વિદ્યાર્થીને ગોલ્ડન કરિયરની ગેરેન્ટી આપતા ત્રણ કોર્સ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધો. 12 કોમર્સ બાદ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ, કંપની સેક્રેટરી અને ICWA એમ ત્રણ વ્યવસાયી કોર્સ પૂર્ણ કરનાર માટે નોકરી પહેલાંથી જ રાહ જોતી હોય છે તેથી તેના તરફ વિદ્યાર્થીઓમાં વધુ જોક જોવા મળે છે.
અમદાવાદ: ધો. 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે અનેક પ્રવાહો છે, જેમાં ટ્રેડિશનલ કોર્સીસ, બી.કોમ., બી.બી.એ., બી.સી.એ., તો છે પરંતુ ગુજરાત યુનિવર્સિટી દ્વારા પાંચ વર્ષીય એમ.એસ.સી. (I.T.) અને ઇન્ટિગ્રેટેડ M.B.A. ચલાવાય છે જે સામાન્ય રીતે વ્યવસાયિક કોર્સ કહી શકાય.
આ ઉપરાંત ત્રણ કેન્દ્ર સરકાર માન્ય ત્રણ વ્યવસાયી કોર્સમાં પણ પ્રવેશ મેળવી શકાય છે. જેમાં મુખ્યત્વે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ દ્વારા ચલાવાતા સી.એ.નો કોર્સ છે, આ કોર્સના સી.પી.ટી. (પ્રવેશ કોર્સ) ધો. 12 પછી મેળવી શકાય છે. આ કોર્સ કોઈપણ ડિગ્રી કોર્સ સાથે કરી શકાય છે. વર્તમાન સમયમાં નાણાકીય આયોજન, કરવેરા આયોજન, પ્રોજેક્ટ પ્લાનિંગ માટે આ કોર્સની સૌથી વધુ માંગ છે. આ કોર્સ કર્યા પછી સ્વતંત્ર પ્રેક્ટિસ કરી શકાય છે, તેમજ તમામ ઔદ્યોગિક ગૃહોમાં નોકરીની તકો પણ ઉજ્જ્વળ છે. લગભગ 4,00,000/-થી 5,00,000/- સુધીના પેકેજ પ્રથમ દિવસથી આ ડિગ્રી મેળવનાર પ્રાપ્ત કરી શકે છે.
દ્વિતીય કોર્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી દ્વારા ચાલતો કંપની સેક્રેટરી (સી.એસ.)નો કોર્સ છે. આ કોર્સમાં પણ ધો. 12ના વિદ્યાર્થી ફાઉન્ડેશન કોર્સમાં જોડાઈ શકે છે. આ કોર્સ પાસ કરી ડિગ્રી મેળવનાર વિદ્યાર્થી હવે કંપનીના કાયદાના સલાહકાર તરીકે સ્વતંત્ર પ્રેક્ટિસ કરી શકે છે. તેમ જ તમામ કોર્પોરેટ એકમમાં કંપની સેક્રેટરીની નિમણૂક ફરજિયાત હોઈ 4થી 5 લાખના પેકેજથી નોકરી પણ પ્રાપ્ત કરી શકે છે.
તૃતિય કોર્સ ઈન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એન્ડ વર્ક્સ એકાઉન્ટન્ટ દ્વારા ચાલતો ICWAનો કોર્સ છે, આ કોર્સમાં ધો. 12 પછી એન્ટ્રન્સ કોર્સમાં જોડાઈ આ ડિગ્રી પ્રાપ્ત કરી શકાય છે. આ કોર્સ કરનાર વ્યક્તિ તમામ ઉત્પાદન કંપનીઓના કોસ્ટ ઓડિટ માટે સ્વતંત્ર પ્રેક્ટિસ પણ કરી શકે છે, તેમ જ 4થી 5 લાખની શરૂઆતથી જ ઉત્પાદન કરતા ઔદ્યોગિક ગૃહોમાં નોકરી પ્રાપ્ત કરી શકાય છે. આ ત્રણેય કોર્સથી નોકરી તેમ જ વ્યવસાયની ઉજળી તકો છે, ઉપરાંત તમામ ડિગ્રી પરદેશમાં પણ ઉપયોગી નીવડે છે.
ઉપરોક્ત ત્રણ વ્યવસાયિક ડિગ્રી ઉપરાંત તાજેતરમાં સમગ્ર ભારતમાં તેમ જ પરદેશમાં સૌથી વધુ માંગ ધરાવતો વ્યવસાય નર્સિંગનો છે. બી.એસ.સી. નર્સિંગ માત્ર સાયન્સના વિદ્યાર્થી કરી શકે છે, પરંતુ જર્નલ નર્સિંગ (GNM) કોર્સના વિદ્યાર્થીઓ પણ કરી શકે છે. આ કોર્સ પણ ત્રણ વર્ષનો છે અને જેમાં નોકરીની તકો ખૂબ જ ઉજળી છે.આ ઉપરાંત ધો. 12 કોમર્સના વિદ્યાર્થીઓ વર્તમાન સમયમાં પરફોર્મિંગ આર્ટ્સની ડિગ્રી મેળવી જુદીજુદી ટી.વી. ચેનલ તેમ જ મીડિયામાં ખૂબ સારી નોકરી તેમ જ સારા આર્થિક ઉપાર્જનની તકો મેળવી શકે છે. -ડો. સૌરભ ચોક્સી, ગુજરાત યુનિવર્સિટિ B.com, BBA, BCA પ્રવેશ કમિટી કોઓર્ડિનેટર