તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમરાઈવાડીમાં ધો.10ની વિદ્યાર્થિનીએ પરીક્ષાના હાઉને લીધે ગળાફાંસો ખાધો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- સ્કૂલ પરીક્ષામાં નબળું પરિણામ આવતાં અંતિમવાદી પગલું ભર્યું
- સ્કૂલેથી પરીક્ષાની ફી રિસિપ્ટ લઈને આવ્યા બાદ તરુણીએ આપઘાત કર્યો

અમદાવાદ: અમરાઈવાડી રજીયાબીબીની ચાલીમાં રહેતી સીટીએમની વિદ્યાસાગર હાઈસ્કૂલની ધો.10ની વિદ્યાર્થિનીએ બોર્ડની પરીક્ષાના ડરથી શનિવારે સવારે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો છે. પરિવારજનોએ કિશોરી અભ્યાસમાં નબળી હોવાથી સતત તણાવમાં રહેતી હોવાનું જણાવ્યું હતું. પોલીસે અકસ્માત મોતની નોંધ કરીને તપાસ હાથ ધરી છે.

પોલીસ તપાસમાં પ્રાપ્ત વિગત મુજબ વિષ્ણુભાઈ બાબુભાઈ ચૌહાણ શનિવારે મજૂરી કામે તેમજ તેમના પત્ની લગ્નમાં રસોઈ કામે ગયાં હતાં. આ સમયે તેમની પુત્રી ડિમ્પલ બોર્ડની પરીક્ષાની રિસીટ લેવા માટે ગઈ હતી તેમજ તેમનો 11 વર્ષનો પુત્ર શાળાએ ભણવા ગયો હતો. ડિમ્પલ સવારે 10.15 વાગ્યે ઘરે પરત ફરી હતી.

બાદમાં 11 વાગ્યે ડિમ્પલનો ભાઈ ઘરે આવ્યોને તેને બૂમાબૂમ કરી હતી. આસપાસના લોકોએ ઘરમાં જઈને જોયું તો ડિમ્પલે ગળા ફાંસો ખાઈ લીધો હતો. બનાવની જાણ અમરાઈવાડી પોલીસને કરવામાં આવી હતી. પોલીસે આ અંગે અકસ્માત મોતની નોંધ કરી તપાસ હાથ ધરી છે.

અમરાઈવાડી પીઆઈ ઓ.એમ.દેસાઈએ આ અંગે જણાવ્યું હતું કે,‘ ડિમ્પલને પ્રિલિમ પરીક્ષમાં નબળું રિઝલ્ટ આવતાં સતત તણાવમાં રહેતી હોવાનું તેના પરિવારજનોએ જણાવ્યું છે. આમ પરીક્ષાના તણાવમાં તેને આ પગલું ભર્યાનું હાલમાં પરિવારજનો માની રહ્યા છે. આ મામલે પોલીસ તપાસ ચાલી રહી છે.’

સગીર ભાઈએ બહેનને ઉતારવા ચપ્પાથી દુપટ્ટો કાપ્યો

શનિવારે સવારે 11 વાગ્યે વિષ્ણુભાઈનો 11 વર્ષનો પુત્ર ઘરે આવ્યો ત્યારે તેણે ડિમ્પલને લટકતી જોઈ હતી. બહેનને લટકતી જોઈને ભાઈએ તેણે બચાવી લેવાનો વિચાર કર્યો હતો. આખરે ભાઈએ ડિમ્પલને નીચે ઉતારવા માટે દુપટ્ટો ચપ્પા વડે કાપી નાખ્યો હતો. ડિમ્પલ નીચે પટકાયા બાદ કંઈ બોલતી ન હોવાથી તેણે બૂમાબૂમ કરી આસપાસના લોકોને ભેગા કર્યા હતા.

રબારી કોલોનીમાં ધો.10ના વિદ્યાર્થીને એમ્બુલન્સે કચડ્યો

રબારી કોલોની પાસે એમ્બુલન્સે ટક્કર મારતાં 15 વર્ષીય વિદ્યાર્થીનું મોત થયું હતું. ધોરણ 10માં અભ્યાસ કરતો વિદ્યાર્થી વિશાલ ગામી ટ્યૂશનમાંથી પરત ફરી રહ્યો હતો ત્યારે અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયો હતો. કારમાં મોડિફાય કરાયેલી એમ્બુલન્સે અડફેટે આવ્યા બાદ ગંભીર ઇજાગ્રસ્ત થયેલા વિશાલને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું મૃત્યુ નીપજ્યું હતું. સીટીએમ વિસ્તારની શારદા સ્કૂલના ધોરણ 10માં અભ્યાસ કરતો વિશાલ ગામી શનિવારે ટ્યૂશનમાં ગયો હતો અને ત્યાંથી સાંજે 8.30 વાગે પરત ફરતી વખતે ભારવી ટાવર પાસે રોડ ક્રોસ કરતી વખતે એક કારચાલક ટક્કર મારીને ફરાર થઇ ગયો હતો. મોઢાના ભાગે ગંભીર રીતે ઘાયલ વિશાલને હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. આ અંગે વંદનભાઈ વ્યાસે અજાણ્યા કારચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસના પીઆઈ બી.જી. ભટ્ટના જણાવ્યાનુસાર, સીસીટીવીમાં તપાસ કરતા બહારગામની એક ખાનગી બોલેરો એમ્બુલન્સે વિશાલને ટક્કર મારી હોવાનું જણાયું છે. આ એમ્બુલન્સ જશોદાનગરથી આવીને નરોડા પાટિયા સુધી સીસીટીવીમાં જોવા મળી હતી.

ગોંડલમાં ધો. 12ના વિદ્યાર્થીની આત્મહત્યા

ગોંડલના ભોજરાજપરામાં રહેતા અને ધોરણ-12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ ભણતરના ભારથી કંટાળીને ઝેરી દવા પી આત્મહત્યા કરી છે. પહેલાં તો આ વિદ્યાર્થીએને હૃદયરોગનો હુમલો આવ્યો હોવાનું સૌએ માન્યું હતું, પરંતુ બાદમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ઝેરી દવા પીધી હોવાનું બહાર આવ્યું હતું. ભોજરાજપરામાં ખાનગી શાળામાં અભ્યાસ કરતા 21 વર્ષીય વિવેક ગજેરાએ રવિવારે ઝેરી દવા પી લેતાં તેનું મોત નીપજ્યું હતું. સ્થાનિકોના જણાવ્યાનુસાર, ધોરણ-12ની આગામી દિવસોમાં પરીક્ષા યોજાવાની હોવાથી ઘર અને શાળાએ વિવેક સમયસર વાંચન અને લેખનકાર્ય પૂર્ણ કરતો હતો, પરંતુ પરીક્ષાના છેલ્લા સમયમાં વાંચન લેખનનું ભારણ વધી જતાં તે ડિપ્રેશનમાં આવી ગયો હતો અને રાત્રે તેના રૂમમાં સૂવા ગયો હતો અને બાદમાં સવારે ઊઠ્યો જ નહોતો. વિવેક બે ભાઈમાં નાનો હતો. શિક્ષણ પાછળની વાલીઓ અને ખાનગી શાળાઓની ઘેલછાના કારણે વિદ્યાર્થીઓ માનસિક તણાવમાં આવી જતા હોય છે અને આમ ડિપ્રેશનમાં આવીને આપઘાત સુધીના પગલાં ભરી લેતાં હોય છે. આવા સમયે સરકારની ભાર વગરના ભણતરની વાતો પોકળ સાબિત થાય છે.
અન્ય સમાચારો પણ છે...