્રદીપસિંહ જાડેજાનો વટવા મતવિસ્તાર, બાબુ જમના પટેલનો દસ્ક્રોઈ મતવિસ્તાર અને કિશોર ચૌહાણનો વેજલપુર મતવિસ્તારનો સમાવેશ થાય છે. અન્ય તમામ 13 વિધાનસભાના વોર્ડ કપાયા છે.