અમદાવાદ: કાલુપુર રેલવે સ્ટેશન અને વટવા વચ્ચે 7.5 કિલોમીટર લાંબો ત્રીજો રેલટ્રેક નાખવાની કામગીરી શરૂ કરાઈ છે. ત્રીજો ટ્રેક માર્ચ, 2017 સુધીમાં કાર્યરત્ કરી દેવાશે. કાલુપુર સ્ટેશને માત્ર બે ટ્રેક હોવાથી લાંબા અંતરની ટ્રેનોને પ્લેટફોર્મ ઉપર પહોંચતાં પહેલાં કાંકરિયા યાર્ડમાં ઊભી રાખવી પડે છે. જેને પગલે મુસાફરોનો મણિનગરથી કાલુુપુર પહોંચતાં 30 મિનિટથી વધુ સમય વેડફાય છે. વટવા સુધીના નવા ટ્રેકને કારણે મુસાફરોની આ મુશ્કેલી દૂર થશે.
બે ટ્રેકને કારણે અત્યારે ટ્રેનોને કાંકરિયા યાર્ડ રોકવી પડે છે
રેલવે પ્રવક્તાએ જણાવ્યું કે, ટ્રેનોની અવરજવર માટે અત્યાર સુધી મુખ્ય બે જ લાઇન છે. પ્લેટફોર્મ પર ટ્રેન ઊભી હોય કે રવાના થવાની હોય ત્યારે આવતી ટ્રેનને કાંકરિયા યાર્ડમાં ઊભી રાખી દેવાય છે. એ જ રીતે એક ટ્રેક પર ગુડ્સ ટ્રેન પસાર થતી હોય ત્યારે પણ આ સ્થિતિ સર્જાય છે. આથી મુસાફરોને મણિનગરથી કાલુપુર પહોંચતાં 30થી 40 મિનિટનો સમય લાગે છે.
મુસાફરોની આ સમસ્યા દૂર કરવા રેલવે તંત્રે કાલુપુરથી વટવા વચ્ચે ત્રીજો ટ્રેક નાખવાની શરૂઆત કરાઈ છે, જે માર્ચ, 2017 સુધીમાં કાર્યરત્ કરવાનું આયોજન છે. ત્રીજી લાઈન શરૂ થયા બાદ સાબરમતીથી અમદાવાદ થઈ વટવા સુધી 15 કિલોમીટર લાંબી ચોથી લાઇન નખાશે. આ પ્રોજેક્ટને પણ રેલવે તંત્રે મંજૂરી આપી છે અને માર્ચ, 2020 સુધીમાં આ કામગીરી પૂર્ણ કરવાની રહેશે.