રાજ્યભરમાં જામતો ચોમાસું માહોલ, સર્વત્ર વાવણી લાયક વર્ષાના એંધાણ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ: દક્ષિણ પૂર્વ રાજસ્થાન અને તેને અડીને આવેલા વિસ્તારો ઉપર અપરએર સાઈક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સર્જાઈ છે. વધુમાં દક્ષિણ પશ્ચિમ મોન્સૂન તેમજ ઉત્તરિય મોન્સૂન પણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ઉપર સક્રિય થતા રવિવારથી રાજ્યના ઘણાં વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. 

બીજી બાજુ શુક્રવારથી શરૂ થયેલા વાદળછાયા વાતાવરણ વચ્ચે રાજ્યભરમાં મહત્તમ અને લઘુતમ તાપમાનમાં ઘટાડો નોંધાતા લોકોને ગરમી અને બફારાથી રાહત મળી છે. વધુમાં દર વર્ષે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળે છે ત્યારે સામાન્ય રીતે યાત્રા પર વરસાદના અમી છાંટણા થતા હોય છે. પરંતુ આ વખતે અમદાવાદ સહિત રાજ્ય પર ચોમાસુ સક્રિય થતા રથયાત્રા દરમિયાન સારો વરસાદ પડે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
 
આખો દિવસ ઉકળાટ રહ્યા બાદ  રાત્રે શહેરમાં વરસાદ તૂટી પડ્યો
 
સોમવારે સાંજે ઝરમરિયા વરસાદ બાદ રાત્રે વીજળીના કડકા-ભડાકા સાથે મેઘ પધરામણી થઈ હતી અને લગભગ આખા શહેરમાં સારો વરસાદ પડ્યો હતો. અડધો કલાક પડેલા ઝાપટામાં શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. શહેરના પૂર્વ ઝોન,  ઉત્તર  ઝોન, દક્ષિણ ઝોન સહિત બોપલ, સાણંદમાં વરસાદ પડ્યો હતો.

સોમવારે ગરમીની સાથે ઉકળાટ પણ વધતાં વાદળો ઘેરાયા હતા.સાંજ પડતા સુધીમાં તો કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયો વરસાદ પડ્યો હતો. જ્યારે રાતના 10 વાગ્યા પછી પછી તો શહેરના મોટા ભાગના વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે ઝાપટું પડ્યું હતું.  ગોતા, એસ.જી. હાઇવે, આશ્રમ રોડ, ગુરુકુલ, થલતેજ, રાણીપ, ઘાટલોડિયા, ચાંદલોડિયા, કે.કે નગર, ભૂયંગદેવ, સોલા રોડ, એલિસબ્રિજ, નારોલ, નરોડા, બાપુનગર, નિકોલ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.
 
આગળ વાંચો, બફારાથી ત્રસ્ત લોકોએ વરસાદમાં નાહવાનો ભરપૂર આનંદ માણ્યો