ત્યજી દેવાયેલી બાળકીને અમદાવાદી દંપતીએ દત્તક લીધી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધર્મિષ્ઠા પટેલ, અમદાવાદ:  બોડકદેવમાંથી 21 નવેમ્બર, 2016એ સવારે 8.50 વાગે પોલીસને ત્યજાયેલી નવજાત બાળકી મળી હતી. પોલીસે તેનાં માતા-પિતાની શોધખોળ કરવા મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી નવેમ્બર મહિનામાં જન્મેલી 70 બાળકીની માહિતી મેળવી તપાસ કરી હતી. જોકે માતા-પિતા ન મળતાં તેને 26 નવેમ્બરે પાલડી શિશુગૃહને સોંપાઈ હતી. શિશુગૃહે તેને ‘અમાયા’ નામ આપ્યું હતું. આ બાળકીને 7 મહિના પછી અમદાવાદના દંપતીએ દત્તક લીધી છે.દત્તક પિતા ખાનગી કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર છે જ્યારે માતા ખાનગી સ્કૂલમાં નોકરી કરે છે. પિતાએ જણાવ્યું કે, ‘અમે 1 વર્ષ પહેલાં દત્તક લેવા માટે અરજી કરી હતી. અમને દીકરી મળ્યાનો આનંદ છે.’ માતાએ કહ્યું કે, ‘આ દીકરી હવે દત્તક નથી, મારો અંશ છે. અમે એના સપનાં પૂરા કરીશું એ અમારા સપનાં પૂરા કરશે. એને ખૂબ ભણાવીશું.’
 
બાળકને લાવારિસ ન છોડો, અહીં મૂકી જાવ
 
આ બાળકી ત્યજાયેલી હતી. એટલે તેને ઇન્ફેક્શન હતું. સારવાર અપાયા બાદ શિશુગૃહમાં લવાઈ હતી. લોકોને અમારી વિનંતી છે કે તમારી મજબૂરી હોય તો બાળકને ક્યાંય લાવારિસ ન છોડી દો, અહીં મૂકી જાવ જેથી બાળકને કોઈ નુકસાન ન થાય. બાળક મૂકનારની ઓળખ છતી નહીં થાય-  રિતેશ દવે, શિશુગૃહ,પાલડી, સુપરિન્ટેન્ડેન્ટ
 
અન્ય સમાચારો પણ છે...