સગીરાની છેડતીના કેસમાં આરોપીને પાંચ વર્ષની સજા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(પ્રતિકાત્મક તસવીર)
 
અમદાવાદ: સામાન્ય રીતે કોઈ મહિલાની છેડતીની સજા શું હોઈ શકે, કદાચ એક વર્ષ, બે વર્ષ કે પછી દંડ પરંતુ આ ખ્યાલ ભૂલભરેલો સાબિત થાય તેમ છે, અમદાવાદ શહેરના કાગડાપીઠ વિસ્તારમાં બનેલી આવી જ એક છેડતીની ઘટનામાં  સ્પેશિયલ પોક્સો કોર્ટે એક આરોપીને સગીરવયની છોકરીની છેડતીના કેસમાં પાંચ વર્ષની સજા ફટકારી છે.
 
કાગડાપીઠમાં ઘર બહાર સૂતી સગીરાની છેડતી થઈ હતી
 
જો કોઈ પુરુષ કોઈ મહિલાની છેડતી કરતો પકડાઈ જાય તો આઈ.પી.સી (ઈન્ડિયન પિનલ કોડ) અંતર્ગત તેની સામે આરોપીને સજા કરવામાં આવે છે, પરંતુ જો કોઈ સગીરવયની કિશોરીની છેડતી થાય તો તેના માટે પોક્સો ( પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસ્યુલ ઓફેન્સીસ) એક્ટ મુજબ સખ્ત કાર્યવાહી કરવામાં આવે છે. શહેરના કાગડાપીઠ વિસ્તારમાં સગીરવયની એક છોકરી  તારીખ 4 જુલાઈ, 2014ની રાત્રે પોતાના ઘરની બહાર સૂતી હતી. પરોઢિયે લગભગ 3 વાગે તેણીના ઘર પાસેથી મજૂરગામ વિસ્તારમાં રહેતો અને મજૂરીકામ કરતો રસિક હિંમતભાઈ મકવાણા પોતાના ઘરે જઈ રહ્યો હતો.
 
કાર્યવાહી હાથ ઘરી અને આરોપીની ઘરપકડ

સગીરાને સૂતેલી જોઈ રસિકના મનમાં મલિન ઈરાદો જાગ્યો અને તેણે આવેશમાં આવી સગીરાના શરીર સાથે છેડછાડ કરવાનું શરૂ કર્યું હતું. આ તરફ નિદ્રાઘીન સગીરા રસિકની કુચેષ્ટાથી જાગી ગઈ હતી અને તેણે જોયું તો રસિક તેના ખાટલામાં જ તેની સાથે છેડછાડ કરી રહ્યો હતો. સગીરાએ તુરંત બૂમાબૂમ મચાવતા તેના પરિવારજનો અને આસપાસ સૂતેલા પાડોશીઓ દોડી આવ્યા હતા અને રસિકને રંગેહાથ ઝડપી લીઘો હતો અને કાગડાપીઠ પોલીસને સુપરત કર્યો હતો.આ કેસમાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ઘરી અને આરોપીની ઘરપકડ કરી હતી.
 
પાંચ સાક્ષીઓ તેમજ દસ્તાવેજી પુરાવા કોર્ટ સમક્ષ રજૂ
 
આ કેસની સુનાવણી સ્પેશિયલ પોકસો કોર્ટમાં હાથ ઘરવામાં આવી હતી, જેમાં પ્રથમ પબ્લિક પ્રોસીક્યુટર નિલેષ લોઘા અને ત્યારબાદ નવીન ચૌહાણે સગીરા વતી હાજર રહી પાંચ સાક્ષીઓ તેમજ દસ્તાવેજી પુરાવા કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા અને દલીલ કરી હતી કે આરોપી  ઘટના સ્થળ પરથી જ ઝડપાઇ ગયો છે, તેની સામે સાક્ષીઓના નિવેદન છે અને પૂરતા પુરાવા છે, આરોપીનું કૃત્ય જ તેની ગુનાઇત માનસિકતા પુરવાર કરે છે ત્યારે આવા આરોપીઓને છોડી મૂકવામાં આવે તો સમાજ પર કાયદાની વિપરીત અસર પડે તેમ છે તેથી તેને દષ્ટાંતરૂપ સખત સજા કરવી જોઇએ.
 
કૃત્યો કરનારા લોકોમાં ફફડાટ

તમામ દલીલોના અંતે સ્પેશિયલ કોર્ટના જજ એ.એ.નાણાંવટીએ આરોપી રસિકને પાંચ વર્ષની સજા ફટકારી હતી. આ સાથે જ કોર્ટે નોંધ્યું હતું કે, આરોપી સામે ગુનો પુરવાર થાય તેટલા પુરાવા છે, સાક્ષીઓએ આરોપીને ઓળખી બતાવ્યો છે ત્યારે આવા આરોપીની સામે દયા ન દાખવી શકાય. અમદાવાદ શહેરમાં સ્પેશિયલ કોર્ટની રચના કરવામાં આવી ત્યારબાદથી સગીરાઓ સાથે થતી છેડછાડ અને જઘન્ય કૃત્ય કરનારા લોકો સામે નસયતરૂપ ચુકાદાઓ આપવામાં આવતા આવા કૃત્યો કરનારા લોકોમાં ફફડાટ ફેલાય છે.
 
અન્ય સમાચારો પણ છે...